આ ‘શરત’ પર IPL 2025માં રમશે MS ધોની, શું BCCI આપશે મંજૂરી?

IPL 2024 ના અંતથી, ચાહકો મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્ય વિશેના સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ધોની રાંચીમાં પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. સોશિયલ મીડિયાથી દૂર રહેતા ધોનીએ ચાહકોને IPL વિશે અનુમાન લગાવવા મજબૂર કરી દીધા છે. ધોની આઈપીએલ 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી કેપ્ટન તરીકે નહીં પરંતુ એક ખેલાડી તરીકે રમતા જોવા મળ્યો હતો. ધોનીએ કેપ્ટન્સી છોડી દીધી હતી અને સીએસકેની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી હતી. IPL 2024 પછી ઘણો સમય પસાર થઇ ગયો છે અને માહી IPL 2025માં રમશે કે નહીં તે હજી સ્પષ્ટ નથી, પણ હવે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આગામી IPLમાં રમવાનો ધોનીનો નિર્ણય એક ‘શરત’ પર ટકી રહ્યો છે.
અહેવાલ અનુસાર ધોનીએ CSK ના માલિક એન શ્રીનિવાસન સાથે તેના IPL ભવિષ્ય વિશે ચર્ચા કરી હતી. ધોનીનું CSK સાથે ચાલુ રહેવું BCCI દ્વારા આપવામાં આવેલી રિટેન્શનની સંખ્યા પર નિર્ભર છે. જો BCCI ટીમોને IPLમાં 5-6 ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપે છે, તો જ ધોની ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખી શકે છે. 2018 માં ટીમોને પાંચ ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ 2022 માં આ સંખ્યા ઘટાડીને ચાર કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ટી-20 સિરીઝ જિતાડનાર કેપ્ટન સૂર્યકુમાર બુધવારે શ્રીલંકાથી પાછો આવી જશે, જાણો શા માટે
CSK ની ટીમ આ વખતે ઋતુરાજ ગાયકવાડ, રવિન્દ્ર જાડેજા, શ્રીલંકાના મતિષા પથિરાના અને શિવમ દુબેને રિટેન કરે તેવી અપેક્ષા છે. ટીમની ટોચની પસંદગીમાં ધોની નથી. જો ખેલાડી રિટેન કરવાની મર્યાદા વધારીને પાંચ કે છ કરવામાં આવે તો જ ધોની CSKની ટીમમાં સ્થાન મેળવી શકે છે. CSKની રણનીતિ યુવા પ્રતિભાઓને તક આપવાની રહેશે.
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે IPL 2025 સંબંધિત મેગા ઓક્શન ડિસેમ્બર 2024માં થઈ શકે છે. મેગા ઓક્શન પહેલા આઈપીએલની ટીમો બીસીસીઆઈ પાસે 4થી વધુ ખેલાડીઓને રિટેન કરવાની માંગ કરી રહી હોવાની ચર્ચા છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે BCCI મેગા ઓક્શન પહેલા ખેલાડીઓની રિટેન્શન પોલિસીમાં ફેરફાર કરે છે કે નહીં. જો આવું ન થાય તો આગામી સિઝનમાં ધોની મેન્ટર તરીકે જોવા મળી શકે છે.