Assembly Election: પ્રદીપ શર્માનાં પત્ની અને દીકરી જોડાયા શિંદેની શિવસેનામાં
મુંબઈ: મહારાષ્ટ્રમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ અધિકારીઓની વાત થાય તો દયા નાયકની સાથે સાથે એક નામ ચોક્કસ લેવાય અને તે નામ પ્રદીપ શર્માનું છે. 2019માં રાજકારણની એક ઇનિંગ રમી ચૂકેલા પ્રદીપ શર્મા હાલ એન્ટિલિયા વિસ્ફોટકથી જોડાયેલા મનસુખ હિરેન હત્યા પ્રકરણમાં જામીન પર બહાર છે ત્યારે રાજકારણની બીજી ઇનિંગ માટે તેમની પત્ની સ્વીકૃતિ અને દીકરીઓ અંકિતા અને નીકિતા એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં ત્રણેયે શિવસેનામાં પ્રવેશ કર્યો હતો અને શિંદેએ તેમને શિવસેનાની પ્રાથમિક સદસ્યતા અપાવી હતી. શર્માના પત્ની અને દીકરીઓની સાથે તેમના અનેક સમર્થકો પણ શિંદે જૂથમાં સામેલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે પ્રદીપ શર્મા 2019માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન નાલાસોપારાથી ચૂંટણી લડ્યા હતા. જોકે તેમને ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. શર્મા ચૂંટણી લડ્યા ત્યારે શિવસેનાનું વિભાજન થયું નહોતું. એટલે કે હવે શર્માના પત્ની અને દીકરીઓ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ રાજકારણ કરતા જોવા મળશે. મનસુખ હિરેન હત્યા કેસમાં શર્માનું નામ સંડોવાયા બાદ તેમને જેલ થઇ હતી. જ્યારબાદ 2023માં તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા.
ચર્ચાસ્પદ રહી કારકીર્દી.
મુંબઈના અંડરવર્લ્ડના ગેંગસ્ટર પ્રદીપ શર્માના નામ માત્રથી કાંપતા હતા. જોકે તેમની કારકીર્દી હંમેશા ચર્ચાસ્પદ રહી હતી. 2003માં શંકાસ્પદ આતંકવાદી ખ્વાજા યુનસના કસ્ટડીમાં મોતના કેસમાં તેમનું નામ આવતા તેમનું ટ્રાન્સફર અમરાવતી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2008માં માફિયા સાથે સંબંધ રાખવાના કેસમાં તેમનું નામ સંડોવાયું અને બે વર્ષ બાદ નકલી એન્કાઉન્ટરના કેસમાં તેમને બરખાસ્ત કરવામાં આવ્યા હતા, જેની વિરુદ્ધ તે હાઇ કોર્ટમાં કેસ લડ્યા હતા. 2016માં તે કેસ જીતી ગયા અને તેમને ફરી પોલીસ સેવામાં પાછા લેવામાં આવ્યા હતા.
Also Read –