સાયબર ક્રાઈમનાં કેસ ઉકેલવા સ્ટાફ જ નથી!
સાયબર સાવધાની -પ્રફુલ શાહ
વાત ઝળહળતા સૂર્ય જેવી સ્પષ્ટ નથી? એક તો સામાન્ય અપરાધ, સિક્યોરિટી એરેન્જમેન્ટસ અને હડતાળ-દેખાવો-ધરણા માટે આપણી પાસે પૂરતા પોલીસ નથી. એમાંય સાયબર ક્રાઈમ માટે તો ખાસ તાલીમ સાથેનું પોલીસદળ જોઈએ.
અત્યારે ભારતભરના સાયબર ક્રાઈમ ખાતામાં પર્યાપ્ત માનવબળ નથી. સાયબર ક્રાઈમના કેસ નોંધવા અને તપાસ કરવા માટે પૂરતા પ્રમાણમાં વહીવટી કર્મચારીથી લઈને ઈન્સ્પેક્ટર અને એની ઉપરના અધિકારીઓ નથી. સામાન્ય પોલીસમાંથી આ વિભાગમાં બદલી આસાન નથી કારણકે એમાં આઈ.ટી. (ઈન્ફોર્મેશન ટેક્નોલોજી)ના જ્ઞાન વગર ન ચાલે. આની સાથોસાથ આ ગુનાને નોંધવા ઉપરાંત એની વ્યવસ્થિત તપાસ યોજવા માટે અનિવાર્ય એવા કમ્પ્યુટર કે સોફટવેર નથી, એના જાણકાર પણ નથી.
તો શું પ્રજાને ભગવાન ભરોસે, સૉરી, સાયબર ક્રિમિનલની જમાતને ભરોસે છોડી દેવાની? સાવ એવું નથી છતાં આવા ગુનેગારોની મોટી વસતિ અને વધતા પ્રમાણને પહોંચી વળવાનું ગજું સરકાર કે કોઈ પોલીસદળમાં અત્યારે તો દેખાતું નથી જ. આ માત્ર ઉપરછલ્લું નિવેદન નથી એના સજ્જડ પુરાવા સમાન સત્તાવાર આંકડા પણ છે. માત્ર મુંબઈ પોલીસને જ ટેસ્ટ કેસ તરીકે લઈએ. સાયબર ક્રાઈમના ૧૯૧૭૫ કેસની તપાસમાં શું થયું? દશ વર્ષમાં એટલે કે ૨૦૧૩થી ૨૦૨૩ વચ્ચે ત્રણ ગુનેગારને સજા થઈ, ને ૧૧ જણ નિર્દોષ છૂટી ગયા!
સાયબર ક્રાઈમમાં લોહી વહેતું નથી, લાશ ઢળતી નથી, અત્યાચાર થતા કે દેખાતા નથી, આક્રંદ સંભળાતા નથી. મોટેભાગે એ વ્યક્તિગત અપરાધ બની જાય છે. આથી એની ધારી ધાક ઊભી થતી નથી. પરંતુ આપણે સૌ, એક-એક ગમે તે ઘડીએ સાયબર ક્રાઈમનો શિકાર થઈ શકીએ છીએ. તો કરવું શું? સાવધાન રહીએ, સતર્ક રહીએ. હવે જોઈશું એવા કિસ્સા કે જેનાથી આપણે સાવધાન રહેવાનું છે, આપણી મહામૂલી મૂડી બચાવવાની છે કોઈ પણ કિંમતે.
A.T.P.(ઑલ ટાઇમ પાસવર્ડ)
યાદ રહે કે સાયબર વર્લ્ડમાં આપણને એક જ વ્યક્તિ બચાવી શકે. ખુદ આપણે.