કર્ણાટકમાં 20 વર્ષનો મહાકાય હાથી મૃત હાલતમાં મળ્યો; આ કારણે મોત નીપજ્યું
Bengaluru: સોમવારે કર્નાટકના કોડાગુ જિલ્લાના હુંડી ગામમાં 20 વર્ષનો જંગલી હાથી મૃત હાલતમાં મળી આવ્યો (Elephant Death) હતો. તાપસમાં જાણવા મળ્યું કે ખોરાક ન મળતા ભૂખમરાને કારણે આ હાથીનું મોત થયું છે, વન અધિકારીના જણાવ્યા મુજબ સંભવતઃ હાથીની આંખો નબળી પડી જતા તેને ખોરાક મળ્યો ન હતો.
ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCF) ના જણાવ્યા મુજબ, “પ્રારંભિક તપાસ સૂચવે છે કે હાથીનું મૃત્યુ કદાચ ભૂખમરાથી થયું છે કારણ કે અંધત્વને કારણે તેને ખોરાક મળ્યો ન હતો. મોત રવિવારે બપોર અને રાત્રી દરમિયાન થયું હોવાનું જણાય છે. રવિવારની રજા હોવાથી, કોફી એસ્ટેટમાં કોઈ હાજર નહોતું, જેથી કોઈએ મૃતદેહને જોયો ન હતો. અમે મૃત્યુના ચોક્કસ કારણની પુષ્ટિ કરવા માટે અંતિમ ઓટોપ્સી રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.”
દુબરે હાથી શિબિરમાંથી પશુ ચિકિત્સકે ઓટોપ્સી બાદ જણાવ્યું કે કોઈ બાહ્ય ઈજા કે ગોળીના ઘા હોવાનું જાણવા મળ્યું નથી. પોસ્ટમોર્ટમ તપાસમાં અમને તેના પેટમાં બહુ ઓછો ખોરાક મળી આવ્યો છે.
ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડનને આ બાબતની જાણ કર્યા બાદ સોમવારે માલદારે રિઝર્વ ફોરેસ્ટમાં હાથીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ વિસ્તારના એક ગ્રામીણ પલંગપ્પાએ જણાવ્યું હતું કે હાથી અગાઉ છેલ્લા ત્રણ મહિનાથી માનવ વસાહતો પાસે ભટકતો જોવા મળ્યો હતો.
ગામ લોકોના જણાવ્યા પ્રમાણે અમને ક્યારેય ખ્યાલ ન હતો કે હાથી આંધળો છે કારણ કે તે માત્ર કયારેક દેખાતો. વરસાદની મોસમમાં જંગલી હાથીઓ ઓછા જોવા મળે છે કારણ કે તેમને જંગલોમાં પૂરતો ચારો હોય છે. અમે વારંવાર રાજ્ય સરકાર અને સત્તાવાળાઓને જંગલી હાથીઓની સમસ્યાના કાયમી ઉકેલ માટે પૂછ્યું છે, પરંતુ કોઈ ગંભીર પગલાં લેવામાં આવ્યા નથી.
Also Read –