શાહરૂખ ખાનના ચાહકો માટે એક ચિંતાજનક સમાચાર, સારવાર માટે અમેરિકા જવા રવાના
મુંબઇઃ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝુમી રહ્યા છે. તેમને IPL 2024 દરમિયાન હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, એક દિવસ બાદ તેમને રજા આપવામાં આવી હતી. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે કિંગ ખાનને મોતિયો થયો છે.
રિપોર્ટ અનુસાર અભિનેતાને બંને આંખમાં મોતિયાની સમસ્યા છે, જેના માટે તેઓ 29મી જુલાઈના રોજ સારવાર માટે મુંબઈની હૉસ્પિટલમાં ગયા હતા, પરંતુ મુંબઈમાં તેમની યોગ્ય સારવાર થઈ શકી ન હતી, તેથી હવે તેઓ યુએસ જશે, જ્યાં તેની બાકીની સારવાર કરવામાં આવશે.
આધારભૂત સૂત્રોએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે શાહરૂખ ખાને 29 જુલાઈએ મુંબઈમાં પોતાની આંખોની સારવાર કરાવી હતી. મુંબઇની હોસ્પિટલમાં અભિનેતાનું ઓપરેશન થયું હતું, પરંતુ હવે શાહરૂખ ખાન વધુ સારવાર માટે આજે જ અમેરિકા જવા રવાના થશે.
શાહરૂખ ખાન છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં સારવાર લઈ રહ્યા હતા. અભિનેતાને મોતિયો હોવાની ખબર પડી હતી અને તેમને બંને આંખોમાં તકલીફ હતી. અભિનેતાએ ભારતમાં એક આંખની સારવાર કરાવી છે. અભિનેતા હવે બીજી આંખની સારવાર માટે અમેરિકા જશે. મળતી માહિતી મુજબ, શાહરૂખ ખાન અમેરિકામાં સારવાર કરાવ્યા બાદ ભારત નહીં આવે. સારવાર બાદ તેઓ 7 કે 8 ઓગસ્ટે સ્વિટ્ઝર્લેન્ડ જવાના છે. જો કે, તેઓ અંગત કે વ્યાવસાયિક કામ માટે સ્વિટ્ઝર્લેન્ડ જશે કે કેમ તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
શાહરૂખ ખાન છેલ્લે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં તેમના આખા પરિવાર સાથે જોવા મળ્યા હતા. લગ્નમાં તેમના સાસુ એટલે કે ગૌરી ખાનના મમ્મી પણ તેમની સાથે જોવા મળ્યા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ તેની દીકરી સુહાના સાથે ફિલ્મ કિંગમાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન વિલનની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સુહાના પણ શાહરૂખ સાથે એક્શન કરતી જોવા મળશે. શાહરૂખ ખાન છેલ્લે ડિંકી ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ગયા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરૂખ સાથે તાપસી પન્નુ લીડ રોલમાં જોવા મળી હતી.
Also Read –