પુણેમાં ગણપતિના પંડાલમાં લાગી આગ, આ નેતાને અધવચ્ચે જવું પડ્યું
મુંબઈઃ પુણેના સાને ગુરુજી તરુણ મિત્ર મંડળના પંડાલમાં ચાલી રહેલા ગણપતિ કાર્યક્રમ દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. એ વખતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાજરી આપી હતી. અહીંના પંડાલમાં આરતી વખતે અચાનક આગ લાગી હતી, તેથી સુરક્ષાના કારણસર નડ્ડાને ત્યાંથી નીકળી જવું પડ્યું હતું, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પુણેમાં તરુણ મિત્ર મંડળ દ્વારા ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ મંદિરના મોડેલના આધારે ગણપતિ પંડાલની સજાવટ કરવામાં આવી હતી, જેમાં આજે અચાનક આગ લાગી હતી, ત્યાર પછી આગની જ્વાળા છેક મંદિરના ટોચના કળશ સુધી પહોંચી હતી. જોકે, આગ લાગ્યા પછી જોરદાર વરસાદ શરૂ થવાને કારણે થોડી જ મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ આગને કારણે ઘણું નુકસાન થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આગને કારણે અહીં આજે દર્શનાર્થે આરતી માટે આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ ધાર્મિક વિધિઓને અધવચ્ચે છોડીને બહાર નીકળી જવું પડ્યું હતું. પુણેના પ્રવાસ સિવાય અગાઉ જેપી નડ્ડાએ લાલબાગચા રાજા સહિત મુંબઈના અન્ય લોકપ્રિય ગણેશ પંડાલોની મુલાકાત લીધી હતી. મુંબઈના પ્રવાસ વખતે નડ્ડાએ શરુઆતમાં ગિરગાંવમાં કેશવજી ચાલ ગણેશોત્સવ મંડળની મુલાકાત કરી હતી ત્યાર બાદ તેઓ પ્રખ્યાત લાલબાગચા રાજાના દર્શન કર્યા હતા. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે સહિત અન્ય અગ્રણી વ્યક્તિઓ સાથે હતા.