ગુજરાતમાં Chandipura virus થી 56 દર્દીના મોત, કુલ કેસ 133એ પહોંચ્યા

Ahmedabad: ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના(Chandipura virus)વધુ બે કેસ સાથે કુલ 133 કેસ નોંધાયા છે. જ્યારે વધુ ત્રણ બાળકોનાં મોત થતા કુલ મૃત્યુઆંક 56 પર પહોચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગ દ્વારા 43,414 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. જ્યારે 5,91,735 ઘરોમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 47 પોઝીટીવ કેસ
ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 47 પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં સાબરકાંઠા-છ, અરવલ્લી-ત્રણ, મહીસાગર-એક, ખેડા-ચાર, મહેસાણા-ચાર, રાજકોટ-બે, સુરેન્દ્રનગર, અમદાવાદ કોર્પેોરેશન-ત્રણ, ગાંધીનગર-એક, પંચમહાલ-સાત, જામનગર-એક, મોરબી-એક, દાહોદ-બે, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ કોર્પેરેશન, કચ્છ, સુરત કોર્પોરેશન, ભરૂચ અને પોરબંદરમાં એક-એક કેસો આવેલા છે.
આરોગ્ય વિભાગ ચાંદીપુરા વાઈરસને લઈને સતર્ક
સરકારી દાવા પ્રમાણે પોઝિટિવ અને શંકાસ્પદ કેસો મળ્યા છે તેની આસપાસના વિસ્તારોના 43,414 ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરાઈ છે. 5.91 લાખ કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરાયું છે. જ્યારે 1.27 લાખ કાચા ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરાઈ છે. આ ઉપરાંત 24 હજારથી વધુ શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને ચાર હજારથી વધુ શાળામાં સ્પ્રેઈંગ, 29 હજાર આંગણવાડીમાં પાવડર છંટકાવ કરાયો છે. રાજ્યમાં અત્યારે વાયરલ એન્કેફેલાઈટિસના 28 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 49 બાળ દર્દી સાજા થતાં હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે.