વેપારશેર બજાર

નિફ્ટી ૨૫,૦૦૦ની લગોલગ જઇ પાછો ફર્યો, બંને બેન્ચમાર્કનવા ઇન્ટ્રા-ડે શિખર બનાવી લપસ્યા છતાં નવી ઊંચી સપાટીએ

મુંબઇ: સપ્તાહના પહેલા દિવસે તેજીના ઉછાળા સાથે સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જેમાં નિફ્ટી ૨૫,૦૦૦ની અત્યંત લગોલગ પહોચ્યો હતો, પરંતુ ખાસ કરીને એફએમસીજી અને આઇટી શેરોમાં જોરદાર પ્રોફિટ બુકિંગ શરૂ થતાં બંને બેન્ચમાર્ક અત્યંત મામૂલી સુધારા સાથે મૂળ સપાટીથી થોડા ઊંચે સ્થિર થયાં હતાં.

યુએસ બોન્ડના ઘટાડા પાછળ બપોરના સત્રમાં સેન્સેક્સ ૫૭૬ના ઉછળા સાથે ૮૧,૯૦૮.૪૩ પોઇન્ટની નવી ઊંચી સપાટીએ અને નિફ્ટી ૧૬૪.૯૦ પોઇન્ટની છલાંગ સાથે ૨૪,૯૯૯.૭૫ની વિક્રમી ઓલટાઇમ ઇન્ટ્રા-ડે હાઇ સપાટીએ અથડાયો હતો. જોકે, અંતે સેન્સેક્સ માત્ર ૨૩.૧૨ પોઇન્ટ વધીને ૮૧,૩૫૫.૮૪ પોઇન્ટની અને નિફ્ટી ૧.૨૫ પોઇન્ટના સુધારા સાથે ૨૪,૮૩૬.૧૦ની ઓલટાઇમ હાઇ સપાટીએ સ્થિર થયો હતો.

લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ફિનસર્વ, એમએન્ડએમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સ્ટેટ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, રિલાયન્સ અને સન ફાર્મા ટોપ ગેઇનર હતા. જ્યારે ભારતી એરટેલ, ટાઇટન, આઇટીસી, કોટક મહિન્દ્રા બેન્ક, ટેક મહિન્દ્રા અને એચડીએફસી બેન્ક ટોપ લુઝર્સ રહ્યાં હતા.

પ્રાઇમરી માર્કેટમાં પણ સારી હલચલ રહી હતી અને આ સપ્તાહે આઠ આઇપીઓ આવી રહ્યાં છે. સીગલ ઇન્ડિયા રૂ. ૧૨૫૨.૬૬ કરોડના આઇપીઓ સાથે પહેલી ઓગસ્ટે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૩૮૦થી રૂ. ૪૦૧ નક્કી થઇ છે. ભરણું પાંચમી ઓગસ્ટે બંધ થશે અને શેર બીએસઇ તથા એનએસઇ પર આઠમી ઓગસ્ટે લિસ્ટ થવાની સંભાવના છે.

મેઇનબોર્ડમાં બીજી કંપની ઓલા ઈલેક્ટ્રીક મોબિલિટી લિમિટેડે શેરની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. ૭૨થી રૂ. ૭૬ નક્કી કરી છે. આ રૂ. ૫,૫૦૦ કરોડનો ઇશ્યૂ બીજી ઓગસ્ટે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને છઠી ઓગસ્ટે બંધ થશે. મિનિમમ બિડ લોટ ૧૯૫ શેરનો છે. પાત્ર કર્મચારીને શેરદીઠ સાત રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે.

એસએમઇ સેગમેન્ટમાં ઉત્સવ સીઝેડ ગોલ્ડ જ્વેલ્સ લિમિટેડ મૂડીબજારમાં ૩૧ જુલાઈ, ૨૦૨૪ના રોજ પ્રારંભિક પબ્લિક ઑફરિંગ સાથે પ્રવેશ કરી છે. આ એસએમઇ ભરણાં મારફત કંપની રૂ. ૬૯.૫૦ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૦૪થી રૂ. ૧૧૦ પ્રતિ શેર અને લોટ સાઈઝ ૧,૨૦૦ ઈક્વિટી શેરની છે. એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. એન્કર ભાગ માટે બિડિંગ ૩૦ જુલાઈ, ૨૦૨૪ના રોજ ખુલશે. ભરણું બીજી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ બંધ થશે.

એચપીસીએલએ સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૯૪.૨ ટકાના ઘટાડા સાથે રૂ. ૩૫૫.૮૦ કરોડ જાહેર કર્યો છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. ૬,૨૦૩.૯ કરોડ નોંધાયો હતો. ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીની આવક વાર્ષિક ધોરણે ૧.૪ ટકા વધીને રૂ. ૧,૨૦,૩૫૮.૫૯ કરોડ થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button