તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

શાકભાજી-ફળોની છાલના વિશેષ ગુણ

આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા

ભારતમાં ભોજન અનંત વ્યંજનોનું એક જીવંત વર્ગીકરણ છે. ભારતીય ભોજનની મોટામાં મોટી વિશેષતા એ છે કે ભોજનની વિવિધતા અગણિત છે. બહુજાતીય સંસ્કૃતિ હોવાને કારણે ભોજનની એક વિશાલ બૃહદ શૃંખલા છે. સ્વાદિષ્ટ ભોજન પ્રત્યે ભારતીયોની દીવાનગી ચરમસીમાને પાર કરે છે. એક અધ્યન મુજબ વિશ્ર્વમાં ભારતીય ભોજન સૌથી વધુ સ્વાદિષ્ટ અને પોષક છે. મોર્ડન ફૂડને બાદ કરતાં લગભગ ભારતીય પરંપરાગત ભોજનનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શાકભાજી કે ફળોથી બનતાં વ્યંજનોની આપણી પાસે વિશેષતા છે. શાકભાજી કે ફળોના દરેક ભાગનો ઉપયોગ ભોજનમાં થાય છે. કોઇપણ ભાગ ફેંકી દેવામાં આવતો નથી. જાણકાર છે તે દરેક ભાગનો ઉપયોગ કરી તેમાંથી પોષણ મેળવે છે. અને સ્વાદિષ્ટ વાનગી બનાવે છે. શાકભાજી અને ફળોની છાલમાં અદ્ભુત વિટામિન્સ અને મિનરલ્સ સમાયેલાં છે. ઘણીય બીમારીને સાજો કરે છે. તેમ જ બીમારીઓ આવવા દેતા નથી.

દાડમની છાલ
સૌથી કારગર છાલ છે. જેમાં ફાઇબરનો મોટો સ્ત્રોત છે. એન્ટિ બેકટેરિયલ અને એન્ટિ ઓક્સિડેન્ટ છે. પાચન સુધારે છે. ડાયરિયાથી બચાવે છે. કફને પાતળો કરી કાઢે છે. ખાંસી, ટીબીની ખાંસી, શરદી, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. જોરદાર એસીડીટીને પણ નાબૂદ કરે છે. સ્કીન પર થતી બળતરાં અને ખંજવાળને જલદી નાબૂદ કરે છે. થાઇરોઇડની તકલીફમાં સૌથી સારું પરિણામ આપે છે. દાડમની છાલ પાણીમાં ભીંજવીને પાણી લઇ શકાય છે. તેને સૂકવી પાઉડર બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.

સફરજનની છાલ
ભરપૂર માત્રામાં ફાઇબર છે જે પાચન સુધારે છે. છાલમાં પેકટીન જે લોહીનું કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. સુગરને નિયંત્રિત કરે છે. વિટામિન બીની ઊણપ દૂર કરે છે. છાલમાં આયોડીન છે જે થાઇરોઇડની સમસ્યા તેમ જ છાલ કે અલ્સરને મટાડે છે. આંતરડાના અલ્સરમાં મલમ જેવું કામ કરે છે. કૅન્સરના કોષોને નિયંત્રિત કરે છે. છાલને વ્યવસ્થિત ધોઇને વાપરવી. આની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

સંતરાની છાલ
અતિ ઉપયોગી છે. વિટામિન સી, ફલેવોનોન ગ્લાઇકો સાઇડ, કાર્બોહાઇડ્રેડ, પેકટીન, સેલ્યુલોંઝ, એન્ટિ એલઝીક, એન્ટિમાઇક્રો બિપલ, એન્ટિ ઓકિસડેન્ટ, એન્ટિ ઇમ્ફલમેટરી જેવા અનેક ગુણો છે. શરીરમાં વિદ્યુત ઉત્પન્ન કરે છે.
આ એક ન્યૂરો પ્રોટેક્ટિવ છે. જે મસ્તિકમાં થતી લોહીની બાધાઓ દૂર કરે છે. કોષીકાને સ્વચ્છ રાખે છે. થાક દૂર કરે છે. આંખોની બળતરા ઓછી કરે છે. માનસિક બીમારી કે અલ્ટ્રાઇમરની સમસ્યા ખરેખર દૂર કરે છે. મેમરી પાવરને વધારે છે. માથાના વાળ ખરી ગયા હોય તો તે પાછા લાવી દે છે. ચામડીના ડાઘ દૂર કરે છે. સેલને મજબૂતી આપે છે. હાડકાંના દુ:ખાવા દૂર કરે છે. આની છાલનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મુરબ્બો બનાવી શકાય છે. છાલને સૂકવી પાઉડર બનાવી તે દાળ-શાક કે બીજી અન્ય વાનગીમાં વાપરી શકાય છે. આની છાલનો ઉકાળો બનાવી પી શકાય છે. વારંવાર માથાનો દુ:ખાવો થતો હોય તો આની પેસ્ટ માથા પર લગાવી શકાય છે. બી.પી. વધી જવાને કારણે માથું દુ:ખતું હોય તો આનો ઉકાળો લેવો જોઇએ. પસીનાની વાસ દૂર કરે છે.

દૂધીની છાલ
શાકભાજીમાં દૂધીની છાલ વધારે ફાયદાવાળી છે. વિટામિન-સી, એન્ટિ ઓકિસડેન્ટ અને સ્ટ્રીરોઇડ્સ વધુ પ્રમાણમાં છે. શરીરમાં સ્ટ્રીરોઇડ્સ જરૂરિયાત જલદી પૂરી કરે છે. પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે. હૃદયની બીમારી અને થાઇરોઇડની બીમારીમાં જલદી સુધાર કરે છે. પગમાં દુ:ખાવાની સમસ્યા દૂર કરે છે. માસિક ધર્મની બીમારીઓથી દૂર રાખે છે. મેનોપોઝમાં સહાયક છે.

મકાઇના ડોડાની છાલ
આ પાવર ફૂલ છાલ છે. ડોડા ઉપરના પાનના મજબૂત ગુણો છે. શરીરમાં થતી નાની ગાંઠો અને બ્લોકેઝને દૂર કરે છે. પથરીને તોડી નાખે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરે છે. ઇન્સ્યુલીનની સ્થિતિ સામાન્ય કરે છે. કિડનીની બીમારીમાં છાલ અને રેસાનો ઉકાળો બનાવી લેવો જોઇએ.

ફળો-શાકભાજી છાલ ફેંકી ન દેતાં તેનો ઉપયોગ ભોજનમાં થવો જોઇએ. બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરે છે.

કેળાની છાલ
સુખદાયક ગુણો છે. વિટામિન-સી, એન્ટિ ઓક્સિડેન્ટ, કેરીટીનોયડ, પોલીફેનોલ જેવાં બાયોએક્ટિવ ગુણો છે. ટેનિન, ફલેવનોઇડ્સ એન્ટિ ઇન્ફલમેટરીના ગુણો છે. જે શરીરના સોજા દૂર કરે છે. શરીરમાં લચીલાપણું આપે છે. થાઇરોઇડ ગ્ંરથિ વધી જવાને કારણે ગળા પર સોજો આવે છે. ગળા પર છાલ બાંધવાથી થોડા સમયમાં જ સોજા નીકળી જાય છે. આનું શાક અને ચીપ્સ બનાવી શકાય છે. દાંત પર છાલ ઘસવાથી દાંત ચમકે છે. આમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ છે. ચામડી પર આની પેસ્ટ લગાવાથી પિંપલ્સ દૂર થાય છે. મચ્છર કે કોઇ કીટાણું કરડી જાય ત્યારે કેળાની છાલ ઘસવી. ચાંદીના વાસણ પણ ચમકી ઊઠે છે.

તુરિયાની છાલ
વિટામિન અને મિનરલ્સથી ભરપૂર છે. બળતરાને શાંત કરે છે. વધેલા કોલેસ્ટ્રોલને નિયત્રંણ કરે છે. હૃદયને મજબૂતી આપે છે. લો કેલરીવાળી હોવાથી વજનને નિયંત્રણ કરવાની ક્ષમતા વધુ છે. વાળની માવજત કરે છે તેને મજબૂત બનાવે છે. પાચનમાં સુધાર કરે છે. ચટણી અને શાક બનાવી શકાય છે.

બટેટાની છાલ
આયોડીની માત્રા વધુ છે. કેલ્શિયમ, આયરન, વિટામિન બી અને ફાઇબરથી ભરપૂર છે. શાકનો રાજા બટેટા છે. સંધિવાતની બીમારીમાં જરૂરી સ્ટાર્ચ પૂરી પાડે છે. છાલ સાથે બટેટા વાપરવા જોઇએ. છાલની ચટણી અને ચિપ્સ સ્વાદિષ્ટ બને છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button