“માયકાંગલો આગેવાન પોતે ડૂબે સાથે સમાજને ડૂબાડે” જયેશ રાદડિયાએ નામ લીધા વિના કર્યો પ્રહાર
સુરત: સૌરાષ્ટ્રમાં લેઉઆ પટેલ સમાજના બે મોટા નેતા એવા ખોડલધામના ચેરમેન અને જેતપુર-જામ કંડોરણા બેઠકના ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચેના વિવાદને લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આજે ફરી એકવાર જયેશ રાદડિયાના નિવેદનથી લઈને આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જયેશ રાદડિયાએ નામ લીધા વિના જ આપેલા નિવેદનને લઈને ચર્ચાઓ જાગી છે.
આજે 29 જુલાઇના રોજ જયેશ રાદડિયાના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિતે સુરત ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં હાજરી આપી હતી. અહી તેમણે કોઈના નામ લીધા વિના પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે અમુક લોકોને શું પેટમાં દુખે છે ? કોઈને એમાં મજા આવે છે અને મે કહ્યું હતું કે સમાજનો આગેવાન જે મજબૂત હોય તેને સ્વીકારજો, માયકાંગલાઓની સમાજને જરૂર નથી. એ પોતે તો ડૂબશે પણ સાથે સમાજને પણ ડૂબાડશે. તાકાતવાળો હોય તેને આગળ કરજો. કોઈ પાડી દેવાનાં કાવતરાં કરતા હશે તો તે સફળ થશે નહીં.
આ પણ વાંચો : જય કનૈયાલાલ કીઃ પશ્ચિમ રેલવેએ જન્માષ્ટમી નિમિત્તે પ્રવાસીઓને આપી આ ભેટ
જયેશ રાદડિયાએ કહ્યું હતું કે જ્યારે સમાજને સામાજિક અને રાજકીય રીતે મજબૂત આગેવાન મળે તો નીચે બેસવાની મારી તૈયારી છે અને કોઇ સ્ટેજ પરથી સ્પીચ આપતું હોય તો નીચે બેસીને સાંભળવાની અને ફોટો પડાવવાની તૈયારી છે. આ સમાજની અંદર અનેક લોકો છે એ જેને સવારથી લઈને સાંજ સુધી આગેવાનોની જરૂર પડે છે અને જો તેનો હાથ ન પકડી શકતા હોય તો તેનો પગ ખેંચવાનું સમાજના કહેવાતા અમુક લોકો બંધ કરી દો. નજીકના ભવિષ્યમાં સમાજનો હાથ જાલનાર કોઇ આગેવાન નહિ હોય તેવા દિવસો પણ જોઈ રહ્યો છું.
સૌરાષ્ટ્રના લેઉવા પટેલના આસ્થાનું કેન્દ્ર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને લેઉવા પટેલના દિગ્ગજ નેતા ગણાતા જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોર ચાલતું હોવાના સૂર ઘણા સમયથી રેલાયા છે. ચૂંટણીમાં ઊભા થયેલા આંતરિક મતભેદો બાદ આ વિવાદ વધુ વકર્યો છે. બંને પક્ષ તરફથી નામ લીધા વગર વાકબાણ પણ કરી ચૂક્યા છે. ઈફકોની ચૂંટણી બાદ આ વિવાદની બળતી આગમાં વધુ ઘી હોમાયું હતું.