ન્યૂ જર્સીમાં ગોપી શેઠે કરી કમાલઃ અમિતાભ બચ્ચનની પ્રતિમા બનાવી અને….
વોશિંગ્ટનઃ અમેરિકાના ન્યૂ જર્સીમાં એક ભારતીય-અમેરિકન બિઝનેસમેન દ્વારા તેમના નિવાસસ્થાનની બહાર સ્થાપિત કરવામાં આવેલ બિગ બીની પ્રતિમાનું આસપાસના લોકોની સાથે પર્યટકોમાં જોવા માટે ઘેલું લગાડ્યું છે. એટલું જ નહીં, બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની પ્રતિમાને હવે ગૂગલ દ્વારા પ્રવાસીઓના આકર્ષણ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે.
ગોપી શેઠે ઓગસ્ટ ૨૦૨૨માં ન્યૂ યોર્કમાં મેનહટનથી લગભગ ૩૫ કિમી દક્ષિણમાં એડિસન ટાઉનમાં તેમના નિવાસસ્થાનની બહાર બચ્ચનની માણસના કદ બરાબરની પ્રતિમા સ્થાપિત કરી હતી. ગોપી શેઠે જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચનની પ્રતિમાના કારણે અમારું ઘર સૌથી વધુ લોકપ્રિય પ્રવાસી આકર્ષણોમાંનું એક બની ગયું છે.
આ પણ વાંચો : Divorce Rumors વચ્ચે Aishwarya Rai-Bachchanએ કોને કહ્યું તું મારી આત્મા છે, હું તારા માટે…
ગૂગલ સર્ચ દ્વારા માન્યતા પ્રાપ્ત આ સાઇટ દરરોજ મુલાકાતીઓની સંખ્યામાં વધારો કરે છે. પ્રખ્યાત ભારતીય અભિનેતાના ચાહકો આ સ્થાન પર તસ્વીરો અને સેલ્ફી લેવા આવે છે અને તેને ઇન્સ્ટાગ્રામ અને એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર પણ કરે છે. શેઠે પ્રતિમા જોવા આવેલા ચાહકોના કેટલાક વીડિયો પણ શેર કર્યા છે.
તેમણે કહ્યું કે દુનિયાભરમાંથી બચ્ચનના ચાહકો પ્રતિમાને જોવા માટે આવે છે. દરરોજ ૨૦થી ૨૫ પરિવારો આવે છે. અહીં આવનારા લોકો અવારનવાર આ મહાન અભિનેતાના વખાણ કરતા પત્રો પાછળ છોડી જાય છે. શેઠે કહ્યું હતું કે અમારું ઘર બચ્ચનની વૈશ્વિક લોકપ્રિયતાનું પ્રમાણપત્ર છે અને વિશ્વના દરેક ખૂણેથી તેમના ચાહકોનું સ્વાગત કરવું એ અમારા માટે સન્માનની વાત છે.
ઉલ્લેખનીય છે કે ગોપી શેઠ વર્ષ ૧૯૯૦માં ગુજરાતના દાહોદથી અમેરિકા ગયા હતા અને ત્યારથી ત્યાં જ સ્થાયી થયા હતા. તેઓ છેલ્લા ત્રણ દાયકાથી બિગ બી એક્સટેન્ડેડ ફેમિલી નામની અમિતાભ બચ્ચન પર આધારિત વેબસાઇટ પણ ચલાવી રહ્યા છે. અહેવાલ અનુસાર આ મૂર્તિ રાજસ્થાનમાં બનાવવામાં આવી હતી અને ત્યાંથી તેને અમેરિકા મોકલવામાં આવી હતી. આ સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ લગભગ ૬૦ લાખ રૂપિયા આવ્યો હતો.