2019માં યશશ્રીના પિતાએ જાહેરમાં કરેલી ધુલાઇનો ગુસ્સો દાઉદ શેખને હતો
મુંબઈ: નવી મુંબઈના ઉરણમાં પોલીસ સ્ટેશન નજીક જે યુવતીનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો તેના પિતાએ આ કેસના મુખ્ય શકમંદ દાઉદ શેખને 2019માં જાહેરમાં માર માર્યો હતો, કારણ કે તેને જાણવા મળ્યું હતું કે તેની પુત્રી સાથે શેખ સંબંધ ધરાવે છે.
ઉરણમાં રહેતી 22 વર્ષની યશશ્રી શિંદે કોમર્સ ગ્રેજ્યુએટ હતી અને બેલાપુરની ખાનગી કંપનીમાં ડેટા એન્ટ્રિ ઓપરેટર તરીકે કામ કરતી હતી. યશશ્રીને 2018માં શેખે પહેલી વાર જોઇ હતી અને બાદમાં તેની પાછળ પડી ગયો હતો. યશશ્રી જ્યારે પંદર વર્ષની હતી ત્યારે શેખે તેની પજવણી કરી હતી. યશશ્રીને શેખે સતત ત્રાસ આપી રહ્યો હોવાથી યશશ્રીના પિતાએ 2019માં જાહેરમાં શેખની મારપીટ કરી હતી અને બાદમાં તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી, જેને આધારે પોલીસે શેખ સામે પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો અને તેને જેલમાં જવું પડ્યું હતું.
આ કેસમાં જામીન પર છૂટ્યા બાદ શેખ કર્ણાટક ગયો હતો. કૉલ રેકોર્ડ અનુસાર તે યશશ્રીને સતત સંપર્ક કરતો હતો. અમને શંકા છે કે 2019માં યશશ્રીના પિતા દ્વારા જાહેરમાં તેનું અપમાન કરવા અને તેની ધરપકડ કરાવવા બદલ શેખના મનમાં યશશ્રીના પિતા પ્રત્યે ગુસ્સો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારે ઘરેથી નીકળેલી યશશ્રી મોડી રાતે પણ પાછી ફરી નહોતી. યશશ્રીની શોધ ચલાવ્યા છતાં તેનો કોઇ પત્તો ન લાગતાં પરિવારજનોએ ઉરણ પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન શુક્રવારે રાતના રેલવે સ્ટેશન નજીક યશશ્રીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. શસ્ત્રના અનેક ઘા ઝીંકી તેની હત્યા કરાઇ હતી. તેનો ચહેરો છૂંદી નાખવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ક્ષતવિક્ષત મૃતદેહને શ્ર્વાનો ચૂંથી રહ્યા હતા. પોલીસે યશશ્રીના પરિવારજનોને બોલાવ્યા હતા અને તેના કપડાં તથા ટેટૂ પરથી તેમણે યશશ્રીને ઓળખી કાઢી હતી.