હવે ટૂંક જ સમયમાં કચ્છ બનશે ચિત્તાનો મલક
ભુજ: ભૌગોલિક વિશેષતાઓ ધરાવતા કચ્છમાં 152 વર્ષ બાદ અને ગુજરાતમાં ૮૪ વર્ષ બાદ ચિત્તાનું આગમન થવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. મધ્યપ્રદેશના કુનો પાર્ક બાદ બન્ની પ્રદેશના ઘાસીયા મેદાનોમાં ચિત્તાના બ્રીડીંગ પ્રોજેક્ટ અંતર્ગત આગામી ડિસેમ્બર ૨૦૨૪ સુધી પ્રારંભિક તબક્કે આવનારા 10 જેટલા ચિત્તાઓને આવકારવા માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વનમંત્રી મૂળુભાઈ બેરાએ આ પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી.
વનમંત્રીએ કરી જાહેરાત:
આ પ્રોજેક્ટ અંગે વનમંત્રી મૂળુભાઈ બેરાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વર્ષ 1952 માં ભારતમાં ચિત્તાને વિલુપ્ત પ્રાણી તરીકે જાહેર કરી દેવાયું હતું, ગુજરાતમાં છેલ્લે વિસાવદરમાં વર્ષ 1940માં અને કચ્છમાં ઈ.સ 1839 અને ઈ.સ 1872માં ચિત્તાની નોંધપાત્ર હાજરી નોંધવામાં આવી હતી. રાજ્ય સરકારે કચ્છના બન્નીના ઘાસના મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ નેશનલ કોમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ ઓથોરિટી (નેશનલ કેમ્પા) હેઠળ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, નવી દિલ્હીને મોકલવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા મોનિટર કરવામાં આવશે.
આ પણ વાંચો : વિકસિત ગુજરાતમાં કુપોષણનું પ્રમાણ ચિંતાજનક, દેશમાં છઠ્ઠા સ્થાને
સુવ્યવસ્થિત સંચાલન માટે સ્ટાફને કુનો મોકલાશે:
આ પ્રોજેક્ટ અંતર્ગત 500 હેક્ટરના વિસ્તારમાં એક્લોઝર બનાવી તેમાં ચિત્તાને રાખવામાં આવશે. આ સંવર્ધન કેન્દ્રમાં 8 ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવવામાં આવશે અને 8 સોફ્ટ રિલીઝ બોમા બનાવશે. 50 દિવસ સુધી ચિત્તાને ક્વોરેન્ટાઇન રાખવામાં આવશે બાદમાં ત્યાં જ અંદર સોફ્ટ રિલીઝ કરશે.૪ મીટરની ઊંચાઈવાળા એસ્ક્લોઝરમાં ચિત્તા પર વનવિભાગનો સ્ટાફ સતત નજર રાખશે. ચોકીદાર, ટ્રેકર અને પશુ તબીબ સહીતના સ્ટાફને અહીં રાઉન્ડ ઘી ક્લોક મોનીટરીંગ માટે મૂકવામાં આવશે.રેડિયોકોલર ટેગ લગાવી વન્યજીવની હલચલ પર પળેપળની નજર રહેશે. સુવ્યવસ્થિત સંચાલન માટે ટૂંક સમયમાં એસીએફ, આરએફઓ, વનપાલ અને વનરક્ષક સહિતના સ્ટાફને મુલાકાત માટે કુનો મોકલવામાં આવશે.
બન્નીનું ઘાસિયું મેદાન સવાના જેવું:
રાજ્યના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન એન.શ્રીવાસ્તવે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, દેશમાં ચિત્તાને પુન:સ્થાપિત કરવા માટે વર્ષ 2022માં આફ્રિકાના નામિબિયાથી 8 ચિત્તા લવાયા બાદ દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવામાં આવ્યા છે. કુનોની સરખામણીએ બન્નીનું ઘાસિયું મેદાન આફ્રિકાના વિશ્વપ્રખ્યાત સવાના ઘાસિયા મેદાન જેવું હોવાથી ચિત્તાને તે વધુ અનુકૂળ આવશે. હાલ અહીં મીઠા વૃક્ષોનું વાવેતર પણ કરી દેવામાં આવ્યા છે.
વર્ષ 2022માં શરૂ કરવામાં આવેલા ‘પ્રોજેક્ટ ચિત્તા’ અંતર્ગત આગામી 5 વર્ષમાં કુલ 50ચિત્તા લાવવાનું લક્ષ્યાંક છે. ૨૦૨૨માં નામીબિયાથી 08 ચિત્તા લવાયા હતા, જ્યારે 2023માં દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા. 20માંથી 7 ચિત્તા અત્યાર સુધીમાં કુનો નેશનલ પાર્કમાં મૃત્યુ પામ્યા છે. આ વખતે કેન્યાથી ચિત્તાને લાવવામાં આવશે કારણ કે કેન્યાની આબોહવા કંઈક અંશે ભારતીય વન્યજીવ અભયારણ્યો સાથે મળતી આવે છે. હાલમાં સમગ્ર એશિયામાં ફક્ત ઇરાનમાં ચિત્તા જોવા મળે છે. તે સિવાય આફ્રિકા મહાદ્વિપમાં પણ ચિત્તા જોવા મળે છે.