વેપાર અને વાણિજ્ય

રેટ કટના આશાવાદે વૈશ્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની નજીક

ઘટ્યા મથાળેથી સ્થાનિક સોનામાં રૂ. ૬૬૩નો અને ચાંદીમાં રૂ. ૯૨૯નો ચમકારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આગામી ૩૦-૩૧ જુલાઈની નીતિવિષયક બેઠકના અંતે અમેરિકી ફેડરલ રિઝર્વ વર્તમાન આર્થિક ડેટાઓને ધ્યાનમાં લેતા આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કપાત અંગેના કોઈ અણસાર આપે તેવા આશાવાદ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર તેમ જ વાયદાના ભાવમાં તેમ જ ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો, જેમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૯૨૯નો અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૬૧થી ૬૬૩નો ચમકારો જોવા મળ્યો હતો.

ગત સપ્તાહે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે સોના-ચાંદી પરની આયાત જકાત જે ૧૫ ટકા હતી તે ઘટાડીને છ ટકા કરી હોવાથી સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧૦૯ અથવા તો ૬.૯૭ ટકાનો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૭૭૧૨ અથવા તો ૮.૬૬ ટકાનો કડાકો બોલાઈ ગયા બાદ આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે બન્ને કિંમતી ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૯૨૯ વધીને રૂ. ૮૨,૨૦૦ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ રોકાણકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૬૧ વધીને રૂ. ૬૮,૫૧૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૬૩ વધીને રૂ. ૬૮,૭૯૪ના મથાળે રહ્યા હતા.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે રેટ કટના આશાવાદે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૨૬ ટકા વધીને ઔંસદીઠ ૨૩૯૧.૭૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨૮ ટકા વધીને ૨૩૮૬.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૪૪ ટકા વધીને ઔંસદીઠ ૨૮.૦૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકા ખાતે ગત જૂન મહિનામાં પર્સનલ કંજમ્પશન એક્સપેન્ડિચર ઈન્ડેક્સમાં સાધારણ વૃદ્ધિ જોવા મળી હોવાથી આગામી સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકેશે એવી અટકળોને કારણે સોનામાં સુધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત આગામી ૩૦-૩૧ જુલાઈની ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં કાપ અંગે કોઈ સ્પષ્ટીકરણ પણ આવે તેવો આશાવાદ સેવાઈ રહ્યો હોવાથી સોનાની તેજીને ટેકો મળી રહ્યો હોવાનું વિશ્ર્લેષકો જણાવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો…