International Tiger Day: ભારતના 20 રાજ્યમાં વસે છે આપણું રાષ્ટ્રીય પ્રાણી

અમદાવાદઃ આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day) મનાવવામાં આવી રહ્યો છે. આપણું તો રાષ્ટ્રીય પ્રાણી જ વાઘ છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી વર્ષ 2010માં શરૂ થઈ હતી. જેનો હેતુ લોકોને વાઘના મહત્વ અને તેના સંરક્ષણ વિશે જાગૃત કરવાનો હતો. એક સમયે વાઘની ઘટતી સંખ્યા ચિંતાનો વિષય હતી, પરંતુ જે તે સમયની સરકાર અને સંસ્થાઓના પ્રયત્નોથી આજે ભારતમાં માર્ચ-2023ની ગણતરી પ્રમાણે 3,690 કરતા વધારે વાઘ છે. વિશ્વમા વાઘની કુલ વસ્તીમાંથી 70 ટકા વસ્તી ભારતમાં છે. દેશમાં 55 એવા આરક્ષિત વિસ્તારો છે, જ્યાં વાઘ વસવાટ કરે છે. દેશના 20 રાજ્યમાં વાઘના રહેણાંક છે.
કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ
પ્રથમ વખત 2010માં સેન્ટ પીટર્સબર્ગ ટાઇગર સમિટમાં વાઘના ઘટાડા વિશે ચિંતા કરવામાં આવી હતી. આ દિવસ વાઘની વસ્તીમાં ચિંતાજનક ઘટાડો અટકાવવા અને સંરક્ષણ પ્રયાસોની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મુકાયો હતો. વાઇલ્ડલાઇફ ફંડ (ડબ્લ્યુડબ્લ્યુએફ)ના જણાવ્યા મુજબ વાઘની વસ્તીમાં તીવ્ર ઘટાડો નોંધાવ્યો છે. જેમાં લગભગ 100,000 વાઘ એક સદી પહેલા જંગલમાં ફરતા હતા અને આ સંખ્યા સતત ઘટી રહી છે.
વાઘની ઘટતી જતી સંખ્યા એ એક ગંભીર પર્યાવરણીય પડકાર છે. શિકાર, ગેરકાયદેસર વેપાર, રહેઠાણની ખોટ અને માનવ પ્રવૃત્તિઓને કારણે વાઘની અનેક પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે. આંતરરાષ્ટ્રીય ટાઇગર ડે આ સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને તેને હલ કરવાની તક આપે છે.
આ પણ વાંચો: ઇન્ટરનેશનલ ટાઇગર ડે ભારતનાં જંગલોમાં વિહરતાં શાલીન ને પ્રભાવક વાઘને જાણીએ
ભારતે કરી બતાવ્યું
વાઘ, તેમની હિંસક વૃત્તિ સાથે, ઘાસના મેદાનો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, બરફીલા જંગલો અને મેન્ગ્રોવ સ્વેમ્પ્સ સહિત વિવિધ કુદરતી રહેઠાણોમાં જીવી શકે છે. દુનિયાભરમાં વાઘને બચાવવા માટે બહુ ઓછું કામ થઈ રહ્યું છે. પરંતુ ભારતને આ કામમાં ખુબ સફળતા મળી છે. ઘણા કાર્યક્રમો યોજી, જાગૃતિ ફેલાવી દેશમાં વાઘની વસતિમાં વધારો કરવામાં સફળતા મળી છે. વર્ષ 2022ની વાઘની વસ્તી ગણતરી અનુસાર દેશમાં વાઘોની સંખ્યા 3167 થઈ ચુકી છે જે વૈશ્વિક વસ્તીના 75 ટકા છે. આ અગાઉ વર્ષ 2018માં આ સંખ્યા 2967 હતી. ભારતમાં વાઘની સૌથી વધુ વસ્તી મધ્ય પ્રદેશમાં છે. જ્યાં હાલમાં 785 વાઘ છે.
પાંચ વર્ષમાં આટલા વાઘ માર્યા ને વાઘે આટલાને માર્યા
દેશમાં એક તરફ વાઘની સંખ્યા વધ્યાનો આનંદ છે તો હજુ પણ શિકાર કરનારાઓ પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શકાયું નથી. દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં કુદરતી કારણોસર અને શિકારના કારણે 628 વાઘના મોત થયા છે. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથોરિટી(NTCA)ના રિપોર્ટ મુજબ વર્ષ 2019માં દેશમાં 96, 2020માં 106, 2021માં 127, 2022માં 121 અને 2023માં 178 વાઘના મોત થયા છે.
બીજી બાજુ માનવ અને વન્ય પશુઓ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બનતા રહે છે. છેલ્લા પાંચ વર્ષમાં વાઘના હુમલામાં 349 વ્યક્તિઓના મોત થયા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 200 લોકોએ જીવ ગુમાવ્યો છે. ડેટા મુજબ વર્ષ 2019મા 49 અને 2020માં વાઘના હુમલામાં 49 વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે 2021માં 50, 2022માં 110 અને 2023માં 82 લોકોએ જીવ ગુમાવ્યો હતો. વાઘના હુમલામાં ઉત્તર પ્રદેશમાં 59 અને મધ્ય પ્રદેશમાં 27 લોકોના મોત થયા હતા.