Bangladesh માં સ્થિતિ સામાન્ય થઈ, મોબાઈલ ઈન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરાઇ
ઢાકા: હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં(Bangladesh)મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ 10 દિવસ પછી રવિવારે પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. સરકારી નોકરીઓમાં અનામત પ્રણાલીમાં સુધારાને લઈને દેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝના ફેલાવાને રોકવા માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. માહિતી અને સંચાર ટેકનોલોજી રાજ્ય મંત્રી જુનૈદ અહમદ પલક અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે સેવાઓ પુનઃસ્થાપિત થયા પછી ત્રણ દિવસ સુધી તમામ વપરાશકર્તાઓને 5 GB ઇન્ટરનેટ મફત આપવામાં આવશે.
મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી
સ્થાનિક અખબારોના અહેવાલ અનુસાર બપોરે 3 વાગ્યાની આસપાસ મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઢાકામાં રોબી, ગ્રામીણફોન, બાંગ્લાલિંક અને અન્ય ઓપરેટર્સના વપરાશકર્તાઓએ જણાવ્યું હતું કે તેઓ બપોરે 3 વાગ્યાની આસપાસ તેમના મોબાઇલ ફોન પર ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી
દેશભરમાં વધી રહેલી હિંસા બાદ સરકારે 18 જુલાઈના રોજ મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી. મીડિયા અહેવાલો અનુસાર, તે સમયે મંત્રીએ કહ્યું હતું કે “દેશમાં વર્તમાન સંકટને ધ્યાનમાં રાખીને અને સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝના ફેલાવાને રોકવા માટે” આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ અંગે કહ્યું કે બાંગ્લાદેશ ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી કમિશન એ Facebook, TikTok અને YouTube સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અધિકારીઓને પત્રો મોકલ્યા છે. તેમના પ્રતિનિધિઓએ સ્પષ્ટીકરણ આપવા માટે 31 જુલાઈ સુધીમાં ઢાકા આવવું પડશે. તેમણે કહ્યું. ત્યારબાદ તેમની સાથે ચર્ચા કરીને નિર્ણય લઈશું.
નોકરીઓમાં અનામત વિરુદ્ધ પ્રદર્શન
જણાવી દઈએ કે ઢાકા અને અન્ય શહેરોમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ 1971માં બાંગ્લાદેશની મુક્તિ સંગ્રામ માટે લડનારા યુદ્ધ નાયકોના સંબંધીઓ માટે જાહેર ક્ષેત્રની નોકરીઓ અનામત રાખવાની પ્રણાલી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું, જેણે હિંસક વળાંક લીધો હતો. દેશવ્યાપી હિંસાને પગલે ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.
હિંસામાં 100 થી વધુ લોકોના મોત
સ્થાનિક અખબારના અહેવાલો અનુસાર હિંસામાં 100 થી વધુ લોકોના મોત થયા છે. જો કે, મૃત્યુ અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. વડા પ્રધાન શેખ હસીનાએ મંગળવારે હિંસા બાદ કર્ફ્યુનો આદેશ આપવાના તેમના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે લોકોના જીવન અને તેમની સંપત્તિની સલામતી સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવામાં આવ્યા હતા. જોકે, બુધવારે બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી.