‘જાપાનથી ભારત લાવવામાં આવે નેતાજીના અવશેષો’, સુભાષ ચંદ્ર બોઝના પૌત્રએ કરી માંગ
કોલકત્તાઃ સ્વતંત્રતા સેનાની અને આઝાદીના નાયક સુભાષચંદ્ર બોઝના અવશેષો જાપાનથી ભારત લાવવાની માંગ ઉઠી છે. નેતાજીના પૌત્ર ચંદ્ર કુમાર બોઝે વડાપ્રધાનને પત્ર લખીને તેમના અવશેષો 18 ઓગસ્ટ સુધીમાં જાપાનના રેંકોજીથી ભારત લાવવાની માંગ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકારે પણ નેતાજીના મૃત્યુ પર નિવેદન આપવું જોઈએ. જેથી તેમના વિશે ફેલાતી અફવાઓ પર કાબૂ પર લગામ લગાવી શકાય.
બોઝે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે સ્વતંત્રતા સેનાની સાથે જોડાયેલી ફાઈલો સાર્વજનિક કરી છે. આ પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવેલી 10 થી વધુ તપાસથી સ્પષ્ટ છે કે 18 ઓગસ્ટ 1945ના રોજ તાઈવાનમાં એક હવાઈ દુર્ઘટનામાં નેતાજીનું મૃત્યુ થયું હતું. તેથી તે મહત્વનું છે કે ભારત સરકાર તેમના મૃત્યુ અંગે અંતિમ નિવેદન જાહેર કરે.
પશ્ચિમ બંગાળમાં ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ચંદ્ર કુમાર બોઝે કહ્યું કે ગુપ્ત ફાઈલો અને દસ્તાવેજો સાર્વજનિક થવાથી એ સ્પષ્ટ થઈ ગયું કે નેતાજીનું મૃત્યુ હવાઈ દુર્ઘટનામાં થયું હતું. આઝાદી પછી નેતાજી ભારત પાછા ફરવા માંગતા હતા પરંતુ તેમનું એક હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. જેના કારણે તેઓ પરત ફરી શક્યા નહોતા.
ચંદ્રકુમાર બોઝે કહ્યું હતું કે નેતાજીના અવશેષો રેંકોજી મંદિરમાં રાખવામાં આવ્યા છે. આ અત્યંત અપમાનજનક છે. અમે છેલ્લા ત્રણ વર્ષથી વડાપ્રધાનને પત્ર લખી રહ્યા છીએ કે સ્વતંત્રતા સેનાનીના અવશેષો ભારતની ધરતીને સ્પર્શે કરે.
નેતાજીની પુત્રી અનિતા બોઝ ફાફ પણ ભારતીય પરંપરા મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવા માંગે છે. તેમણે કહ્યું કે ભારત સરકારે આ મામલે જવાબ આપવો જોઈએ. જો સરકારને લાગે છે કે આ અવશેષો નેતાજીના નથી તો તેમણે રેંકોજીના અવશેષોની જાળવણીમાં સહકાર ન આપવો જોઈએ.