ધર્મતેજ

તુલસીનું એક પાન તોડો એની અખિલ બ્રહ્માંડમાં અસર થાય છે, આખું જગત જોડાયેલું છે

માનસ મંથન – મોરારિબાપુ

મારાં ભાઈ-બહેનો, વેદના એને કહેવાય કે જયારે આપણા પર ઘા પડે અને સંવેદના એને કહેવાય કે જયારે બીજા પર ઘા પડે. આજે વિશ્ર્વમાં ઘણાં દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યાં છે. યુદ્ધોમાં અનેક લોકોએ પોતાનાં પ્રાણ ગુમાવ્યા છે. નાનાં નાનાં બાળકો હાથમાં તૂટેલાં પાત્રો લઈ રોટલી માગી રહ્યાં છે ! ત્યારે હવે યુદ્ધો બંધ થવાં જોઈએ. આપણે બધાને એક સૂત્રમાં બાંધવાની જરૂર છે. મારું ચાલે તો હું યુક્રેન-રશિયાની બોર્ડર પર શાંતિ માટે રામકથા કરું. વિશ્ર્વભરના આગેવાનો જુદી જુદી જગ્યાએ ભેગા થાય છે ત્યારે સર્વસમંતિથી પ્રસ્તાવ પસાર કરાવી યુદ્ધો બંધ ન કરાવી શકે ?
સંસારમાં બધા જોડાયેલા હોય, કારણ કે અહીંયા બધું જ જોડાયેલું છે. આ તમે ક્યારેય શાંતિથી વિચાર કર્યો, કે સૂરજ ઊગે એટલે, આપણે શું કામ ઊભાં થઈએ છીએ ? સૂરજ ઊગ્યો, આળસ મરડવા માંડી,ઊભાં થઈએ,શું કામ? ક્યાં સૂરજ, આઠ, નવ, દશ મિનિટ અરે જે કંઈ થતું હોય. એટલા સમયે એક લાખ ને એંશી હજાર પ્રતિ સેકંડની સૂરજની જે કિરણની-પ્રકાશની જે ગતિ છે, જે સૂરજની કિરણ ધરતી ઉપર પડતાં આટલી મિનિટો લાગે, આટલો દૂર સૂરજ. પણ ઈ ઊગે ને આપણે આળસ મરડી ઊભાં થઈએ. સૂરજ સાથે કેટલા જોડાયેલા છીએ ? અને જેવો આથમે તેવા બગાસાં આવવા માંડે, ને સૂવાની તૈયારી થવા માંડે. નહીંતર ક્યાંય આપણે એને દોરડાં બાંધ્યાં છે ?

વિજ્ઞાન તો એમ કહે છે કે, સૂક્ષ્મમાં અત્યંત સૂક્ષ્મ ભાવ, વિજ્ઞાનનો એ નિયમ છે કે કોઈ વૃક્ષના પાનને તમે અડો, એની અસર નક્ષત્રો અને ઉપગ્રહો ઉપર થાય છે. એની નોંધ લેવાય છે, કારણ કે બધું જ જોડાયેલું છે આમ, એકબીજા બધા જોડાયેલા છે. આમાં સ્વગત ભેદ કોને કહેવાય ? જાતિભેદ નથી, વિજાતીય ભેદ નથી, વેદાંતનો સ્વગત ભેદ છે. સ્વગત ભેદ કોને કહેવાય ? આપણે દોડીએ આ હાથ, કાન, પગ આ નાક એક જ બોડીના બધા અંગ છે, એ સ્વગત ભેદ કહેવાય. હાથ જુદા, આ જુદા, જાતિય ભેદ એ કહેવાય,કે હું પુરુષ, આ સ્ત્રી, આ પશુ, આ પક્ષી, આ બધાં જાતિય ભેદ છે. વિજાતીય ભેદ-આ વૃક્ષ છે, આ જડ છે, આ ચેતન છે, આવા આ બધા ભેદો ગ્રંથોમાં આવ્યા છે. ક્યાંય ને ક્યાંય, બધી જ જગ્યાએ આપણે જોડાયેલા છીએ. તમે નાની એવી ચેષ્ટા કરો વિરાટમાં એ અંકિત થાય. અતિ સૂક્ષ્મ, સદીઓ પછી કોઈ એવાં યંત્રો શોધાશે, એ બધાની નોંધ લેવાતી હશે. આવું આ વિશ્ર્વ છે. આજે પ્રયાસ થઇ રહ્યા છે ને કે અઢી હજાર વર્ષ પહેલાં જે ભગવાન બુદ્ધ,જે બોલ્યા છે, છ વર્ષના ધ્યાન પછી અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન મહાવીર, જેમનું બાર બાર વર્ષનું અખંડ મૌન, અને એ પછી જે કાંઈ થોડા ઘણા શબ્દો બોલાયા હશે, એ આ જગતમાં ઘૂમતા હશે, અને એને પકડવાના પ્રયાસો વિજ્ઞાન કરી રહ્યું છે, અને એમાં વિજ્ઞાન સફળ પણ થશે. અને જો એ વખતે બોલાયેલું આજે પકડાયું, તો ભવિષ્યનું જગત બહુ જ ભાગ્યવાન ગણાશે. પાંચ હજાર વર્ષ પહેલાની ગીતા જે બોલાઈ હશે, એને પણ પકડી લેવામાં આવશે, કે ગોવિંદ શું બોલ્યા હતા ? એ વસ્તુ પણ પકડાશે. બધા જ જોડાયેલા છે. જુઓ, વૈષ્ણવ સંપ્રદાયમાં તમે તુલસીના પાન તોડો, ત્યારે નિયમો છે ભાઈ ! શું કામ ? કેમ આવી રીતે જ તોડવાનાં, આવી રીતે હાથ રાખીને તોડવાનાં, તુલસીદલ ચૂંટવાના. શું કામ ? વૈષ્ણવ આચાર્ય જાણતા હતા, પરમ આચાર્યોને ખબર હતી, જે વૈજ્ઞાનિકો હતા બધા, એને ખબર હતી, કે એક તુલસીનું પાન તોડો, એની નિખિલ બ્રહ્માંડમાં અસર થાય છે. કેટલી સરળતાથી વૈષ્ણવ સંપ્રદાયમાં આ વૈજ્ઞાનિક સિદ્ધાંતને મૂકી દેવામાં આવ્યો ! તુલસીનાં પાન જેમ તેમ આપણે નથી તોડતા. એની એની એક મર્યાદા છે, એનો એક વિધિ છે. કોઈ પણ વસ્તુને અડો એટલે આખી એક પ્રક્રિયા થાય. એક બાળકને પેટમાં દુ:ખવા માંડે તો તમારા ઘરમાં ઊથલપાથલ થઈ જાય. એક બાળક રડે; તમારો દીકરો રડે, કે દીકરી ક્યાંય દુ:ખી થાય તો આખા ઘરને દુ:ખ શરૂ થઈ જાય. તમારા પરિવારને ખબર પડે તો એને દુ:ખ થવા માંડે. આમ બધા જ, આખું જગત જોડાયેલું છે.

નાની નાની ઘટનાની કોણ નોંધ લે ભાઈ ? નહીંતર આજના ઇતિહાસો જુદા હોત. ઈતિહાસમાં બહુ નાની ઘટનાને કારણ અને આખા ઈતિહાસ ઉપર એની અસર થઈ. જગતનો ઈતિહાસ કંઈક જુદો જ હોત તો, નેપોલિયન જ્યારે લડતો હતો ત્યારે એની સામેની જે સેના હતી એનો જે સેનાપતિ હતો એનું નામ હતું નેલસન. પ્રતિવાદીનો સેનાપતિ હતો નેલસન. એને ખબર હતી કે નેપોલિયનને હરાવવો હોય તો શું કરવાનું. ઈતિહાસની એક નાનકડી ઘટના, આખો ઈતિહાસ જુદી રીતે આલેખી ગઈ. વિશ્ર્વનો ઈતિહાસ આખો ફર્યો આ ઘટનાથી. કેટલું જોડાયેલું છે આ બધું ? મેં જ્યારે ઈતિહાસ જોયો, ત્યારે એમ લાગ્યું કે આ ઘટના, નેલસન જે સામા પક્ષનો સેનાપતિ હતો, એણે એક જ કામ કર્યું, નેપોલિયનને હરાવવા માટે. પોતાની સેનાની આગળ સિત્તેર બિલાડીઓ રાખી છે. ઈતિહાસ કહે છે, સિત્તેર બિલાડીઓ રાખી હતી. હવે બિલાડીની કઈ હેસિયત ? આટલું મોટું યુદ્ધ, એમાં બિલાડી એટલે શું ? ગણીને રાખી સિત્તેર બિલાડીઓ, કારણ કે નેલસનને ખબર હતી કે નેપોલિયન છ મહિનાનો હતો, એની મા ક્યાંક બહાર ગયેલી, કામવાળા હશે એ બહાર ગયેલાં, અને એની છાતી ઉપર બિલાડી ચઢી ગયેલી. આ ઈતિહાસ છે અને એ વખતે એ માણસ એટલો ડરી ગયો, કે આજે પણ આટલો મોટો માણસ બિલાડીને જોઇને કાંપી જતો હતો. છ મહિનાનો હતો ત્યારે જે સ્પર્શ થયો, અને એનાથી જે ઝબકી ગયો, એનો ભય એને એટલો હતો કે આટલો મોટો માણસ, બિલાડીથી ગભરાતો હતો. એની નેલસનને ખબર પડી ગઈ. એણે સિત્તેર બિલાડી રાખી. આ માણસ લડી ન શક્યો. અને એની સેના હારી ગઈ, ઈ હાર્યો એમાં આખી દુનિયાનો ઈતિહાસ બદલાઈ ગયો. આ ઘટના બિલકુલ બિલાડીની અને પ્રતિક્રિયા આખી દુનિયા ઉપર. મારે કહેવું છે એટલું જ કે, કોઈ પણ નાની ઘટનાની આખા જગત ઉપર એની અસર થાય છે. એની નોંધ ક્યાં લેવાય છે ? કારણ બહુ સૂક્ષ્મમાં અતિસૂક્ષ્મ હોય છે એ ઘટનાઓ. એટલે તુલસીદાસજીએ કહ્યું, સિયારામ બધાંને સિયારામમય સમજો. આમાં બધા જ જોડાયેલા છે. કોઈ ભિન્ન નથી. આજે જયારે આખું વિશ્ર્વ એકબીજા પર તોળાઈ રહ્યું છે અને ક્યારે કોણ દુર્મતિ દ્વારા કયું બટન દબાવી દે એનું કંઈ નક્કી નથી. એવી વિષમ પરિસ્થિતિમાં આવો મા જગદંબાને પ્રાર્થના કરીએ કે હે મા, તું કોઈ પણ રીતે આ યુદ્ધોને રોક. જગતમાં શાંતિ સ્થાપવા માટે યુદ્ધ કરવું પડે એવી કરુણતા બીજી કોઈ ન હોઈ શકે !

  • સંકલન: જયદેવ માંકડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button