લગ્ન લગ્ને કુંવારો… દેશભરની 20થી વધુ મહિલા સાથે લગ્ન કરી તેમનો કીમતી સામાન પડાવનારો પકડાયો
પાલઘર: દેશભરની 20થી વધુ મહિલાઓ સાથે લગ્ન કરીને તેમના દાગીના તથા કીમતી સામાન પડાવનારા 43 વર્ષના શખસની પાલઘર જિલ્લાની પોલીસે ધરપકડ કરી હતી.
નાલાસોપારામાં રહેનારી મહિલાએ નોંધાવેલી ફરિયાદની તપાસ કરીને મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસે 23 જુલાઇએ કલ્યાણથી ફિરોઝ નિયાઝ શેખની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં એક લાખ મહિલા ગુમ હોવાનો હાઈ કોર્ટમાં દાવો, આ માગણી કરાઈ
ફરિયાદ અનુસાર આરોપીએ મેટ્રિમોનિયલ વેબસાઇટ પર મહિલા સાથે મિત્રતા કરી હતી અને ત્યાર બાદ તેની સાથે લગ્ન કર્યા હતા.
સિનિયર ઇન્સ્પેક્ટર વિજયસિંહ ભાગલે કહ્યું હતું કે આરોપીએ ઓક્ટોબર અને નવેમ્બર, 2023માં મહિલા પાસેથી રોકડ, લેપટોપ તથા અન્ય મતા લીધી હતી, જેની કિંમત રૂ. 6.5 લાખ હતી. આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી લેપટોપ, મોબાઇલ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ્સ, ચેકબૂક અને દાગીના હસ્તગત કર્યાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: આસામની મહિલા ટેટૂ આર્ટિસ્ટની આકોલામાં હત્યા: બોયફ્રેન્ડ ફરાર
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી મેટ્રિમોનિયલ સાઇટ પર વિધવા અને ડિવોર્સી મહિલાને ટાર્ગેટ કરતો હતો. બાદમાં તેમની સાથે લગ્ન કરીને તેમને છેતરતો હતો.
આરોપીએ 2015થી મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં 20 મહિલા સાથે છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં જણાયું હતું. (પીટીઆઇ)