એકસ્ટ્રા અફેર

દુકાનો પર નામ લખવામાં ડુંગળી-લસણ ક્યાંથી આવ્યાં?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ઉત્તર પ્રદેશમાં કાવડ ટ પર નામ લખવાનો મુદ્દો ચગ્યો છે અને યુપીની યોગી આદિત્યનાથ સરકાર બરાબરની ભેરવાઈ ગઈ છે. કાવડ યાત્રા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પસાર થાય છે તેથી આ ત્રણેય રાજ્યોમાં કાવડ યાત્રાના ટ પર દુકાન માલિકોને તેમના નામ લખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ નામના એનજીઓએ 20 જુલાઈના રોજ આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજદારોના વકીલ કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી છે ને સિંઘવીએ દલીલ કરેલી કે, લઘુમતીઓનો એટલે કે મુસ્લિમોનો તેમની ઓળખના આધારે આર્થિક બહિષ્કાર કરવા માટે આ ફરમાન કરાયું છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કશું કહ્યું નથી પણ આ અરજી માન્ય રાખીને સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો હતો અને યુપી સરકારનો જવાબ માગ્યો હતો.

ઉત્તર પ્રદેશની સરકારે જે જવાબ આપ્યો છે તેનાથી વધારે હાસ્યાસ્પદ જવાબ બીજો કોઈ અત્યાર લગી તો સાંભળ્યો નથી. યુપી સરકારે કોર્ટમાં આપેલા જવાબમાં કહ્યું છે કે, કાવડ યાત્રા દરમિયાન ડુંગળી અને લસણના ઉપયોગને લઈને ઝઘડા થતા હતા તેના કારણે સરકારે આ નિયમ લાગુ કરવો પડ્યો છે. આ અંગે કાવડિયાઓએ અનેક વખત ફરિયાદ કરી હતી તેથી કાવડિયાઓની સમસ્યાના નિવારણ માટે આ આદેશ આપવામાં આવ્યો હતો. તેની પાછળનો હેતુ એ છે કે કાવડિયાઓ જાણી શકે કે એ લોકો કેવા પ્રકારનો ખોરાક ખાય છે કે જેથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે અને યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂરી થાય. આ આદેશ ધર્મના આધારે ભેદભાવ કરતો નથી અને દરેક માટે છે.

સવાલ એ છે કે, ખાવામાં ડુંગળી કે લસણના ઉપયોગ સાથે કોઈના નામને શું લેવાદેવા ? ને આ જ તકલીફ હોય તો જ્યાં ભોજન મળતું હોય ત્યાં ભોજનમાં ડુંગળી કે લસણ નાખવામાં આવે છે કે નહીં તેની સ્પષ્ટતા કરતું બોર્ડ લગાવવાનો આદેશ આપવો જોઈએ. વધારે કોમિક વાત એ છે કે, ફળની લારીઓવાળાંને પણ તેમના નામનાં બોર્ડ લગાવવા આદેશ અપાયો છે. ફળવાળા પણ તેમનાં ફળોમાં ડુંગળી-લસણ ઉમેરી દે છે ? ને કોઈના નામથી ખાવામાં ડુંગળી-લસણ નહીં નખાયું હોય તેની ખબર કઈ રીતે પડશે ?

યુપી સરકાર પાસે આ સવાલોના જવાબ નથી કેમ કે તેના આદેશને ડુંગળી-લસણની સાથે કંઈ લેવાદેવા નથી. આ આદેશનો એક માત્ર ઉદ્દેશ મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરાવવાનો છે ને બીજો કોઈ નથી. આ હરકત હાસ્યાસ્પદ છે ને હસવું એ જોઈને આવે છે કે, સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો તેમાં તો ફાટી ગઈ. ગળચાં ગળીને ડુંગળી ને લસણની વાતો પર આવી ગયા.

કાવડ યાત્રાના ટ પર દુકાનદારો કે લારીઓવાળાંનાં નામ લખવાની વાતો કરનારાની માનસિકતા એવી જ છે કે જે લોકો છાસવારે મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરવાનો બકવાસ કર્યા કરે છે. મુસ્લિમોની દુકાનેથી માલ ના ખરીદવો કે મુસ્લિમોને કામ ના આપો એવા સોશિયલ મીડિયા પર મેસેજ ફોરવર્ડ કરનારાં આવાં લોકોની માનસિકતાની દયા આવે છે. એ લોકોની હાલત કૂવામાંના દેડકા જેવી છે અને તેમને મુસ્લિમો આ દેશના અર્થતંત્ર સાથે કઈ રીતે જોડાયેલા છે તેની ખબર જ નથી.

આપણાં રોજબરોજનાં નાનાં નાનાં કામોમાં મુસ્લિમો કેટલા મદદરૂપ છે તેનું પણ આ કૂપમંડૂકોને ભાન જ નથી. મુસ્લિમોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે તેથી સરકારી નોકરીઓમાં મુસ્લિમોનું પ્રમાણ ઓછું છે પણ મુસ્લિમોનો મોટો વર્ગ કારીગર અને કામદારો તરીકે કામ કરે છે. પંક્ચર રિપેર, કાર સહિતનાં વાહનોની સર્વિસ અને રિપેરિગ, એસીની સહિતનાં ઘર વપરાશમાં અનિવાર્ય બની ગયેલાં ઉપકરણોની સર્વિસ અને રિપેરિગ માલસામાનની હેરફેર માટેની લોડિગ રિક્ષાઓ, દરજી કામ, ફેબ્રિકેશન, ચામડાં ઘસીને જૂતાં બનાવવા સહિતનાં કામ, કપડાં પરનાં અલગ અલગ પ્રકારનાં વર્ક વગેરે કામો મુસ્લિમ સમાજના છોકરા કરે છે.

મુસ્લિમો આજ કામ કરે છે એવું કહેવાનો મતલબ નથી. મુસ્લિમોનો મોટો વર્ગ બિઝનેસ પણ કરે છે અને આપણી બહેન-દીકરીઓ પહેરે છે એ સ્ટાઈલિશ ડે્રસીસથી માંડીને વિદેશથી આવતી ઘણી ચીજોની આયાત સુધીના બિઝનેસમાં મુસ્લિમો છે, સર્વિસ સેક્ટરમાં પણ છે ને બીજાં ઘણાં ક્ષેત્રોમાં પણ છે.

આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ આવાં તો નાનાં નાનાં અસંખ્ય કામો એવાં છે કે જેની સાથે મુસ્લિમ સમાજ મોટા પ્રમાણમાં જોડાયેલો છે. કેટલા હિંદુ પરિવારો પોતાનાં સંતાનોને આ કામો તરફ વાળવા ઈચ્છતા હોય છે ? હિંદુઓની કેટલીક જ્ઞાતિઓ પરંપરાગત રીતે વરસોથી જે કામો કરે છે એ જ કામો કરવાની તેમની નવી પેઢીની તૈયારી નથી ત્યારે આવાં મજૂરીનાં કામ કરવાની તૈયારીની અપેક્ષા જ ના રાખી શકાય. જે લોકો મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરવાની વાતો કરે છે એ લોકો તમારા ઘરે આવીને આ બધાં કામ કરી આપશે?

બીજું એ કે, આ બધી વાતો મોબાઈલ પરના મેસેજ ફોરવર્ડ કરવામાં જ સારી લાગે છે અને બધાંને ઝનૂન ચડી જાય છે. બાકી ગરજ પડે ત્યારે કોઈને સામે મુસ્લિમ હોય કે ખ્રિસ્તી, કોઈ ફરક પડતો નથી. બાઈક કે સ્કૂટરમાં પંક્ચર પડે ત્યારે કોઈ આગ્રહ રાખે છે કે, પંક્ચર તો હિંદુ પાસે જ કરાવીશ ? કાર બગડે ત્યારે કોઈ વિચારે છે કે, ભલે ગમે તે થાય પણ કાર રિપેર તો હિંદુ પાસે જ કરાવીશ ? એસી કે ટીવી બગડે ત્યારે કોઈ હિંદુ કારીગર આવે તેની રાહ જુએ છે ? બજારમાં ખરીદી કરવા નીકળો ત્યારે ઓછા ભાવે માલ આપનારો મુસલમાન હોય તો તેની પાસેથી નહીં ખરીદવું પણ ભલે વધારે પૈસા જાય પણ હિંદુ પાસેથી જ ખરીદી કરીશું એવું કોઈ વિચારે છે? તમે બજારમાંથી જે અનાજ કે ફળ-શાકભાજી ખરીદો છો એ હિંદુએ ઉગાડ્યું છે કે મુસલમાને ઉગાડ્યું છે તેના આધારે તમે ખરીદો છો? આ રીતે વિચારતા હોય ને વર્તતા હોય એવા લોકો કેટલા હશે?

જે લોકો આ રીતે વિચારતા હોય તેમની દયા ખાવી જોઈએ ને જે લોકો આ રીતે વિચારતા તે વર્તતા નથી એ લોકો સાચા દેશભક્ત છે. આ દેશનું બંધારણ જે ભેદભાવ નથી કરતું એવા ભેદભાવ તમે કઈ રીતે કરી શકો?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…