Fadanvis Vs Deshmukh: દેશમુખે પેન ડ્રાઈવ નહીં, ફડણવીસના વિશ્વાસુનું જાહેર કર્યું નામ
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, અજિત પવાર અને અનિલ પરબને ફસાવવા માટે ખોટા સોગંદનામા પર સહી કરવાનું દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવનારા રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે વધુ એક ઘટસ્ફોટ કર્યો છે. ફડણવીસની પેન ડ્રાઈવ જાહેર કરવાના બદલે હવે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના વિશ્વાસનું નામ દેશમુખે જાહેર કરીને વિવાદ લંબાવ્યો છે.
દેશમુખે ફડણવીસના વિશ્વાસુનું નામ જાહેર કરતા જણાવ્યું હતું કે એ વ્યક્તિનું નામ સમિત કદમ છે અને તે મિરજની જનસુરાજ્ય શક્તિ પાર્ટી યુવક જૂથનો અધ્યક્ષ છે. એ વખતે હું ગૃહ પ્રધાન હતો. તે મારા નિવાસસ્થાને આવ્યો અને મને કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ મારી સાથે વાત કરવા માગે છે. ત્યાર પછી તેણે ફડણવીસને ફોન લગાવી મારી સાથે વાત કરાવી હતી.
સમિત કદમ પોતાને પાંચથી છ વખત મળ્યો હોવાનો દાવો કરતા દેશમુખે જણાવ્યું હતું કે તે મને મારી સરકારી ઓફિસમાં પાંચથી છ વખત મળ્યો હતો. તેમની પાસે રહેલું આરોપોનો ડ્રાફ્ટ તૈયાર કરેલું સોગંદનામું હતું, જે તેણે મને પાકીટમાં આપ્યું હતું. તે હું કબૂલ કરું તેવી તેની ઇચ્છા હતી. મારી પાસે તે ચર્ચા અને મુલાકાત
ની વીડિયો ફૂટેજ પણ છે જે સમય આવ્યે હું જાહેર કરીશ.
આ પણ વાંચો : ફડણવીસ વિશે મીમ્સ: એક્સ યુઝર સામે ગુનો
ઉલ્લેખનીય છે કે ફડણવીસે આ મામલે પહેલા જેવી જ ભૂમિકા રાખી કહ્યું હતું કે દેશમુખ દુષ્પ્રચાર કરી રહ્યા છે. તેમની પાસે રહેલા પુરાવા તે જાહેર કરે ત્યાર પછી હું મારી પાસે રહેલી ઑડિયો ક્લિપ્સ જાહેર કરીશ.