રાજકોટ

રાજકોટ જૂના એરપોર્ટની જમીન વેંચીને તંત્ર કરશે 2500 કરોડની તગડી આવક

રાજકોટ: રાજકોટ શહેરથી 30 કિલોમીટરના અંતરે બનાવવામાં આવેલા હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બાદ રાજકોટ શહેરમાં આવેલ જૂના એરપોર્ટની જમીનના ઉપયોગને લઈને ચર્ચાઓ હતી. જો કે હવે જૂના એરપોર્ટની 236 એકર જમીનને ટૂંક સમયમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેકટમાં વિકસાવવામાં આવી શકે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા એરપોર્ટની તમામ કામગીરી હીરાસર ખાતે ખસેડી લીધા બાદ જમીનનો નિકાલ કરીને રૂપિયા 2,500 કરોડ વસૂલવાનું લક્ષ્ય તંત્ર દ્વારા રાખવામાં રાખ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હિરાસર નવા એરપોર્ટની કિંમત વસૂલવા માટે જૂના એરપોર્ટની જમીનના મુદ્રીકરણની સુવિધા માટે 2019માં રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે એમઓયુ કરવામાં આવ્યો હતો. જ્યારે કેન્દ્ર સરકારના નાગરિક અથવા ઉડ્ડયન મંત્રાલયે રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી ત્યારે મંજૂરીની એક શરત એ હતી કે, રાજ્ય સરકાર એએઆઇની હાલની રાજકોટની જમીનના મુદ્રીકરણ અથવા લાભ ઉઠાવવા પરવાનગી આપશે અને સુવિધા આપશે. અને બીજી શરત એવી હતી કે ‘હિરાસર ખાતેનું નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ કાર્યરત થઈ જાય પછી રાજકોટના હાલના AAI એરપોર્ટ પરની કામગીરી બંધ કરવી.

આ પણ વાંચો : અગ્નિકાંડની દુર્ઘટના બાદ યોજાનાર લોકમેળાને લઈને તંત્રએ રાખી 44 શરત

જૂના એરપોર્ટની આશરે 236 એકર જમીનમાં 200 એકર જમીનનું પ્લોટીંગ કરીને તે વેચવા કઢાય તો ભૂતકાળમાં મહાપાલિકાએ રેસકોર્સ જમીન વેચી હતી તે ધ્યાને લેતા તેમજ આજુબાજુના વિકાસને ધ્યાને લેતા આશરે 8 લાખ ચો.મી.જમીનની કિંમત 15,000 કરોડ જેટલી થાય તેમ છે. જમીનનો નિકાલ કરીને રૂપિયા 2,500 કરોડ વસૂલવાનું લક્ષ્ય તંત્ર દ્વારા રાખવામાં રાખ્યું છે કે જેથી નવા એરપોર્ટનો ખર્ચ વસૂલ કરી શકાય. આ સામે નવા એરપોર્ટનું બાંધકામમાં કૂલ ખર્ચ 1400 કરોડનો જ છે.

એકબાજુ રાજકોટનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે. શહેરની વસ્તીગીચતા પણ વધી રહી છે. આવી સ્થિતિમાં સરકાર હસ્તકની આ જમીનને ખુલ્લી રાખવામાં આવે અથવા અન્ય કોઇ પર્યાવરણીય ઉદેશ્યથી ઉપયોગમાં લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. બિલ્ડર કે જમીનદારન હિતોને બદલે તંત્ર પ્રજાનું હિત ધ્યાનમાં રાખીને નિર્ણય લે તેવી પણ માંગ ઉઠી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button