પુડુચેરીના નવા રાજ્યપાલ કૈલાસનાથન છે કોણ અને PM Modi સાથે શું છે કનેક્શન?
નવી દિલ્હી: ગુજરાતના CMOમાંથી મુખ્યપ્રધાન બદલાતા રહ્યા પરંતુ સતત બે દાયકા સુધી સતત ફરજ બજાવનારા અધિકારી કે. કૈલાસનાથન સતત કાર્યરત રહ્યા હતા. ગુજરાત CMOમાં સતત બે દાયકા સુધી સતત ફરજ બજાવનારા અધિકારી કે. કૈલાસનાથનને જૂનના અંતિમ સપ્તાહમાં વિદાય આપવામાં આવી હતી. 72 વર્ષીય કુનિયલ કૈલાશનાથને તેમના કાર્યકાળ બાદ સરકારે તેમની પણ સેવા લીધી હતી. હવે પીએમ મોદીએ તેમને નવી જવાબદારી આપી છે અને તેમને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે.
કૈલાશનાથન મૂળ કેરળના છે. કૈલાશનાથન 1979 બેચના ગુજરાત કેડરના આઇએએસ અધિકારી છે. તેમની પ્રથમ પોસ્ટિંગ કલેક્ટર તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં હતી. જે બાદ તેનું પોસ્ટિંગ સુરતમાં થયું હતું. તેમણે ગુજરાતના વિવિધ વિભાગોમાં ફરજ બજાવી છે. કૈલાશનાથન 1994-95માં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પણ હતા.
આ પણ વાંચો : ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભાગી પડ્યું છે’ દિલ્હીના કોચિંગ સેન્ટર બનાવ અંગે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
ગુજરાતના સમુદ્રકાંઠાને લઈને મહત્વની ગણાતી ગુજરાત મેરીટાઇમ બોર્ડની BOOT (બિલ્ડ-ઓન-ઓપરેટ-ટ્રાન્સફર) નીતિ તેમના કાર્યકાળ દરમિયાન ઘડવામાં આવી હતી. તેમને રાસ્કા પ્રોજેક્ટનો શ્રેય પણ તેમને આપવામાં આવ્યો છે. 1999 થી 2001 દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર રહીને તેમણે પીવાના પાણીની કટોકટી ઉકેલવા માટે 43 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાંખી હતી.
કૈલાશનાથને વર્ષ 2001માં મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને આ દરમિયાન તેમને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે કામ કરવાની તક મળી. 2006 સુધી કૈલાશનાથનને મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ઘણા વર્ષો સુધી આ પદ પર સેવા આપી હતી. વર્ષ 2013માં જ્યારે તેઓ CMOમાં અધિક મુખ્ય સચિવના પદ પરથી નિવૃત્ત થયા, ત્યારે રાજ્ય સરકારે તેમને મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવના પદ પર નિયુક્ત કર્યા. એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદી 2014 માં વડાપ્રધાન બન્યા પછી કુનિયલ કૈલાશનાથન ગુજરાતમાં તેમની “આંખો અને કાન” રહ્યા. હવે પીએમ મોદીએ તેમને નવી જવાબદારી સોંપી છે.