Paris Olympics 2024: પીવી સિંધુએ જીત સાથે શરૂઆત કરી, બલરાજે રોઇંગમાં ઇતિહાસ રચ્યો
પેરીસ: ઓલિમ્પિકમાં અગાઉ બે વખતની મેડલ જીતનાર ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ(PV Sindhu)એ પેરિસ ઓલિમ્પિક (Paris Olympics)માં જીત સાથે શરૂઆત કરી છે. મહિલા સિંગલ્સ ઈવેન્ટમાં ગ્રુપ-M મેચમાં માલદીવની ફાતિમથ અબ્દુલ રઝાક સામે પીવી સિંધુએ આસાન જીત મેળવી હતી.
મેચ દરમિયાન સિંધુ અને ફાતિમથ વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પીવી સિંધુએ ફાતિમથ અબ્દુલ રઝાકને માત્ર 29 મિનિટમાં ગેમમાં 21-9, 21-6થી હરાવી દીધી હતી. રિયો ઓલિમ્પિક 2016માં સિલ્વર અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી પીવી સિંધુ 10માં રેન્ક પર છે. હવે સિંધુ બુધવારે ગ્રુપની તેની બીજી મેચમાં વિશ્વની 75મી ક્રમાંકિત એસ્ટોનિયાની ક્રિસ્ટિન કુબા સામે રમશે.
રોઇંગ(Rowing) માં બલરાજ પનવારે (Balraj Panwar) ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. બલરાજ આ ઈવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બની ગયો છે. ભારતનો બલરાજ પનવાર રેપેચેજ રાઉન્ડમાં મોનાકોના ક્વેન્ટિન એન્ટોગાનેલીને પાછળ રાખીને બીજા ક્રમે રહ્યો હતો. બલરાજ પંવાર હવે મંગળવારે મેન્સ સિંગલ સ્કલ્સ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં ભાગ લેશે.
ભારતીય આર્મીના એથ્લેટ, પનવારે આ વર્ષે દક્ષિણ કોરિયાના ચુંગજુમાં એશિયન અને ઓશનિયન રોઇંગ ઓલિમ્પિક ક્વોલિફિકેશન રેગાટ્ટામાં બ્રોન્ઝ મેડલ જીતીને પેરિસ 2024 ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું.
ગયા વર્ષે હેંગઝોઉમાં એશિયન ગેમ્સમાં ચોથા સ્થાને રહીને તે મેડલ ચૂકી ગયો હતો. 2022 એશિયન ગેમ્સમાં, પનવાર ફાઇનલમાં પહોંચવા છતાં બ્રોન્ઝ મેડલથી ચૂકી ગયો.