વિપુલ વૈદ્ય
મુંબઈ: સુપ્રિયા સુળે સામે સુનેત્રા પવારને બારામતી લોકસભા સીટ પરથી ઉતારવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જો આ વાત સાચી નીકળશે તો નણંદ અને ભોજાઈ વચ્ચે રાજકીય લડાઈ થશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં વિભાજનને કારણે અજિત પવારની પત્ની સુનેત્રા પવારનું નામ સુપ્રિયા સુળેને ટક્કર આપવા માટે ચર્ચાઈ રહ્યું છે.
સુપ્રિયા સુળેએ પણ આ ચર્ચાને આવકારી છે. આ લોકશાહી ટકી રહેવી જોઈએ. સુપ્રિયા સુળેએ આ શબ્દો સાથે સુનેત્રા પવારની ઉમેદવારીનું સ્વાગત કર્યું છે. બારામતી ખરેખર પવારનો ગઢ છે. એટલે કે પવાર જ વિજેતા ઉમેદવાર છે પછી તે વિધાનસભા હોય કે લોકસભા. હવે જો આપણે બારામતી લોકસભા મતવિસ્તારની સમીક્ષા કરીએ તો 2009થી સુપ્રિયા સુળે સતત ત્રણ વખત આ મતવિસ્તારનું નેતૃત્વ કરી રહ્યાં છે. આ પહેલાં શરદ પવાર પાંચ વખત જીત્યા છે. ૧૯૯૧મા અજિત પવાર અહીંથી જીત્યા હતા.
ભાજપે આ બારામતી મતવિસ્તારને કબજે કરવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તમામ પ્રયાસો નિરર્થક રહ્યા. ગત વખતે રાહુલ કુલની પત્ની કંચન કુલે ભાજપ તરફથી સુપ્રિયા સુળે સામે ચૂંટણી લડી હતી. આ પહેલા 2014માં મહાદેવ જાનકરે પણ સુપ્રિયાસુળેને બારામતીથી હરાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. સુનેત્રા અજિત પવાર હવે આ અભેદ્ય બારામતીમાંથી ઉમેદવાર તરીકે ચર્ચાઈ રહ્યા છે.
બારામતી લોકસભા મતવિસ્તારમાં બારામતી, દૌડ, ઈન્દાપુર, પુરંદર, ભોર અને ખડકવાસલા એમ છ વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. બારામતીના ધારાસભ્ય અજિત પવાર છે. ઈન્દાપુરના ધારાસભ્ય દત્તાત્રય ભરણે અજિત પવારના જૂથના છે. દૌંડ મતવિસ્તારના ધારાસભ્ય રાહુલ કુલ ભાજપના છે.
ખડકવાસલામા ભાજપના ભીમરાવ તાપકીરે પણ ધારાસભ્ય છે. કોંગ્રેસ પાસે પુરંદર અને ભોર એમ બે મતવિસ્તાર છે. ચંદુકાકા જગતાપ પુરંદરમાં છે અને સંગ્રામ થોપટે ભોર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય છે. સ્પષ્ટ છે કે છમાંથી ચાર ધારાસભ્યો સુપ્રિયા સુળેની વિરુદ્ધ છે. જો સુનેત્રા અજિત પવારને નોમિનેશન મળે તો સુપ્રિયા સુળે માટે આગામી લોકસભાની ચૂંટણી ઘણી કપરી બની રહેશે તેમાં કોઈ શંકા નથી.