૨૦ વર્ષમાં ૨૦ લાખ વૃક્ષો વાવીને આ યુગલે કમાલ કરી દીધી
જાણવા જેવું -નિધિ ભટ્ટ
આજનું આજે જુઓ, કાલ કોણે દીઠી છે? આપણે આપણું જુઓ, બીજાની ચિંતા શું કામ કરવાની?
આવુું માનનારા દુનિયામાં ઘણાં છે. પણ અમુક લોકો એવાય હોય છે જેમને આ બધું પસંદ નથી હોતું. તેઓ ભવિષ્યને ધ્યાનમાં રાખીને વર્તમાનમાં જીવે છે અને પોતાની સાથે સમગ્ર જીવસૃષ્ટિ અને સમૂળગા પર્યાવરણનું પણ ભલું થાય એવું હૃદયપૂર્વક ઇચ્છતા હોય છે. ભૂતકાળમાં જે હતું તેનો કાઢી શકાય એટલો કસ કાઢનારા ઘણા છે જેથી તેમનું વર્તમાન સુધરે, પણ ઘણાં એવાંય હોય છે પ્રકૃતિ પાસે ભૂતકાળમાં જે હતું એ નષ્ટ થઇ ગયું હોય તો એને પાછું મેળવીને ભવિષ્ય સુધારે.
બ્રાઝિલના ફોટોગ્રાફર સેબાસ્ટિઓ સલગાડો અને તેની પત્ની લેલિયો કંઇક આવું જ ઉત્કૃષ્ટ કામ કરીને આખા વિશ્ર્વનું ધ્યાન આકર્ષિત કયુર્ંં છે. લાખો લોકોની પ્રશંસા મેળવી છે. આ લોકોે સ્વબળે એક બિનફળદ્રુપ જમીનને ઘનઘોર જંગલમાં ફેરવી બતાવ્યું છે. અને આ કામ માટે દિવસો કે મહિનાઓ નહીં, પણ પૂરા વીસ વર્ષ તેમણે સખત મહેનત કરી છે.
અહીં સેબાસ્ટિઓ રહેતો હતો એ જગ્યા અગાઉ તો ઘનઘોર જંગલ જ હતું. આ જંગલ અનેક દેશી વિદેશી વનસ્પતિઓ, વિવિધ પશુ પંખી ને કીટકોથી લિટરલી ઊભરાતું હતું. સેબાસ્ટિઓ પત્રકારત્વ શીખવા પોતાના વતનથી દૂર ગયો અને અભ્યાસ કરીને પાછો આવ્યો ત્યાં તો આ જગ્યામાં જમીન-આસમાન જેવો ફરક આવી ગયો હતો. પત્રકાર બનીને તે પોતાની પત્ની સાથે માદરે વતન આવ્યો ત્યારે તેને વિશ્ર્વાસ જ બેઠો નહીં કે આ એ જ જગ્યા છે જેને છોડીને ગયો હતો. ઘનઘોર જંગલનો દાટ વળી ગયો હતો. અસંખ્ય વૃક્ષો કપાઇ ચૂક્યા હતા. જમીન ઉજ્જડ બની ગઇ હતી. એ એકદમ નિરાશ થઇ ગયો હતો. તેનો હસતો ચહેરો રડમસ બની ગયો હતો. આ સંજોગોમાં તેની પત્નીએ તેને ધીરજ આપી. તેણે આશ્ર્વાસન આપ્યું કે જે ગયું છે તેનું પુન:નિર્માણ કરશું. સેબાસ્ટિઓને કંઇક દિલાસો મળ્યો. તેમણે બેઉએ જંગલ નિર્માણનો સંકલ્પ કર્યો. કાર્બન ડાયોક્સાઇડનું ઑક્સિજનમાં રૂપાંતર માત્ર વૃક્ષો જ કરી શકે છે એ ન સમજી શકનારાઓએ એક એક કરીને અનેક વૃક્ષો ધરાશાયી કરી નાખ્યા હતા, પણ ઝાડનું મહત્ત્વ સમજનાર આ દંપતીએ એક એક કરીને ફરી વૃક્ષો વાવ્યા ને આ વિસ્તારને નંદનવન બનાવી દીધો.
આ કામ લાગે છે એટલું સરળ ન હોતું. જંગલના પુન:નિર્માણ માટે કેવાં પ્રકારનાં વૃક્ષો વાવવા જોઇએ તેનો બારીકાઇથી અભ્યાસ કર્યો. સ્થાનિક લોકો સાથે સંવાદ સાધીને સ્થાનિક વૃક્ષો વાવવાની શરૂઆત કરી. સ્થાનિક ઝાડ અને વનસ્પતિ વાવવાના આગ્રહે જ આ જમીનને બચાવી. કેટલીયે વનસ્પતિની જાતો નષ્ટ થઇ ગઇ હતી એને બચાવી અને વિકસાવી. આપણે જે કામ કરીએ છીએ તેનું પરિણામ દેખાતાં ખૂબ વાર લાગશે અને ત્યાં સુધી આપણે સાતત્યપૂર્વક પ્રયાસ કરવા પડશે તેની બન્નેને કલ્પના હતી. આ અથાક પ્રયત્નો બાદ જંગલ ફરી આકાર લેવા માંડ્યું. સ્થાનિક અને વર્ષો પહેલાં અહીં જ નામશેષ થયેલાં વૃક્ષોને વાવ્યાં એ પણ બુદ્ધિપૂર્વકનું કામ હતું. આના પરિણામે જ અનેક પશુ-પક્ષી કિટકો પાછા આવવા લાગ્યા.
સળંગ ૨૦ વર્ષો સુધી લાખો વૃક્ષ વાવ્યાં એટલે જંગલનો વિસ્તાર ખૂબ વધ્યો. આ વિકાસ થતાં જ માનવબળની પણ જરૂર પડવા લાગી. તે માટે તેમણે ‘ટેરા’ નામની સંસ્થા શરૂ કરી. લોકોને પ્રશિક્ષણ આપ્યું. જંગલ વિકસાવવા એક આખી સંસ્થા ઊભી કરી. આ સંસ્થા જંગલ અને આસપાસના પર્યાવરણની કાળજી લેવા લાગી. જ્ંગલ સાફ થતું જોઇને સેબાસ્ટિઓનું જીવન પણ નિરાશામાં ધકેલાઇ ગયું હતું, પણ આજે જંગલ નવજીવન પામ્યું તે જોઇને દંપતી પણ જાણે પોતાનો પુનર્જન્મ થયો હોય હોય એટલું ખુશ છે. આજે જંગલમાં ૧૭૨ જેટલી વિવિધ પંખીઓની પ્રજાતિઓ કલરવ કરી રહી છે. ૩૩ પ્રકારના સસ્તન પ્રાણીઓ, ૧૫ પ્રકારના ઉભયજીવી પ્રાણીઓ અને ૧૫ પ્રકારના સરિસૃપો વિહરી રહ્યા છે. ૨૯૩ પ્રકારની વનૌષધિઓથી આ વિસ્તાર ફરી પુલકિત થઇ રહ્યો છે.
જો આ દંપતીએ વીસ વર્ષ અગાઉ ઉજ્જડ જમીનને નિયતી માનીને સ્વીકાર કરી લાધો હોત તો આ વિસ્તારનો વિનાશ નક્કી જ થઇ ગયો હોત, પણ આ દંપતીએ એવી તડજોડ સ્વીકારી લેવાને બદલે ધીરજ, મહેનત અને ખંતથી સમૂળગા જંગલ અને પર્યાવરણને બચાવીને આવનારી પેઢીને સબળ પ્રેરણા આપી છે.