હવે દરેક ફૂલ સૂરજમુખી નહીં દિલ્લીમુખી!
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
તાનસેન, બિરબલ, ગાલિબ એ બધા એક વાર રાજધાની દિલ્હીમાં આવ્યા પછી નક્કી કરી લીધું હતું કે હવે તો દિલ્હીની ગલીઓમાં જ મરીશું. ત્યારથી દેશનો દરેક પ્રતિભાશાળી લેખક, કવિ, નેતા, તંત્રી, પત્રકાર, વિવેચક, કલાકાર, ચિત્રકાર એ બધાનું રાજધાની દિલ્હીમાં જવાનું અને ત્યાં રહેવાનું, પ્રખ્યાત થવાનું સપનું મગજમાં ઘુમવા માંડ્યું. એ લોકોના મનમાં દિલ્હીના ઊંચા હોદ્દા પર પહોંચવાનો સપનાંનો કુતુબમિનાર બનવા માંડ્યો.
ધીમે ધીમે દિલ્લી સૌના માટે જાણે લોકશાહીનો મોટો મંચ, એક બીજાના ટાંટિયા ખેચવાનું છેલ્લું સ્થાન, કાલ્પનિક વૃક્ષોનો બગીચો બની ગયું.
દિલ્લીમાં હોદ્દો, માન, ચૂંટણીની ટિકિટો ઝાડ પર લટકતી હોય છે. દિલ્લીમાં ધુતારાઓ માટે અલગ અલગ સંસ્થાઓના ઢાબા ખુલ્લા છે. ત્યાં સંસદભવન નામનો એક ચબૂતરો એવા કબૂતરો માટે છે જે કોઈ પણ રીતે દેશના રાજકારણના આકાશમાં ઊડતા રહેવા માગતા હોય. ધીમે ધીમે દરેક વાહિયાત માણસ એના શહેર, નગર કે ગામમાં રહીને આખી દિલ્હીને પોતાની પીઠ પર લઈને ફરવા લાગ્યો. જાણે દિલ્હીમાં બધાનાં સપનાનું લોકર બની ગયું છે
બધા સંતો સ્પષ્ટપણે કહે છે કે એમને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી, છતાં બધા જ સંતો દિલ્હી વસવા માંડ્યા છે ને ત્યાં પત્રકાર પરિષદો યોજીને એલાન કરે છે કે એમને કોઈની જરૂર નથી, પણ આખરે તો દિલ્લીનાં વિરોધીઓ જ ફેલાઈફેલાઇને દિલ્લીની ખુરશીઓ પર બેસી ગયા છે.
દરેક શહેરમાં દિલ્લીનું સપનું જોનાર દરેક વ્યક્તિ દિલ્હી દરવાજામાંથી પસાર થઈને પોતાના મુકામ સુધી પહોંચવાનું વિચારે છે.
દિલ્હી બધી ટ્રેનોનું છેલ્લું સ્ટેશન બની ગયું છે. ગામડાની પંચાયતોમાં જે છોડ ઊગ્યા હતા એમને મોટા થયા પછી દિલ્હીમાં કાપવામાં આવ્યા. જેમનો ગામડાંની સભામાં પહેલી વખત અવાજ બુલંદ થયો હતો એણે દિલ્લીમાં એનું છેલ્લું સોલો પરફોર્મન્સ આપ્યું હતું. જેમને પોતાના જ શહેરમાં ધુત્કારવામાં આવતા હતા એ લોકો દિલ્હીમાં પ્રખ્યાત થઈ ગયા. દિલ્લી શનિ, મંગળ, રાહુ, કેતુની જેમ સાથે આપણી કુંડળીમાં ઘૂસી ગયું છે જે સૌનું ભાગ્ય ઘડે છે.
લોકોની લાગણીઓ સાથે રમત કરી પૈસા બનાવવાની કોશિશમાં રહેતા લોકો આખરે રાજઘાટમાં ગાંધીજી પાસે પહોંચી જાય છે. એકલતાના દર્દીઓ માટેનો વોર્ડ છે, કનોટ પ્લેસ! જ્યાં ફરતા ફરતા કારણ વિનાનું શોપિંગ કે સકારણ ટાઇમપાસ થાય છે.
દિલ્હી એક એવો લાડવો છે જેને તમે ન તો ખાઈ શકો છો અને ન તો છોડી શકો છો. દિલ્લા, તમને ધાબળાની જેમ છોડવાની ના પાડતી હોય એમ વળગી રહે છે. દિલ્લી, ઈચ્છાઓની ઊલટી કરી બહાર કાઢવાનું કાયમી વોશ બેઝીન છે. આત્મા પર શરીર, શરીર પર ખાદી ને ખાદી પર દિલ્હી છવાયેલું છે. દિલ્લી, લાગણીઓમાંથી શબ્દોમાં, શબ્દોમાંથી પુસ્તકોમાં અને આખરે પુસ્તકોનું અર્પન- સમર્પણ- લોકાર્પણનું સ્થાન છે.
દિલ્હી એવી શણગારેલી કેક છે જેને ગુસ્સાની છરીથી ખુશી ખુશી કાપવામાં આવે છે. દિલ્હી બળવાખોરોને ઊંચા હોદ્દા પર બેસાડે છે, ક્રાંતિકારીને પુરસ્કાર આપીને શાલ પહેરાવતી, મૃતદેહોને મેડલ વહેંચતી અને સોદાબાજીનું શૅરબજાર છે. લોક લાગણીઓથી ખેલતા સત્તાનાં દલાલોનું એક વિશાળ બજાર છે. દેશનું આ એવું કાઉન્ટર છે, જ્યાં લોકો જુસ્સાને જમા કરી સરકારી સુવિધાઓ પડાવે છે. આવેશ ભેગો કરીને પેન્શન મેળવે છે. દિલ્હીમાં દેશભરથી આવેલા લોકો પોતાની ખુદ્દારી વેચીને બે ટંક રોટલી મેળવવા માટે લાઈનમાં ઊભા રહે છે. દિલ્હી રાજનીતિનો છેલ્લો પડાવ છે, ખાટલો ત્યાં જ પથરાશે એટલે જ રાજ્યોના ભૂખ્યા મુખ્યમંત્રીઓ એમનાં ગરીબ વિમાનમાં બેસીને હાલતા-ડોલતા રોજ ત્યાં પહોંચી જાય છે. સાહિત્યકાર એના મૌલિક વિચારોની પોટલી બાંધીને, રેલવેનાં ડબ્બામાં સૂતા સૂતા દિલ્હી તરફ જાય છે.
પોતાની આશાઓનું ચિત્ર પૂર્ણ કરવાની ચિંતામાં ચિત્રકાર પોતાના બગલમાં અધૂરા કેનવાસ દબાવી દિલ્હી તરફ દોડે છે. નાટ્યકારો મુઠ્ઠીભર શુદ્ધ પ્રેક્ષકોને શોધતા અટવાયેલા રહે છે દિલ્લીની પાગલ, મહત્ત્વાકાંક્ષી ભીડમાં. દિલ્હી એક કાચની બરણી છે, જેમાં પ્રતિભાઓમાં આથો આવે છે ને પછી એમાં એક અલગ જ ટેસ્ટ છે.
દિલ્હી એ લાચાર હાલતનું ગૌરીશંકર શિખર છે, જેના પર ચઢવાનો પ્રયાસ કરનાર દરેક પર્વતારોહક જીવનભર જૂતાંની દોરી બાંધતો નીચે સરકતો રહે છે, જ્યાં ત્યાગી પોતાના માટે પ્રમાણપત્ર શોધે છે અને રંગીન મિજાજી એના ખાનગી સ્વિમિંગપૂલને શોધે છે. દેશમાં ગમે ત્યાં તાર જોડવો હોય તો એનો થાંભલો દિલ્લીમાં હોય છે.
પોતાના પાંજરામાં દરેક પોપટનું દિલ્હીના લીલા મરચા ખાવાનું સપનું જુએ છે. નેતાઓ અહીં ખુરશીને અંતિમ પથારીમાં ફેરવવાના પ્રયાસમાં જોડાયેલા રહી તબીબી સંસ્થામાં પોતાનાં ફેફસાંંની તપાસ કરાવતા ત્યાં જ પડ્યા છે.
જે લોકો દિલ્હીમાં પોતાના વતનને શોધે છે એ લોકો જોખમી નથી. લાચાર છે, દયાને પાત્ર છે. ખતરનાક તો એ લોકો છે જે હમેશાં દિલ્લીને એમના નાના શહેર અથવા નગરમાં માથા પર લઈને ફરે છે. દિલ્હી એમને છેતરપિંડી કરતા શીખવાડે છે અને એ લોકો શહેરના લોકોમાં ભેદભાવની ભાવના
ફેલાવે છે.
દિલ્હી એમને ભ્રષ્ટ કરે છે, દિલ્હી એમને શબ્દો આપે છે ને પછી એ બધા નાના શહેરોમાં એ શબ્દોથી બરાડા પાડે છે. એક માસૂમ દિલ્હી દરેક નાના શહેરની છાતીને સોંદતી રહે છે. દિલ્લીધર્મી તિકડમબાજ માણસ નાના શહેરના સાહિત્ય, સંસ્કૃતિ અને રાજકારણમાં ફેણ ફેલાવીને છવાઈ જાય છે ને ધાક જમાવે છે.
દિલ્હી અરીસો નથી, તે માત્ર કાચ છે. નિરાશ લોકોનું વ્યસન છે. આ દેશમાં દરેક ફૂલ સૂરજમુખી નથી હોતું. એ દિલ્લી મુખી હોય છે.