સુરતના સચિનમાં 2 અકસ્માત : 2 યુવકોને ભેટ્યો કાળ!
સુરત: સુરતના સચિન વિસ્તારમાં બે યુવકોને કાળનો ભેટો થયાની ઘટનાઓ સામે આવી છે. સચિન વિસ્તારમાં સર્જાયેલા બે અકસ્માતમાં બે યુવકોના મોત નિપજ્યાં છે. એક અકસ્માતમાં બાઈકચાલક યુવકનું માથું ડિવાઇડર સાથે અથડાવવાના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બનાવમાં ટેમ્પો પલટી મારી જતા ગંભીર ઈજા થયા બાદ તેનું મોત નીપજ્યું હતું. બંને અકસ્માતમાં યુવકોના મોત થઈ જવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
એક બનાવમાં એક મૂળ ડીસા અને હાલ સચિનના GIDC વિસ્તારમાં આવેલ હોજી વાલા એસ્ટેટમાં એક લુમ્સના ખાતામાં કામ કરતો 24 વર્ષીય કિરણ બાબુભાઈ પરમાર અહી તેના મામાના છોકરા સાથે રહે છે અને પરિવાર મૂળ વતનમાં રહે છે. કિરણ રોજ તેના મામાના છોકરા માટે જમવાનું લેવા જતો હતો. આજે પણ ટેમ્પો લઈને તેના મામાના છોકરા માટે અને મજૂરો માટે જમવાનું લેવા જતો હતો. આ દરમિયાન તેનો ટેમ્પો પલટી મારી ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંક મોત થયું હતું.
આ પણ વાંચો : ભુજમાં વોટસએપ ગ્રુપ પર રોષવ્યક્ત કરતી ઓડિયો કલીપ વાયરલ કરનાર પર કાઉન્સિલરના પુત્રોએ હુમલો કર્યો
અન્ય એક બનાવમાં મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાનો અને હાલ સુરતના સચિન GIDCમાં પટેલ નગરમાં રહેતા 20 વર્ષીય બલરામ છટાઈ તેના પરિવાર સાથે રહેતો હતો અને સંચા ખાતામાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. બલરામ બાઇક લઈને સચિન કંસાર બ્રિજ પર પસાર થતો હતો ત્યારે બાઈકના સ્ટિયરિંગ પરથી નિયંત્રણ ગુમાવતા બાઇક સ્લીપ થઈ ગઇ હતી. બાઈક સ્લીપ થતાની સાથે જ બલરામ નું માથું ડિવાઇડર સાથે અથડાયું હતું. જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બલરામની સાથે અન્ય લોકો પણ બાઇકમાં સવાર હતા જેનો બચાવ થયો છે.
કિરણનો પરિવાર વતનમાં રહે છે જ્યારે અહીં તે મામાના દીકરા સાથે રહેતો હતો. લુમ્સના ખાતામાં હેલ્પર તરીકે કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. પરિવારમાં એક ભાઈ અને એક બહેન છે. જ્યારે બલરામ પરિવાર સાથે આજે વતનમાં સંબંધીના લગ્ન પ્રસંગ હોવાથી આજે વતન જવાના હતા. જો કે આજે તેનું મોત થઈ જતાં પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે.