કોલ્હાપુરમાં પૂર: મુખ્ય પ્રધાનની કલેક્ટર સાથે મહત્ત્વપૂર્ણ ચર્ચા
ભારતીય સેનાની ટુકડી પણ મદદ માટે તહેનાત
મુંબઈ: ભારે વરસાદના કારણે કોલ્હાપુરમાં પૂરની પરિસ્થિતિ વણસી છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કોલ્હાપુરના સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી.
શિંદેએ અધિકારીઓને કર્ણાટક સરકાર સાથે વાટાઘાટો કરીને અલમાટી ડેમમાંથી પાણી છોડવા જણાવવાની સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે અતિશય વરસાદના કારણે પંચગંગા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અને ડેમમાં પાણીના સ્તરમાં વધારો થવાની શક્યતા હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ભારે વરસાદની પરિસ્થિતિમાં NDRF અને SDRFની ટીમો બની રહી છે “દેવદૂત”
શિંદેએ આ બાબતે કોલ્હાપુરના કલેક્ટર અમોલ યેગડે સાથે વાતચીત કરી હતી અને પરિસ્થિતિની જાણકારી આપતા કહ્યું હતું કે એનડીઆરએફની બે ટુકડી અને ભારતીય સેનાની એક ટુકડી પૂરની સ્થિતિમાં મદદ માટે તૈયાર રાખવામાં આવી છે.
હાલ શિંદે દિલ્હીમાં છે અને તેમણે ફોન મારફત યેગડે સાથે વાતચીત કરી હતી.
શિંદે નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હીમાં છે. શિંદેએ બધા જ અધિકારીઓને કોઇપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા અને લોકોના સ્થળાંતર તેમ જ તેમની માટે રહેઠાણ સહિતની વ્યવસ્થા કરવાની સૂચના આપી છે.