Navi Mumbai માં બિલ્ડિંગ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત, બે લોકો ઘાયલ
નવી મુંબઈ: નવી મુંબઈના(Navi Mumbai) શાહબાઝ ગામમાં શનિવારે સવારે ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું છે બે ઘાયલ અને 50 જેટલા લોકોને બચાવી લેવાયા છે. હાલ પોલીસ, ફાયર બ્રિગેડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.
કાટમાળ નીચે ફસાયેલા બે લોકોને બચાવ્યા હતા
અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના સવારે લગભગ 5 વાગ્યે શાહબાઝ ગામમાં થઈ હતી. તેમણે કહ્યું કે એનડીઆરએફ અને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના જવાનોએ બિલ્ડિંગના કાટમાળ નીચે ફસાયેલા બે લોકોને બચાવ્યા હતા જ્યારે એક અન્ય વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
કારણ જાણવા તપાસના આદેશ આપવામાં આવ્યા
નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર કૈલાશ શિંદેએ જણાવ્યું કે, સવારે 5 વાગ્યાની આસપાસ ઈમારત ધરાશાયી થઈ હતી. તે ગ્રાઉન્ડ પ્લસ 3 બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગમાં 13 ફ્લેટ હતા. બે લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને બે લોકો ફસાયા હોવાની આશંકા છે. તેમણે કહ્યું કે જે બે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે. તેમણે જણાવ્યું કે આ ઇમારત માત્ર 10 વર્ષ જૂની છે. તેના પડવાનું કારણ જાણવા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.