વેર-વિખેર – પ્રકરણ-૨૧
હવે મરવું નથી. હવે આત્મહત્યા નથી કરવી. હવે નવી રમત શરૂ કરવી છે , જેમાં એની હત્યાનો પ્લાન કરનારા એના પ્રતિસ્પર્ધીને જ પછાડવાનો છે!
કિરણ રાયવડેરા
‘શેઠ, અમે તમારી દોસ્તી સ્વીકારી છે, તમે અમારી દુશ્મનાવટને આમંત્રણ નહીં આપતા.’ બાબુ ધમકી ઉચ્ચારીને ગયો હતો.
ઈરફાનની વાતને હસવામાં કાઢી શકાય, પણ બાબુ ગંભીર અને ઓછાબોલો હતો. જે માણસ ઓછું બોલે એનો ભરોસો નહીં. બાબુનું માથું ફરે તો કોઈનો જીવ પણ લઈ શકે!
ગાયત્રી સામે જોયું જગમોહને એ બેઠાં બેઠાં ઝોકા ખાતી હતી. પાસેના રૂમમાંથી ઈરફાન અને આલોકના હસવાનો અવાજ આવતો હતો. બાબુ રાબેતા મુજબ ચૂપચાપ ગ્લાસમાંથી ચૂસકી લેતાં કાલની યોજના ઘડતો હશે.
કોણે રમત શરૂ કરી છે? આ કુદરતનું કામ નથી. આ ગેમ એના શત્રુએ શરૂ કરી છે. જગમોહન દીવાનનો દુશ્મન!
જગમોહનના રોમેરોમમાં રોમાંચ વ્યાપી ગયો. સફળ માણસોની ઘણા ઈર્ષ્યા કરતા હોય છે એ હકીકત છે, પણ સુપારી આપીને એની કતલ કરવાનો વ્યવસ્થિત પ્લાન કોઈ ગુનેગાર માનસ ધરાવતા માણસનો જ હોઈ શકે.
જગમોહન મનોમન પોતાનાં અતીતનાં પૃષ્ઠો પર ઝડપથી નજર ફેરવી ગયો. એક પણ પાના પર કોઈ જૂની અદાવત, વેરઝેર કે એણે જાણે-અજાણે કોઈને અન્યાય કર્યો હોય એવો એક પણ બનાવ નજરે ન ચડ્યો.
કોઈ વ્યક્તિ પૈસા આપીને એનું કાસળ કાઢવાનો મનસૂબો ઘડે એનો અર્થ એ કે એ વ્યક્તિને જગમોહન દીવાન મરી જાય એમાં જ રસ છે.
એ માણસ સાધનસંપન્ન હોવો જોઈએ, કેમ કે એણે કિડનેપરોને એક કરોડ આપવાનું વચન આપ્યું છે.
અત્યાર સુધીના જીવનમાં જગમોહને ‘મિત્ર’ શબ્દ સાંભળ્યો હતો અને એ જ શબ્દ વાપર્યો હતો.
આજે પહેલી વાર એની જિંદગીના શબ્દકોષમાં એક નવો શબ્દ ઉમેરાયો હતો- દુશ્મન! એક એવી વ્યક્તિ જેને જગમોહન દીવાનના મૃત્યુથી ફાયદો થવાનો હતો, આર્થિક રીતે અથવા માનસિક રીતે!
અત્યાર સુધી તો જગમોહન ખુદ પોતાને મૃત જોવા ઈચ્છતો હતો. આજે એક બીજી વ્યક્તિ પણ હતી જે જગમોહન દીવાનને મરેલો જોવા ઈચ્છતી હતી.
હવે સમય આવી ગયો છે બંનેએ પોતપોતાની ભૂમિકાઓને બદલાવાનો. હવે જગમોહન દીવાન જીવશે… અને મરશે એનો દુશ્મન, જગમોહને નિર્ણય લઈ લીધો. એ જાણે પોતાની ઑફિસની ખુરશીમાં બેઠો હોય એ રીતે વિચારતો હતો.
હવે મરવું નથી. હવે આત્મહત્યા નથી કરવી. હવે નવી રમત શરૂ કરવી છે , જેમાં એણે એના પ્રતિસ્પર્ધીને પછડાટ આપીને એના પર વિજય મેળવવાનો છે.
સારું થયું આજે મેટ્રો સ્ટેશન પર કૂદી ન પડ્યો, નહીંતર ક્યાંક કોઈ ખૂણા પર પેલો માણસ તમાશો જોઈને તાળીઓ પાડીને કહેતો હોત, ‘થેન્ક યુ, જગમોહન દીવાન, મારું કામ કરી આપવા બદલ આભાર!’
સારું થયું, ગાયત્રીએ એનો હાથ પકડીને પાછળ ખેંચી લીધો.
જગમોહને ફરી ગાયત્રી સામે જોયું. અઅંધકારમાં ઝોકાં ખાતી ગાયત્રીના ચહેરાની ઝાંખી આકૃતિ દેખાતી હતી.
એવું લાગતું હતું જાણે ઈશ્વરે કોઈ સાક્ષાત્ પરીને પૃથ્વી પર ઉતારી હોય!
છેલ્લાં પાંચ વરસથી આ પરીએ ઘણી રાતો ભૂખ્યા પેટે કાઢી હતી એ વિચાર માત્રથી જગમોહન કંપી ઊઠ્યો. ૨૩ વરસની આ છોકરીને ખાલી પેટે પણ જીવન જીવતાં આવડ્યું, પણ ૪૭ વરસના જગમોહન દીવાનના પેટ અને પોકેટ બંને ભરેલાં હોવા છતાં જિંદગી જીવી ન શક્યો. હવે આ છોકરીએ એને ભૂલ સુધારવાનો મોકો આપ્યો છે. એક દિવસમાં જ એણે જગમોહનને શિખવાડી દીધું કે જિંદગીથી મોઢું ફેરવીને નહીં, પણ એને ગળે વળગાડીને જીવવું જોઈએ.
‘થેન્ક યુ ગાયત્રી, થેન્ક યુ ફોર એવરીથીંગ’ જગમોહનના મોઢામાંથી શબ્દો સરી પડ્યા. ગાયત્રી ઝબકીને જાગી ગઈ.
‘મેં કહા હૂં?’ ગાયત્રીએ કૃત્રિમ ગંભીરતાથી પૂછ્યું, પછી જગમોહનને ગૂંચવાયેલો જોઈને ઉમેર્યું :
‘શું કાકુ, આ તો હિન્દી ફિલ્મની હીરોઈનો તંદ્રામાંથી જાગ્યા બાદ આવું જ બોલે એટલે…’
‘ઓહ!’ જગમોહન બાઘાની જેમ બોલ્યો પણ પછી એના ચહેરા પર પ્રસન્નતાના ભાવ ફેલાઈ ગયા.
‘શું કાકુ, એકલા એકલા શું બબડતા હતા? અમને પણ સંભળાવો તમારા ડાયલોગ?’
જગમોહનને લાગ્યું ગાયત્રીના અવાજે જાણે બંધિયાર ઓરડામાં તાજગીની ફૂંક મારી દીધી. ગાયત્રીના ચહેરા પર કોઈ ચિંતાની રેખા નહોતી, જાણે એ કિડનેપરના અડ્ડામાં નહીં, એના ઘરમાં બેઠી હોય. કદાચ જગમોહન પરના અતૂટ વિશ્વાસને કારણે જ એ નિશ્ચિંતપણે વાતો કરી શકતી હતી.
‘ગાયત્રી, આપણને અપહરણ કરવામાં આવ્યાં છે. તને ડર નથી લાગતો?’ જગમોહને પૂછી નાંખ્યું.
‘કાકુ તમે છો’ને હિન્દી ફિલ્મોના હીરો જેવા… છેલ્લી ઘડીએ કોઈ રસ્તો શોધી કાઢશો.’ ગાયત્રીના ચહેરા પર નિર્દોષ હાસ્ય છલકાતું હતું.
‘અરે આ તારું હિન્દી ફિલ્મોનું શું ચક્કર છે? તું પેલા ઈરફાનને પણ ઉશ્કેરતી હતી.!’ જગમોહને સ્મિત ફરકાવતા પૂછ્યું.
‘કાકુ, ડોન્ટ ટેલ મી કે તમે હિન્દી ફિલ્મો નથી જોતા!’ ગાયત્રી વિસ્મયથી જગમોહન સામે જોવા લાગી- જાણે જગમોહન પ્રાણીઘરના કોઈ પિંજરામાંથી ભાગીને આવ્યો હોય.
‘ગાયત્રી, ઈચ્છા થાય પણ સમય ન મળ્યો કદી… કામમાં જ એટલા ગળાડૂબ રહ્યા કે…’
‘હા, પહેલાં કામમાં ગળાડૂબ રહો અને છેલ્લે કંટાળીને પોતાના જ ગળાં કાપવાં નીકળી પડો.
‘ના, છેક એવું નહોતું. વરસમાં એકાદ ફિલ્મ જોઈ નાખું.’ જગમોહને નિખાલસપણે કબૂલ્યું.
‘હ્મ્મ્મ્મ્.. હવે સમજાયું તમે આપઘાત કરવા શા માટે નીકળી પડ્યા હતા. હિન્દી ફિલ્મો ન જુઓ તો આવું જ થાય. કાકુ, યુ ડોન્ટ નો વ્હોટ યુ હેવ મીસ્ડ! જિંદગીમાં શું ખોયું એની જ તમને ખબર નથી.’
‘તારી વાત ખોટી નથી. ખોયું તો ઘણું જ છે.’
‘કાકુ, આપણને ગમતી વસ્તુ કે વ્યક્તિ માટે સમય શા માટે ન નીકળી શકે?’ એનો અર્થ એ જ થાય કે તમને એ વસ્તુ કે વ્યક્તિ ગમતી નથી. પછી તો તમારી વ્યક્તિ નારાજ થાય જ ને! એટલે જ પ્રભા વિફરી હશે.’
‘પ્લીઝ, ગાયત્રી, હવે મારી દુ:ખતી રગ દબાવ નહીં. હા, પણ તારી વાતો ગમે છે. પ્રભાની વાત ન કરવાની હોય તો વાત ચાલુ રાખ.’
‘કાકુ, જે રગ દુ:ખતી હોય એનો પહેલાં જ ઈલાજ કરી નાખો એટલે કોઈને એને દબાવવાની તક જ ન મળે. હકીકતમાં તમે જીવ્યા નથી, તમારી જાતને વહી જવા દીધી છે દિશાહીન. બિઝનેસમાં સફળ પણ પર્સનલ લાઈફમાં તોફાન આવે કે શાહમૃગની જેમ રેતમાં માથું નાખી દો. તોફાન પસાર થઈ જશે એની રાહ જોતા રહો. એ દરમિયાન દરેક સ્થિતિ અને માણસો માટે પોતાના અભિપ્રાયો બાંધી લીધા અને એને વળગી રહ્યા. છેલ્લે કંઈ ન સૂઝયું કે મેટ્રો સ્ટેશન આવી ગયા.’
જગમોહન ચૂપ રહ્યો.
‘હવે કાકુ, આપણી બાકીની જિંદગીની ચિંતા તો ત્યારે થાય જ્યારે અહીંથી જીવતાં પાછાં ફરી શકીએ તો… બાકી આ ખૂંખાર માણસો વચ્ચે પડ્યા રહેવું ખતરનાક લાગે છે.’ ગાયત્રીએ આસપાસ નજર દોડાવતાં કહ્યું.
‘એ ઈ, હિન્દી ફિલ્મોમાં બને છે એવું હું કંઈક કરી શકીશ એવી અપેક્ષા મારી પાસેથી નહીં રાખતી. તને કહી દઉં કે હું આ ત્રણેય પહેલવાનો સાથે ઢિસુમ…ઢિસુમ કરવા જવાનો નથી.’
‘અરે, એની જરૂર નહીં પડે. તમારા દિમાગ સાથે જ ઢિસુમ…ઢિસુમ કરો ને… તમને ઉકેલ મળી જશે.’ ગાયત્રીએ સૂચવ્યું.
જગમોહન વિચારતો હતો. ગાયત્રીની વાતમાં તથ્ય હતું. કોઈ તોડ તો કાઢવો જ પડશે. અહીં બેઠાં બેઠાં વાતો કરીને સમસ્યા આપોઆપ હલ નથી થવાની.
‘જુઓ કાકુ, આપણે સાથે મળીને વિચારીએ. આપણી પાસે બે રસ્તા છે: એક, સવાર સુધી રાહ જોઈને તમને મારવાની સુપારી આપનારનું નામ જાણવાની કોશિશ કરીએ. બીજું, અહીંથી ભાગી છૂટીએ.’
‘ગાયત્રી, સવાર સુધી રોકાઈને મારા પ્રિય દુશ્મનનું નામ જાણવાની તાલાવેલી મને પણ છે પણ એ રસ્તો થોડો જોખમી છે. તું સાથે છો એટલે એ રસ્તો અખત્યાર કરવા ન ઈચ્છું. શત્રુનું નામ જાણવાની લાયમાં આપણી જિંદગી જોખમાઈ જાય. બાબુનો ભરોસો નહીં.’
‘વળી તમારે બે કરોડ ચૂકવવા પડે… કાકુ.’
‘એની ફિકર નથી. આપણને સહીસલામત છોડી મૂકે તો એ કિંમત પોષાય… પણ મારું મન સવાર સુધી રોકાવાની ના પાડે છે.’
‘આપણી વચ્ચે મનમેળ થઈ શકે છે. કાકુ, મારું મન તો પહેલેથી જ ના પાડે છે. તો પછી બીજો રસ્તો છે અહીંથી ભાગી જવાનો.’
‘ગાયત્રી, તું વાત એવી રીતે કરે છે જાણે બાબુ અને ઈરફાન રેડ કાર્પેટ બિછાવીને કહેશે: ‘આપ લોગ જા સકતે હૈં’
‘કાકુ, નીચે બાઈક પડી છે. આપણે એમાં નાસી છૂટીએ તો!’
‘ગાયત્રી, તારા દિમાગ પર ફિલ્મોનું ભૂત સવાર છે એટલે આવા ઢંગધડા વગરના આઈડિયા વિચારે છે. અરે, બાઈકમાં ભાગવાની કોશિશ કરીએ તો એ લોકો પાછળ આવીને આપણને ઠાર ન કરી નાખે? ઓ.કે. ગાયત્રી, મને એ કહે કે તારી હિન્દી ફિલ્મોમાં હીરો આ સંજોગોમાં શું કરે?’
‘હિન્દી ફિલ્મોનો હીરો બે હાથ ખિસ્સામાં નાખીને થોડી ક્ષણો વિચારે અને પછી અચાનક ચિત્કાર કરીને કહે: ‘એક આઈડિયા હૈ!’
જગમોહને બંને હાથ ખિસ્સામાં નાખ્યા અને કોઈ ગહન વિચારમાં ડૂબ્યો હોય એવા ભાવ સાથે સિલિંગ તરફ જોવા લાગ્યો. અચાનક એની આંગળીઓને ખિસ્સામાં રાખેલી એક વસ્તુ સ્પર્શી:
મોબાઈલ.!
જગમોહન સેલ ફોન બહાર કાઢીને બોલ્યો:
‘ગાયત્રી, હું ચિત્કાર નહીં કરું , પણ એક આઈડિયા હૈ!’
‘વાહ, કાકુ, મેં તમને કહ્યું હતું ને કે મારા કાકુ જરૂર કોઈ ઉપાય શોધી કાઢશે. હવે શું કરશો? આ સેલમાં આપણને બચાવવા માટે પ્રભાની મદદ માગશો?’
‘ગાયત્રી, મશ્કરી નહીં કર. પ્રભાને કહીશ તો એ ઈરફાનને કહેશે કે, ઈસ આદમી કો મેરી તરફસે એક ગોલી જ્યાદા મારના’.
‘શું તમે પણ! એની વે, તમે શું કરવા ધારો છો?’
જગમોહન હાથમાં મોબાઈલ રમાડવા લાગ્યો. થોડી પળો વિચાર્યા બાદ એ બોલ્યો:
‘ગાયત્રી, આપણે ઈન્સ્પેક્ટર પરમારને ફોન કરીએ. આમેય એ આપણા માટે કંઈક કરવા બહુ જ
ઉત્સુક છે. આજે એની ઈચ્છા વહેલી પૂરી કરી દઈએ.’
‘પણ કાકુ, પરમારનો નંબર તમારી પાસે ક્યાં છે?’
‘ગાયત્રી, તારી પાસે જીવન જીવવાની અસામાન્ય સમજ છે, પણ સામાન્ય બુદ્ધિનો સદંતર અભાવ છે. અરે, લાલબજાર હેડક્વાર્ટર્સ ફોન કરીએ તો કોઈના પણ નંબર મળી જાય અને ગાયત્રી, આ શહેરમાં મેં વરસોથી ઈન્ડસ્ટ્રી ચલાવી છે. થોડાઘણાં કોન્ટેક્ટ્સ તો મારા પણ છે.’
‘વેરી ગુડ, કાકુ, હવે બોલો, તમારું સામાન્ય જ્ઞાન અને મારી અસામાન્ય સમજ એક થઈ જાય તો?!’
‘તો… તો… જીવન સામે કોઈ ફરિયાદ જ ન રહે. બાય ધ વે… ગાયત્રી, તને એક વાત કહેવાની રહી ગઈ. આજે વરસો બાદ મેં ફરી જીવવાનો વિચાર કર્યો છે.’
‘શું વાત કરો છો, કાકુ?’ કહીને ગાયત્રી ઉછળીને જગમોહનને વળગી પડી:
‘મારી મહેનત ફળી’
‘હા ગાયત્રી, તારી જ મહેનત…ઑહ સોરી, તારી જ રમત ફળી. મારામાં આવેલા આ પરિવર્તન માટે મારે તારો જ આભાર માનવો રહ્યો.’
ગાયત્રીની આંખો છલકાઈ ઊઠી, ‘હવે મને ખાતરી થઈ ગઈ કે હું સાઈકિયાટ્રિસ્ટ બની શકીશ. એક પેશન્ટની સફળ ટ્રિટમેન્ટ કરી. પણ કાકુ, તમારે હજી એક વ્યક્તિનો આભાર માનવો જોઈએ.’
‘કોનો?’ જગમોહન સમજ્યો નહીં.
‘જે માણસ તમારી વિરુદ્ધ ઊભો થયો છે એનો. જ્યારથી તમને તમારા દુશ્મન વિશે ખબર પડી છે ત્યારથી તમારા ચહેરા પર એક અજીબ ચમક જોઈ શકું છું.’
‘યસ, યુ આર રાઈટ. મને ખબર નહોતી કે આ દુનિયામાં મારા સિવાય પણ એક વ્યક્તિ એવી છે જે મને મારવા ઈચ્છે છે. અરે, એની મજાલ છે કે મને હાથ અડાડવાનો વિચાર કરે! હવે તો મારે જીવવું છે અને જીતવું પણ છે.’
‘કમાલ છે કાકુ, તમે મારા જેવી દોસ્તને કારણે મરવાનું પડતું મૂક્યું અને એક દુશ્મનને કારણે જીવવાનું નક્કી કર્યું. હવે મજા પડશે, હવે જામશે ખેલ… અને હવે જામશે જંગ!’
‘હા, પણ મારી શરૂઆતની શરત યથાવત્ જ રહેશે. મારા હૈયાપલટા માટે તું જ જવાબદાર છો એટલે તારે તો મારી સાથે જ રહેવાનું. જો તું ન રહેવાની હોય તો હમણાંથી ના પાડી દેજે.’
જગમોહનને આશ્ચર્ય થતું હતું કે આખરે એ પોતાનો સંકોચ ખંખેરી શક્યો હતો.
‘કેમ ગાયત્રી, જવાબ ન આપ્યો? મારે શું મેટ્રો સ્ટેશને જ જવું પડશે?’
‘હવે તમારે મેટ્રો સુધી લાંબા થવાની જરૂર નથી. પાસેના કમરામાં બાબુ અને ઈરફાનને ગલગલિયાં કરીને કહેશો કે બેવકૂફો કોઈ દી’ બે કરોડ રૂપિયા જોયા છે. તો પણ એ લોકો તમારું કામ પળવારમાં કરી આપશે.
જગમોહન ખડખડાટ હસી પડ્યો, પણ પછી પોતાનું મોઢું દબાવતાં બોલ્યો, ‘સોરી, હું પણ તારી જેમ ભૂલી ગયો કે આપણું અપહરણ થયું છે. ગાયત્રી, તું સાથે હો તો અપહરણ થવામાં પણ મજા આવે છે હોં.’
‘હવે રહેવા દો કાકુ, આમ ને આમ સવાર પડી જશે તો હાથમાં સમય નહીં રહે. તમે ઈન્સ્પેક્ટર પરમારન સંપર્ક સાધવાની કોશિશ કરો.’ (ક્રમશ:)