કચ્છ

કચ્છમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસના રીપોર્ટ આવે તે પહેલા જ બાળકોના મોતથી ખળભળાટ

ભુજ: હાલ ગુજરાતમાં ચારેબાજુ ચાંદીપૂરા વાયરસના ફેલાવાથી ફફડાટ જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો હાલ એક પોઝીટીવ કેસ અને છ શંકાસ્પદ કેસના બાળદર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે આજે બે શંકાસ્પદ કેસના બાળદર્દીઓના તબીબી રીપોર્ટ પૂર્વે જ આજે મૃત્યુ નિપજતાં ફફડાટ ફેલાયો છે.

આ અંગે અહેવાલ આપતા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી કેશવકુમારે જણાવ્યું હતું કે, ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા માધાપર જૂનાવાસના 8 માસના બાળકનું મૃત્યુ નીપજ્યું છે. તો, અમદાવાદ સિવિલમાં સારવાર લઈ રહેલી અંજારના મેઘપર ગામની 1 વર્ષથી ઉપરની ઉંમરની બાળકીનું પણ મૃત્યુ થયું છે. જો કે આ બંને બાળકોના સેમ્પલના રીપોર્ટ હજુ આવ્યાં પણ નથી ત્યાં જ મૃત્યુ થઈ જતાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે રાજ્યમાં 1,300થી વધુ દવા મળશે નિઃશુલ્ક

બંને બાળકોના રિપોર્ટ આવતીકાલ શનિવારે સાંજે કે રવિવારે સવારે આવે તેવી શક્યતા છે. નખત્રાણાના દેવપરના બાળ દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને હાલ તે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુંદરાના હટડીની 6 વર્ષની બાળકી અને ગઢશીશાના 18 વર્ષિય યુવકના સેમ્પલ પણ પરીક્ષણ માટે મોકલાયાં છે.

ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાય છે. આ માખી લીંપણવાળા મકાનો કે માટીના કાચાં મકાનોની તીરાડો, જૂની દિવાલો, અંધારા અને ભેજયુક્ત અવાવરુ ખંડેરોમાં વગેરે જગ્યાએ પેદા થાય છે. આ વાયરસના લક્ષણોમાં બે-ત્રણ દિવસમાં મગજની અંદર સોજો આવવો કે જેને તબીબી ભાષામાં વાયરલ એન્સેફેલાઈટીસ કહેવાય છે. જેના લીધે દર્દીને સખત તાવ, ખેંચ, બેહોશી જેવા લક્ષણો જોવા મળે છે.

જો કે સામાન્ય રીતે 8 થી 9 માસના બાળકોથી લઈ 14 વર્ષ સુધીના બાળકો તેનો ભોગ બને છે. પરંતું વાયરસની પેટર્ન બદલાઈ છે કે કેમ તે જાણવાના આશયથી જ ગઢશીશાના ૧૮ વર્ષિય યુવકનું સેમ્પલ પરીક્ષણ માટે લીધું હોવાનું કેશવકુમારે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button