એકસ્ટ્રા અફેર

કારગિલ ભલે જીત્યા, પણ ભારત ત્રણ મોરચે નિષ્ફળ ગયું હતું

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

કારગિલ યુદ્ધમાં ભારતે મેળવેલા વિજયને ૨૫ વર્ષ પૂરાં થઈ ગયાં. ૩ મે ૧૯૯૯ના રોજ શરૂ થયેલા કારગિલ યુદ્ધમાં પાકિસ્તાને કારગિલ સહિતના વિસ્તારો પર કબજો કરી લીધેલો. પાકિસ્તાનને ભારતના વિસ્તારોમાંથી ખદેડવા ભારતીય લશ્કરે ઓપરેશન વિજય શરૂ કર્યું હતું. ૨૬ જુલાઈ, ૧૯૯૯ના રોજ ભારતીય લશ્કરના જવાનોએ આતંકવાદીઓની આડમાં ઘૂસેલા પાકિસ્તાની લશ્કરના સૈનિકોને ભારતીય સીમમાંથી સંપૂર્ણપણે ખદેડીને ફરી કારગિલમાં ભારતનો ઝંડો લહેરાવ્યો અને કારગિલ સહિતના તમામ વિસ્તારો પાછા મેળવ્યા એ ઘટનાને શુક્રવારે ૨૫ વર્ષ પૂરાં થઈ ગયાં.

કારગિલ વિજય દિવસની દર વરસે ઉજવણી થાય છે અને યુદ્ધમાં ખપી ગયેલા ૫૭૨ જવાનોને આખો દેશ નત મસ્તક થઈને શ્રદ્ધાંજલિ આપે છે. કારગિલ-દ્રાસ સેક્ટરમાં વિજય દિવસની ભવ્ય ઉજવણી થાય છે કેમ કે ભારતીય લશ્કરે કારગિલ-દ્રાસ સેક્ટરમાં અંતિમ લડાઈ લડીને પાકિસ્તાની લશ્કરને ખદેડેલું. દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રદ્ધાંજલિ અપાય છે. પરંપરાગત રીતે વડા પ્રધાન પોતે અમર જવાન જ્યોતિ પર જઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. કારગિલ યુદ્ધમાં વિજય આઝાદ ભારતના ઈતિહાસનું એક ગૌરવપૂર્ણ પ્રકરણ છે અને દેશના સૈનિકોએ દેશના ગૌરવને પાછું મેળવેલું એ જોતાં કારગિલ વિજયની ખુશીમાં વિજય દિવસ મનાવાય છે. આ વરસે પણ એ ઉજવણી કરાઈ જ છે.

યોગાનુયોગ કારગિલ વિજયની ઉજવણી એવા સમયે થઈ રહી છે કે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં ફરી આતંકવાદને ભડકાવવાની પુરજોશ કોશિશ પાકિસ્તાન દ્વારા થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય લશ્કર અને નાગરિકો પર પણ થયેલા ઉપરાછાપરી હુમલાના કારણે આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે અને નાગરિકો પણ મરી રહ્યા છે ત્યારે ૨૫ વર્ષ પહેલાં ગુમાવેલી તક પર અફસોસ થાય છે.

પાકિસ્તાને ૨૫ વર્ષ પહેલાં કારગિલમાં ઘૂસણખોરી કરીને ભારતનો વિસ્તાર કબજે કરી લીધો ત્યારે ભારત પાસે પાકિસ્તાનને એ જ ભાષામાં જવાબ આપીને જમ્મુ અને કાશ્મીર વિવાદનો કાયમ માટે નિવેડો લાવી દેવાની તક હતી પણ અટલ બિહારી વાજપેયીએ એ તક રોળી નાખી હતી. બાકી અત્યારે આખું જમ્મુ અને કાશ્મીર ભારતનું હોત અને પાકિસ્તાનની તેની તરફ આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ ના ચાલતી હોત. આપણા જવાનો ને નાગરિકો પણ ના મરતા હોત. ૨૫ વર્ષમાં તો આખા જમ્મુ અને કાશ્મીરમાં વિકાસની એવી લહેર ફરી વળી હોત કે, કાશ્મીરની શિકલ જ બદલાઈ ગઈ હોત પણ એ ના થઈ શક્યું.

કારગિલ યુદ્ધ ભારતની ત્રણ મોટી નિષ્ફળતાની યાદ અપાવે છે. પહેલી નિષ્ફળતા પાકિસ્તાનની માનસિકતાને સમજવાની આપણા શાસકોની નિષ્ફળતા હતી. બીજી નિષ્ફળતા પાકિસ્તાનની તૈયારીઓ વિશે આપણને ગંધ સુધ્ધાં ના આવી એ આપણા ઈન્ટેલિજન્સ નેટવર્કની નિષ્ફળતા હતી ને ત્રીજી નિષ્ફળતા તક મળી ત્યારે રાજકીય ઈચ્છાશક્તિનો પરિચય આપીને કાશ્મીર વિવાદનો કાયમ માટે ઉકેલ લાવવાની હિંમત બતાવવાની નિષ્ફળતા હતી.

પાકિસ્તાન આઝાદી વખતથી સતત ભારતને પરેશાન કરે છે અને ભારતમાં આતંકવાદ ફેલાવીને બરબાદ કરવા માગે છે. પાકિસ્તાનની માનસિકતા હળાહળ ભારત વિરોધી છે પણ અટલ બિહારી વાજપેયી આ માનસિકતાને સમજવમાં ધરાર નિષ્ફળ ગયા હતા. વાજપેયીને કાશ્મીર વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવીને શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ જીતવાના અભરખા હતા એવું કહેવાય છે. આ અભરખો પૂરો કરવા એ પાકિસ્તાન સાથે દોસ્તી કરવાનાં સપનાં જોતાં હતાં ને બીજી તરફ પાકિસ્તાને પોતાની જાત બતાવીને ભારત પર હુમલો કરી દીધેલો.

આપણું ગુપ્તચર તંત્ર પણ સાવ નિષ્ફળ ગયું હતું. કારગિલ યુદ્ધ મુદ્દે આપણા ભૂતપૂર્વ આર્મી ચીફનું જનરલ એન.સી. વિજે અલોન ઇન ધ રિંગ નામે એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તક છ મહિનાથી વધુ સમયથી પ્રકાશન માટે અટવાયેલું છે. જનરલ એનસી વિજે ૨૦૦૨ થી ૨૦૦૫ સુધી આર્મી ચીફ તરીકે સેવા આપી હતી. જનરલ વિજ કારગિલ યુદ્ધ દરમિયાન ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (ઉૠખઘ) હતા. તેમણે પોતાના પુસ્તક વિશે એક લેખ લખ્યો છે તેમાં લખ્યું છે કે, ભારતીય ગુપ્તચર એજન્સીઓ કારગિલ યુદ્ધ પહેલા પાકિસ્તાન દ્વારા કરાઈ રહેલી મોટા પાયે લશ્કરી ખરીદીને ટ્રેક કરવામાં “ગંભીર રીતે નિષ્ફળ રહી હતી. જનરલ વિજના કહેવા પ્રમાણે ભારતની વિદેશી ગુપ્તચર સંસ્થા રોએ પાકિસ્તાન દ્વારા આક્રમણની શક્યતા વ્યક્ત કરી હતી પણ ગુપ્તચર તંત્રને કોઈ માહિતી જ નહોતી.

આ વાત સાવ સાચી હતી. જનરલ પરવેઝ મુશર્રફે કારગિલ પર હુમલાને ઓપરેશન બદ્ર નામ આપેલું. ઓપરેશન બદ્ર હેઠળ પાકિસ્તાની લશ્કર સતત તોપમારો કરીને કવર આપતું તેનો લાભ લઈને કાશ્મીરી આતંકવાદીઓના રૂપમાં હજારો પાકિસ્તાની સૈનિકોને ભારતના વિસ્તારમાં ઘૂસી ગયા હતા. ભારતને તેની ખબર નહોતી પણ ભારતના કેટલાક ભરવાડ ઘેટાં ચરાવવા ગયેલા ને તેમણે શંકાસ્પદ હિલચાલ જોઈને ભારતીય લશ્કરને જાણ કરી. એક બૌદ્ધ સાધુએ પણ ભારતીય લશ્કરને પાકિસ્તાની સૈનિકોની હિલચાલની જાણ કરી પછી ભારતીય લશ્કર હરકતમાં આવ્યું હતું.

અલબત્ત ત્યારે પણ આપણને તો હુમલાની ગંભીરતા ખબર જ નહોતી. ભારતને ૩ મેના રોજ જાણ થઈ તેના બે દિવસ પછી ૫ મેના રોજ કારગિલના અંદરના વિસ્તારોમાં ભારતની પેટ્રોલ ટુકડીઓને મોકલાઈ હતી. એ વખતે પાકિસ્તાની સૈનિકોએ ભારતીય લશ્કર હુમલો કરીને પાંચ સૈનિકોને પકડી લીધા. તેમની ક્રૂરતાથી હત્યા કરી. તેમનાં અંગો કાપી નખાયેલાં, વિકૃતિની ચરમસીમા વટાવીને અત્યાચારો કરાયેલા. ભારતને એ વખતે સ્થિતિની ગંભીરતા સમજાઈ અને ભારતીય લશ્કરે તરત જ વળતો હુમલો કરીને પાકિસ્તાની સૈનિકોને સાફ કરવા ઓપરેશન હાથ ધર્યુ હતું.

ભારતીય લશ્કરે જબરદસ્ત પરાક્રમ બતાવ્યું હતું તેમાં શંકા નથી. પાકિસ્તાની લશ્કરે કારગિલ ઉપરાંત દ્રાસ, કાકસર અને મુશકોહ ક્ષેત્રમાં પણ ઘૂસણખોરી કરીને આ વિસ્તારની ચોકીઓ પર કબજો કરી લીધો હતો. આ વિસ્તારો ઊંચાણ પર હોવાથી ભારતે પાકિસ્તાની લશ્કરને ખદેડવા ૨૬ મેના રોજ એરફોર્સને મેદાનમાં ઉતારીને હવાઈ હુમલા શરૂ કર્યા પછી પાકિસ્તાન પાસે મેદાન છોડીને ભાગવા સિવાય છૂટકો નહોતો.

વાજપેયીએ કારગિલ યુદ્ધ વખતે આર યા પાર કી લડાઈ હોગી એવો ફૂંફાડો મારેલો પણ વાજપેયી આરપારની લડાઈ લડી ના શક્યા. કારગિલ યુદ્ધના કારણે ભારત માટે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે), ગિલગિટ અને બાલ્ટિસ્તાન સહિતના આખા કાશ્મીર પર કબજો કરવાની સુવર્ણ તક આવી ગઈ હતી.

કારગિલમાં પાકિસ્તાને આક્રમણ કર્યું હતું ને ભારતે સ્વરક્ષણ માટે ઓપરેશન વિજય હાથ ધરવું પડેલું, ભારત ઓપરેશન વિજયને થોડા દિવસ લંબાવીને ભારતનું લશ્કર પાકિસ્તાનને ખદેડતાં ખદેડતાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને તેના પર કબજો કરી લે એ સ્થિતિ સર્જવા જરૂર હતી.ભારતીય લશ્કર એ માટે તૈયાર હતું પણ વાજપેયી એ હિંમત ના બતાવી શક્યા. પરિણામે ૧૯૪૭, ૧૯૬૫ અને ૧૯૭૧નું પુનરાવર્તન થયું. જવાહરલાલ નહેરૂ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધીએ કરેલી ભૂલ દોહરાવીને વાજપેયીએ આખું કાશ્મીર કબજે કરવાની તક જવા દીધી. કારગિલ વિજય દિવસ ઉજવાશે ત્યારે ત્યારે આ અફસોસ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button