તોફાની તેજી: સેન્સેક્સે તોતિંગ ઉછાળા સાથે પાંચ દિવસની ખોટ એક ઝાટકે સરભર કરી, નિફ્ટી નવા શિખરે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજારમાં સપ્તાહના અંતિમ સત્રમાં ભારે તોફાની તેજીનો માહોલ જોવા મળ્યો હતો, સેન્સેક્સમાં ૧,૨૯૩ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, જ્યારે નિફ્ટી રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. નીચા મથાળે વેલ્યુ બાઇંગ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ બ્લુ-ચિપ્સ શેરોમાં તેજીના કારણે પાંચ દિવસની ખોટની સિલસિલાને બ્રેક મારીને શુક્રવારે નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો હતો.
સેન્સેક્સ ૧,૨૯૨.૯૨ પોઈન્ટ અથવા ૧.૬૨ ટકાના ઉછાળા સાથે ૮૧,૩૩૨.૭૨ પોઇન્ટ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે ૧,૩૮૭.૩૮ પોઈન્ટ અથવા ૧.૭૩ ટકા વધીને ૮૧,૪૨૭.૧૮ પર પહોંચ્યો હતો. નિફ્ટી ૪૨૮.૭૫ પોઈન્ટ અથવા ૧.૭૬ ટકા વધીને ૨૪,૮૩૪.૮૫ની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો.
સેન્સેક્સના ત્રીસ શેરમાંથી એકમાત્ર નેસ્લે સિવાય સેન્સેક્સના તમામ શેર ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. ભારતી એરટેલ સૌથી વધુ ૪.૫૧ ટકા વધ્યો હતો. અન્ય ટોપ ગેનર્સમાં અદાણી પોર્ટ્સ, સન ફાર્મા, ટાટા સ્ટીલ, એચસીએલ ટેક્નોલોજીસ, ઈન્ફોસીસ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અન્ય મોટા શેરો હતા. નેસ્લે ૦.૦૭ ટકા ઘટીને બંધ થયો હતો.
એશિયન બજારોમાં, સિઓલ, શાંઘાઈ અને હોંગકોંગ ઊંચામાં સ્થિર થયા હતા, જ્યારે ટોક્યિો નેગેટિવ ઝોનમાં સરી પડ્યો હતો. યુરોપિયન બજારો પણ પોઝિટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ગુરુવારે અમેરિકન બજારો મોટાભાગે નીચા મથાળે બંધ રહ્યા હતા.
પ્રાઇમરી માર્કેટમાં એસએમઇ આઇપીઓની ભરમાર ચાલુ રહી છે. સથલોખર સિનર્જિસ ઇએન્ડસી ગ્લોબલ લિમિટેડ ૩૦ જુલાઈ, ૨૦૨૪ના રોજ આઈપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આ જાહેર ભરણાં મારફત કંપની રૂ. ૯૨.૯૩ કરોડ એકત્ર કરવા ધારે છે, જેના શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ કરવામાં આવશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૩૩થી રૂ ૧૪૦ પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને લોટ સાઈઝ ૧,૦૦૦ ઈક્વિટી શેરની છે. દરમિયાન ધી આગા પોલ ઇસ્ટેટેતેના સેલ્સ પેવેલિયન અને શો એપોર્ટમેન્ટનું ઇનોગરેશન કર્યુ છે. આ પ્રોજેકટ અંતર્ગત નવી મલ્ટિ સ્પેશિયાલિટિ હોસ્પિટલ પણ ઊભી કરાઇ છે.
ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૪૦ ટકા ઘટીને ડોલર ૮૨.૦૪ પ્રતિ બેરલ બોલાયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ગુરુવારે રૂ. ૨,૬૦૫.૪૯ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી.
બજારના સધનો અનુસાર અન્ય પરિબળો ઉપરાંત સૌથી મહત્વની બાબત બજારની ભરપૂર પ્રવાહિતા છે. બજેટની નારાજગી વચ્ચે પણ આ કારણસર તેજી જામી છે. મેટલ, આઇટી શેરોમાં જોરદાર લાવલાવ શરૂ થઈ હોવાથી તેના શેરઆંક ટોચના સેક્ટોરલ ગેનર બન્યા છે.
આ રિકવરીના દેખીતા કારણોમાં નીચા ભાવે વેલ્યુ બાઇંગ અને ઇન્ફોસિસ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઇન્ડેક્સ હેવિવેટ બ્લુચિપ શેરોમાં નીકળેલી લેવાલી અને સુધારો છે. આ શેરોની લેવાલી પાછળ અલગ કારણો ચર્ચાઈ રહ્યા છે.
ટોચના વિશ્લેષક અનુસાર ભારતમાં ચાલી રહેલા બુલ માર્કેટની વિશિષ્ટ વિશેષતા એ છે કે તે તમામ અવરોધો પાર કરી જવાની તેની ક્ષમતા ધરાવે છે. ભારતીય શેરબજારે ચૂંટણી, બજેટ અને મધર માર્કેટ અમેરિકન શેરબજારોનું કરેક્શન સંબંધિત તમામ ચિંતાઓને ફગાવી દીધી છે.
રોકાણકારોએ બાય ઓન ડીપ્સ વ્યૂહરચના જ અપનાવી લીધી હોય એવું લાગે છે. જો કે, બજારના વિશ્લેષકો વારંવાર ચેતવણી આપી રહ્યા છે કે, વેલ્યુએશનની વિસંગતતા હજુ ચાલુ છે અને વધતી જાય છે. રોકાણકારોએ ખૂબ સાવધાની રાખવી અનિવાર્ય છે. માર્કેટ રેગ્યુલર સેબી પણ એ જ કહે છે.
વેલ્યુએશનની વાત કરીએ તો લાર્જકેપ્સ ખૂબ મૂલ્યવાન છે અને લાંબા ગાળાના રોકાણકારો તેમાં રોકાણ કરી રહ્યા છે. જોકે આ વિસંગતતાનો લાભ ઉઠાવીને વિદેશી ફંડો ફરીથી વેચવાલી કરતા બની ગયા છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની જંગી ખરીદી દ્વારા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સના સેલિંગ મેળ ખાતી હોવા છતાં આગળ જતાં લાર્જકેપ્સ પર વધુ દબાણ લાવી શકે છે.
પાછલા સત્રમાં ગુરુવારે ઈન્ટ્રા-ડે ટ્રેડમાં તીવ્ર ઘટાડા પછી, બેન્ચમાર્ક ૧૦૯.૦૮ પોઈન્ટ અથવા ૦.૧૪ ટકાના ઘટાડા સાથે ૮૦,૦૩૯.૮૦ પર સેટલ થવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી ૭.૪૦ પોઈન્ટ અથવા ૦.૦૩ ટકા ઘટીને ૨૪,૪૦૬.૧૦ પર આવી ગયો છે. છેલ્લા પાંચ દિવસમાં, બીએસઇનો બેન્ચમાર્ક સેન્સેક્સ ૧,૩૦૩.૬૬ પોઈન્ટ અથવા ૧.૬૦ ટકા ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી ૩૯૪.૭૫ પોઈન્ટ અથવા ૧.૫૯ ટકા ઘટ્યો હતો.