ઇન્ટરનેશનલનેશનલ

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદ માટે આ તારીખે ચૂંટણી યોજાશે

કોલંબોઃ શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ૨૧ સપ્ટેમ્બરે યોજાશે. ચૂંટણી પંચે શુક્રવારે તારીખની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી મહિનાઓથી ચાલી રહેલી વર્તમાન વડા પ્રધાન રાનિલ વિક્રમસિંધેની મુદ્દત વધારવા માટે ચૂંટણી મોકૂફ રાખવામાં આવશે એ અટકળોનો અંત આવ્યો હતો.

શુક્રવારે જારી કરવામાં આવેલા સરકારી ગેઝેટ નંબર ૨૩૯૪/૫૧માં કહેવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ ૩૧(૩) અનુસાર ચૂંટણી ૨૧ સપ્ટેમ્બરે થશે, જ્યારે નામાંકન ૧૫ ઓગસ્ટે સ્વીકારવામાં આવશે.

ચૂંટણીની ઘોષણાથી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેનો બાકીનો કાર્યકાળ સમાપ્ત થઇ જશે, જેમની ૨૦૨૨ના મધ્યમાં એક લોકપ્રિય જાહેર બળવામાં હકાલપટ્ટી કરવામાં આવી હતી. નવેમ્બર ૨૦૧૯માં જ્યારે છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ હતી ત્યારે રાજપક્ષેએ લગભગ ૭ મિલિયન મતો સાથે વિક્રમી જીત મેળવી હતી.

આ પણ વાંચો: હવે આ પડોશી દેશમાં થશે રાષ્ટ્રપતિની ચૂંટણી, તારીખ જાહેર

૨૦૨૨ની શરૂઆતમાં રસ્તાઓ પર ઉતરેલા હજારો લોકોએ ૧૯૪૮ બાદ ટાપુ દેશમાં સૌથી ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરવામાં નિષ્ફળ રહેવા બદલ રાજપક્ષેને પદ છોડવાની માંગ કરી હતી. રાજપક્ષેને ૯ જુલાઇ ૨૦૨૨ના રોજ દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી અને વર્તમાન વડાપ્રધાન વિક્રમસિંધેને સંસદ દ્વારા રાજપક્ષેના અનુગામી ચૂંટવામાં આવ્યા હતા.

ત્યારબાદ વિક્રમસિંધે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઇએમએફ) પાસેથી બેલ-આઉટ સુવિધાનો લાભ ઉઠાવીને નાદાર અર્થતંત્રને પુનર્જીવિત કરવાનું મુશ્કેલ કાર્ય હાથ ધર્યું હતું. ભારતે ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકગાળામાં શ્રીલંકાને ૪ અબજ અમેરિકન ડોલરની સહાય કરી હતી. જેનાથી ચૂકવણીના સંતુલન સંકટ દરમિયાન ખાદ્યપદાર્થો અને જરૂરી વસ્તુઓની આયાત માટે ચૂકવણી કરવામાં આવી હતી. વિક્રમસિંધ પ્રમુખ તરીકે તેમની વાપસી માટે તેઓ ચૂંટણી લડે તેવી અપેક્ષા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button