મહાયુતિ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અમારા કામ અને કલ્યાણકારી યોજનાને આધારે જીતશે: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સત્તાધારી મહાયુતિ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પોતાના વિકાસના કામ અને કલ્યાણકારી યોજનાના બળ પર જીતશે એવો દાવો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે કર્યો હતો.
છેલ્લા બે વર્ષમાં શિવસેના, ભાજપ અને એનસીપીના અજિત પવાર જૂથની બનેલી મહાયુતિએ વિકાસના કામની ગતિમાં વધારો કર્યો છે અને અનેક કલ્યાણકારી યોજનાઓ રાજ્યમાં અમલમાં મૂકી છે, એમ શિંદેએ પત્રકારોને જણાવ્યું હતું.
શિવસેના (યુબીટી)ના થાણેના પદાધિકારીઓને પક્ષમાં પ્રવેશ બાદ તેમણે કહ્યું હતું કે લોકો મારી સરકારને ટેકો આપશે કેમ કે તેઓ મહાવિકાસ આઘાડી અને મહાયુતિના કાર્યકાળમાં થયેલા કામની સરખામણી કરશે. લોકો કામ કરનારાને મત આપે છે, ઘરે બેસનારાને નહીં, એમ પણ તેમણે ઉદ્ધવને ટોણો મારતાં કહ્યું હતું.
આ પણ વાંચો : આર્મીના ભૂતપૂર્વ સૈનિકોના ઉદ્ધાર માટે એકનાથ શિંદે સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય
સરકારે રાજ્યમાં કલ્યાણકારી યોજનાઓના અમલ માટે બજેટમાં જોગવાઈ કરી છે. જે લોકો આર્થિક બોજની વાતો કરી રહ્યા છે તેઓ વાસ્તવમાં અમે કામ કરીએ છીએ તે પચાવી શકતા નથી અને તેમને ચૂંટણીમાં પરાજય સામે દેખાઈ રહ્યો છે એટલે આવી ટીકા કરી રહ્યા છે. આ યોજનાના લાભાર્થીઓ વિરોધ કરનારાને જડબાતોડ જવાબ આપશે. મને વિશ્ર્વાસ છે કે લોકો અમારી સરકાર પર વિશ્ર્વાસ દર્શાવશે કેમ કે અમારા કાર્યકાળમાં લોકોના કામ થયા છે. વિકાસના માર્ગમાં અગાઉની મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા ઊભા કરવામાં આવેલા બધા જ અવરોધો (સ્પીડ બ્રેકર) અમે દૂર કર્યા છે, એમ શિંદેએ કહ્યું હતું.
પૂણેમાં આવેલા પૂર અંગે તેમણે જણાવ્યું હતું કે જ્લ્લિા વહીવટીતંત્રને કચરો અને ગંદકી દૂર કરીને લોકોને રાહત આપવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે