ભાજપે મને મૂર્ખ બનાવ્યો, ભૂતપૂર્વ વિધાનસભ્યની ટીકા
મુંબઈ: શિવસેનામાંથી બે વખત વિધાનસભ્ય રહી ચૂકેલા રમેશ કુથેની આખરે શિવસેના (યુબીટી) પાર્ટીમાં ઘરવાપસી થઈ છે. 2019માં રમેશ કુથે શિવસેના છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. હવે છ વર્ષ પછી ગોંદિયાના ભૂતપૂર્વ વિધાનસભ્ય રમેશ કુથે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે પાર્ટીમાં પાછા જોડાયા હતા. રમેશ કુથે 1995 અને 1999માં શિવસેનાની ટિકિટ પર બે વાર વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ 2004ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ગોપાલદાસ અગ્રવાલ સામે હારી ગયા હતા.
2019માં રમેશ કુથે શિવસેનાને ‘જય મહારાષ્ટ્ર’ કરીને ભાજપમાં જોડાયા હતા. જો કે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ રાજ્ય ભાજપના નેતાઓથી નારાજ હતા. આ દરમિયાન તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેને પણ મળ્યા હતા. તે સમયે તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચા હતી, પરંતુ તેમણે શિવસેના (યુબીટી)માં પાછા ફરવાનું નક્કી કર્યું હતું. હવે શિવસેના (યુબીટી)માં ગોંદિયામાં ઘણી મજબૂતી આવી છે.
આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને આપી સૌથી મોટી રાહત, ચૂંટણી પંચે ભર્યું આ પગલું
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેના નિવેદનથી નારાજ થઈ ગયો અને તેથી જ તેમણે પાર્ટી સાથે છેડો ફાડ્યો હોવાનો દાવો કુથેએ કર્યો હતો. આ સમયે કુથેએ એવી ટીકા કરી હતી કે ભાજપે મને બેવકૂફ બનાવ્યો હતો.
ચંદ્રશેખર બાવનકુલે ફેબ્રુઆરી 2024માં નાગપુર આવ્યા હતા. તેમણે મને કહ્યું કે અમારી પાસે આવનારા લોકોની લાંબી લાઇન છે. 100 લોકો અમારી પાસે આવશે અને પાંચ લોકો જશે. અમને કોઈ વાંધો નથી. રમેશ કુથેએ કહ્યું હતું કે તે જ દિવસે મને ખબર પડી ગઈ હતી કે ભાજપે મૂર્ખ બનાવ્યા છે.