આમચી મુંબઈમહારાષ્ટ્ર

વર્ષા બંગલો ખાતે શિંદે-ફડણવીસ અને પવારની બેઠકમાં શું ખીચડી પાકી?

વરસાદની સ્થિતિ પર ચર્ચા કે બેઠકોની વહેંચણી પર?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગુરુવારે વરસાદે અક્ષરશ: હાહાકાર મચાવ્યો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. પુણેમાં ભારે પૂર જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પુણે દોડી ગયા હતા, પરંતુ મોડી રાત્રે તેઓ પાછા મુંબઈ આવ્યા હતા અને વર્ષા બંગલો પર બંને નાયબ મુખ્ય પ્રધાન અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચે દોઢ કલાક મિટીંગ ચાલી હોવાથી રાજ્યના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

સત્તાવાર રીતે આ બેઠક પૂરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હોવાનું કહેવાય છે, પરંતુ આ બેઠકમાં ચૂંટણીને લગતી તૈયારીઓ પર ચર્ચા થઈ હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવાર પુણેમાં સ્થિતિની સમીક્ષા કરીને અને અધિકારીઓને યોગ્ય આદેશ આપ્યા બાદ આજે રાત્રે મુંબઈ પરત ફર્યા હતા. રસપ્રદ વાત એ છે કે અજિત પવાર મુંબઈ પરત ફર્યા બાદ તરત જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા.

અજિત પવાર સૌથી પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેના ‘વર્ષા’ બંગલો પર ગયા હતા. થોડા સમય બાદ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ એકનાથ શિંદેના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’માં પ્રવેશ્યા હતા. ત્રણેય નેતાઓ વચ્ચે અલગ-અલગ મુદ્દાઓ પર લગભગ દોઢ કલાક સુધી ચર્ચા થઈ હોવાની માહિતી મળી રહી છે.

આ પણ વાંચો: આર્મીના ભૂતપૂર્વ સૈનિકોના ઉદ્ધાર માટે એકનાથ શિંદે સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે મુખ્ય પ્રધાન અને બંને નાયબ મુખ્યપ્રધાને રાજ્યમાં વરસાદની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. રાજ્યમાં ભારે વરસાદ થયો છે. તો પીડિતોને કેવી રીતે અને કેટલી મદદ કરવી? આ મુદ્દે બેઠક યોજાઈ હોવાની માહિતી મળી રહી છે.

વિશ્વસનીય સૂત્રોએ માહિતી આપી છે કે આ બેઠકમાં અન્ય કોઈ મુદ્દાઓ પર ચર્ચા થઈ નથી. સૂત્રો પાસેથી મળતી માહિતીના પરિણામો શુક્રવારે જોવા મળ્યા હતા. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પુણે શહેરના રસ્તાઓ પર પાણી અને કિચડ જમા થયો છે તેને તત્કાળ હટાવવા માટે યુદ્ધસ્તરે કામગીરી હાથ ધરવાનો આદેશ આપ્યો હતો.

જોકે, કેટલાક અંતરંગ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને બેઠકોની વહેંચણી કેવી રીતે થશે તેના પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દિલ્હીમાં અમિત શાહને મળવા માટે ગયા હતા અને કહેવાઈ રહ્યું છે કે ત્યાં તેમણે બેઠકોની વહેંચણી અંગેની કેટલીક સમસ્યાઓ રજૂ કરી હતી અને બેઠકોની વહેંચણીમાં અજિત પવાર જૂથને સન્માનજનક બેઠકો મળે એવો આગ્રહ રાખ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button