ઘડિયાળ અજિત પવારને જ મળશે: પ્રફુલ્લ પટેલ
અગાઉના ચૂંટણી પંચના નિર્ણયોનો આપ્યો હવાલો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કૉંગ્રેસ, શિવસેના, સમાજવાદી પાર્ટી હોય કે એનસીપીમાં આ પહેલાં પડેલું ભંગાણ કે પક્ષના ચિહ્નનો વિવાદ હોય, ચૂંટણી પંચે સંગઠનાત્મકની સાથે જ વિધિમંડળ પક્ષમાં રહેલા બહુમતનો આધાર લઈને નિર્ણય જાહેર કર્યો છે. આ આધારે જોવામાં આવે તો વિધાનમંડળ પક્ષમાં અજિત પવારના નેતૃત્વ હેઠળ પક્ષનું સંખ્યાબળ વધુ હોવાથી ખરી એનસીપી તરીકે અજિત પવારની પાર્ટીને જ માન્યતા આપવામાં આવશે અને ઘડિયાળનું ચિહ્ન અમારી પાર્ટીને મળશે એવો દાવો સિનિયર સંસદસભ્ય પ્રફુલ્લ પટેલે સોમવારે કર્યો હતો.
શરદ પવારની અધ્યક્ષતા હેઠળ થયેલી સંગઠનાત્મક નિમણૂંકો ગેરકાયદે હોવાનો દાવો કરતાં પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે કૉંગ્રેસમાં ભાગલા પડ્યા બાદ 1972માં સાદિક અલી વિરુદ્ધ ચૂંટણી પંચના વિવાદમાં ચૂંટણી પંચે સંગઠનાત્મક તેમ જ સંસદ અને વિધાનમંડળ પક્ષમાં રહેલી બહુમતીનો આધાર લીધો હતો. વિધિમંડળમાં સંખ્યાબળ વધુ હોવાથી ઈન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળના પક્ષને અધિકૃત માન્યતા આપતાં બળદની જોડીનું ચિહ્ન આપ્યું હતું. આ ચુકાદાને જ્યારે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો ત્યારે તેમણે પણ ચૂંટણી પંચના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો.
2003માં લોકસભાના માજી અધ્યક્ષ પી. એ. સંગમાએ એનસીપીના ઘડિયાળ ચિહ્ન પર દાવો કર્યો હતો અને ત્યારે પણ સંગઠનાત્મક અને વિધિમંડળમાં રહેલી બહુમતીને આધારે ચૂંટણી પંચે શરદ પવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. સમાજવાદી પક્ષના વિવાદમાં પણ આ જ આધાર લેવામાં આવ્યો હતો. શિવસેનામાં ભંગાણ પડ્યું ત્યારે પણ ચૂંટણી પંચે સંખ્યાબળને આધારે શિવસેનાનું નામ અને ચિહ્ન એકનાથ શિંદેના જૂથને આપ્યું હતું. આ જ આધારે મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ઝારખંડના મોટા ભાગના વિધાનસભ્યોએ અજિત પવારને ટેકો આપ્યો છે.
વિધાનસભાના 53માંથી 40 કરતાં વધુ વિધાનસભ્યોનો અજિત પવારને ટેકો છે. નાગાલેન્ડના સાતેય વિધાનસભ્યોનો અજિત પવારને ટેકો છે. ઝારખંડના વિધાનસભ્યો પણ અમારી સાથે છે. ચૂંટણી પંચના સાદિક અલીથી લઈને અત્યાર સુધીના વિવિધ આદેશ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં લેવામાં આવે તો એનસીપી નામ અને ઘડિયાળનું ચિહ્ન અજિત પવાર અધ્યક્ષ છે તે જ જૂથને મળશે.
નામ અને ચિહ્ન બાબતે 6 ઑક્ટોબરે ચૂંટણી પંચમાં સુનાવણી હાથ ધરવામાં આવવાની છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીઓ અમે લડવાના છીએ. ત્યાં સુધી નામ અને ચિહ્ન બાબતે ચૂંટણી પંચનો આદેશ લાગુ થઈ જશે, એવી આશા પ્રફુલ્લ પટેલે વ્યક્ત કરી હતી.
એનસીપીના અધ્યક્ષ તરીકે શરદ પવારની વરણી કરવામાં આવી હતી તેને ગેરકાયદે ગણાવતાં તેમણે કહ્યું હતું કે પક્ષના બંધારણ મુજબ કાર્યકારી સમિતિના 568 સભ્યોએ આ ચૂંટણી કરવાની હોય છે, પરંતુ સમિતિમાં 568 સભ્યો કોણ હતા તેની કોઈ જાણકારી જ ઉપલબ્ધ નથી. પક્ષમાં વિવાદ થયો ત્યારે જ આ બધી વસ્તુઓ સ્પષ્ટ થઈ હતી એમ પણ તેમણે કહ્યું હતું.