ભારત સામે બંગલાદેશની ટીમ 8 વિકેટે ફક્ત 80 રન બનાવી શકી
દામ્બુલા: મહિલાઓની ટી-20 એશિયા કપ ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે બંગલાદેશની ટીમને 20 ઓવરમાં આઠ વિકેટે ફક્ત 80 રન બનાવવા દીધા હતા.
બંગલાદેશની કૅપ્ટન-વિકેટકીપર નિગાર સુલતાનાએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ તેની બૅટર્સ પહેલી ઓવરથી જ વિકેટ ગુમાવવા લાગી હતી. 14 ઓવરમાં ફક્ત 44 રન બન્યા હતા અને બંગલાદેશની છ બૅટર પૅવિલિયન ભેગી થઈ ગઈ હતી. ત્યાર બાદ ખુદ સુકાની નિગાર સુલતાના (51 બૉલમાં 32 રન) 20મી ઓવરમાં 80 રનના કુલ સ્કોર પર આઉટ થઈ હતી અને પછી એ જ અંતિમ ઓવરમાં એ જ ટોટલ પર બંગલાદેશનો દાવ 8/80ના સ્કોર સાથે પૂરો થયો હતો.
ભારતની મુખ્ય પેસ બોલર રેણુકા સિંહે 10 રનમાં ત્રણ તથા લેફ્ટ-આર્મ સ્પિનર રાધા યાદવે 14 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.
પૂજા વસ્ત્રાકર તથા દીપ્તિ શર્માને એક-એક વિકેટ મળી હતી.
આ પણ વાંચો :મહિલાઓની એશિયા કપ સેમિ ફાઇનલમાં આજે ભારત ફેવરિટ
બંગલાદેશની માત્ર બે બૅટરના રન ડબલ-ડિજિટમાં હતા, છ બૅટરના રન સિંગલ-ડિજિટમાં હતા અને એક બૅટર ઝીરોમાં આઉટ થઈ હતી.
ડેન્જરસ ઓપનર મુરશીદા ખાતુન (4 રન)ની વિકેટ રેણુકા સિંહે લીધી હતી. શેફાલીએ ખાતુનનો તેમ જ રાબેયા ખાનનો કૅચ ઝીલ્યો હતો.
આજે બીજી સેમિ ફાઇનલ (સાંજે 7.00 વાગ્યાથી) પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે.