‘પાકિસ્તાનમાં ભારતીય ટીમને મોટો ખતરો’, હરભજનનો ચૅમ્પિયન્સ ટ્રોફીના મામલે બીસીસીઆઇને સપોર્ટ

નવી દિલ્હી: ફેબ્રુઆરી, 2025માં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાવાની છે અને ત્યાં ભારત પોતાની ટીમને કોઈ પણ ભોગે નથી મોકલવાનું એમ છતાં પાકિસ્તાન ખોટી આશા રાખીને બેઠું છે અને પોતાને ત્યાં જ આખી ટૂર્નામેન્ટ યોજાય એવા ઠાલા પ્રયાસો કરી રહ્યું છે. માત્ર ભારતીય ખેલાડીઓની જ નહીં, તમામ ટીમોની સુરક્ષા બાબતમાં ભારત સરકાર અને બીસીસીઆઇ ચિંતિત છે અને એ અભિગમને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે સપોર્ટ છે.
ભારતીય ટીમને પાકિસ્તાન ન મોકલવાના બીસીસીઆઇના નિર્ણય વિશે ભજ્જીએ કહ્યું છે, ‘ટીમ ઇન્ડિયા શું કામ પાકિસ્તાન જાય? ખેલાડીઓની સુરક્ષાથી વિશેષ બીજું કંઈ ન હોય. પાકિસ્તાનમાં વર્ષોથી કંઈકને કંઈક (આતંકવાદી હુમલા) બનતું જ રહેતું હોય છે. બીસીસીઆઇએ યોગ્ય નિર્ણય લીધો છે. હું સમર્થન આપું છું.’
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 2008માં ટેરર-અટૅક થયા પછી ભારતે ક્યારેય પોતાની ટીમને પાકિસ્તાન નથી મોકલી. એ તો ઠીક, 2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમ-બસ પર ટેરર-અટૅક થયો હતો જેમાં કેટલાક ખેલાડીઓને ગંભીર ઈજા થઈ હતી.
અમુક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત સરકાર અને બીસીસીઆઇ તો પ્લેયર્સને પાકિસ્તાન નથી જ મોકલવાના, પરંતુ ખુદ ભારતીય ખેલાડીઓએ પણ ત્યાં જવાની ના પાડી દીધી છે.
આ પણ વાંચો : પાકિસ્તાન માટે રમવામાં હવે મને કોઈ જ રસ નથી, એવું કહીને પીઢ ક્રિકેટરે જાહેર કર્યું રિટાયરમેન્ટ
જો ચૅમ્પિયન્સ ટ્રોફીને પાકિસ્તાનમાં જ રાખવાનું નક્કી કરાશે તો હાઇબ્રિડ મૉડેલ પર એ ટૂર્નામેન્ટ રમાશે જેમાં ભારતની મૅચો અન્ય કોઈ દેશમાં (શ્રીલંકામાં અથવા યુએઇમાં) રાખવામાં આવશે અને ભારત સામેનો મુકાબલો ગોઠવાશે તો પાકિસ્તાને પણ પોતાની ટીમને એ ત્રીજા દેશમાં રમવા મોકલવી પડશે.
પાકિસ્તાને તાજેતરના ટી-20 વર્લ્ડ કપ બાદ આઇસીસીને ચૅમ્પિયન્સ ટ્રોફી સંબંધમાં એક ડ્રાફ્ટ આપ્યો હતો, પરંતુ એ ડ્રાફ્ટ પર પાણી ફરી વળ્યું છે.
ભારત અત્યાર સુધીમાં બે વખત (2002માં અને 2013માં) ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. 2002માં ભારત અને શ્રીલંકાને સંયુક્ત વિજેતા ઘોષિત કરાયું હતું. સાઉથ આફ્રિકા 1998માં, ઑસ્ટ્રેલિયા 2006માં તથા 2009માં અને પાકિસ્તાન 2017માં આ સ્પર્ધા જીત્યું હતું.