ભાજપ અને AIADMK વચ્ચેનું ગઠબંધન કેમ તૂટી ગયું…
તમિલનાડુમાં ભાજપ અને અન્નાદ્રમુક(AIADMK)નું ગઠબંધન તૂટી ગયું છે. અન્નાદ્રમુકે બીજેપીની આગેવાની હેઠળના જોડાણથી અલગ થવાની જાહેરાત કરી દીધી છે. અન્નાદ્રમુક અને BJP 2019થી સાથે છે. અગાઉ આ બંનેએ 2019ની લોકસભાની ચૂંટણી અને પછી 2021ની વિધાનસભાની ચૂંટણી એકસાથે લડી હતી. જો કે ભાજપ અને અન્નાદ્રમુક ફેબ્રુઆરી 2022માં સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓ અલગ અલગ લડ્યા હતા.
અન્નાદ્રમુકની બેઠકમાં ભાજપ સાથે સંબંધો તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક પાર્ટીના વડા ઈકે પલાનીસ્વામીના નેતૃત્વમાં યોજાઈ હતી. પૂર્વ પ્રધાન અને અન્નાદ્રમુકના વરિષ્ઠ નેતા કેપી મનુસામીએ કહ્યું હતું કે એનડીએથી અલગ થવાનો પ્રસ્તાવ બેઠકમાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તે 2024ની લોકસભા ચૂંટણી સમાન વિચારધારાવાળા પક્ષો સાથે મળીને લડશે.
AIADMKમાં આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અન્નાદ્રમુક કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને આ નિર્ણયને આવકાર્યો હતો. સાથે જ પાર્ટી દ્વારા X પર આભાર, ફરીથા અહી આવતા નહી. જો કે આ નિર્ણય અંગે ભાજપ દ્વારા હજુ સુધી કંઈ સ્પષ્ટ કહેવામાં આવ્યું નથી. તમિલનાડુ ભાજપના ઉપાધ્યક્ષ નારાયણ તિરુપતિનું કહેવું છે કે રાષ્ટ્રીય નેતૃત્વ આ અંગે ટિપ્પણી કરશે. AIADMK દક્ષિણ ભારતમાં ભાજપનો એકમાત્ર સહયોગી હતો. તેથી આ ભાજપ માટે આ એક આંચકો જ ગણી શકાય. જો કે તમિલનાડુના બીજેપી અધ્યક્ષ અન્નામલાઈને બંને પક્ષો વચ્ચેના વિવાદનું મૂળ માનવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે દક્ષિણ ભારતમાં ભાજપ મજબૂત સ્થિતિમાં નથી. મોદી લહેર છતાં ભાજપ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ખાસ કંઈ કરી શકી ન હતી. ભાજપનું માનવું છે કે જો તેને તામિલનાડુમાં પગ જમાવવો હોય તો તેને યુવાનોને સાથે લાવવા પડશે. અન્નામલાઈ આમાં બંધબેસે છે. હાલમાં તેની ઉંમર 37 વર્ષની છે. અન્નામલાઈ વેલ્લાલા ગૌંડર જાતિમાંથી આવે છે. ચૂંટણીમાં આ જાતિનું વ્યૂહાત્મક મહત્વ છે. ભાજપનું ધ્યાન આ મતદારો પર છે. પલાનીસ્વામી પણ અન્નામલાઈ જેવા જ સમાજમાંથી આવે છે. અન્નામલાઈ દ્વારા ભાજપ પલાનીસ્વામીની વોટબેંકને તોડવા માંગે છે.