મહિલાઓની એશિયા કપ સેમિ ફાઇનલમાં આજે ભારત ફેવરિટ
બપોરે 2.00 વાગ્યાથી બંગલાદેશ સામે મુકાબલો, બીજી સેમિ પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે
દામ્બુલા: મહિલાઓના ટી-20 એશિયા કપમાં આજે પ્રથમ સેમિ ફાઇનલ (બપોરે 2.00 વાગ્યાથી) ભારત અને બંગલાદેશ વચ્ચે રમાશે.
2013થી 2024 સુધીના બંને દેશ વચ્ચેના ટી-20 ઇતિહાસમાં કુલ 22 મૅચ રમાઈ છે જેમાંથી ભારતે 19 જીતી છે. ફક્ત ત્રણ મુકાબલા બંગલાદેશ જીતી શક્યું છે.
બંગલાદેશની મહિલાઓ સામે ભારત છેલ્લા છ વર્ષમાં ટી-20માં ફક્ત એક જ મેચ હાર્યું છે. એક વર્ષ પહેલાં મીરપુરની મૅચમાં બૅટિંગ લાઇન-અપ ફ્લૉપ જવાને કારણે ભારતનો ચાર વિકેટે પરાજય થયો હતો. એ મૅચમાં ભારત માત્ર 102 રન બનાવી શક્યું હતું. જોકે આ વખતે ભારતની બેટિંગ ખૂબ મજબૂત છે. ઓપનર શેફાલી વર્મા, વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના, કેપ્ટન હરમનપ્રીત કૌર, વિકેટકીપર રિચા ઘોષ વગેરે બેટર્સ ખૂબ સારા ફોર્મમાં છે.
ભારત પાસે સ્પિન અને પેસમાં બહુ સારું સંતુલિત બોલિંગ-આક્રમણ પણ છે એટલે આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત જીતીને ફાઇનલમાં જવા માટે ફેવરિટ છે.
ભારતની સ્પિન ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા કુલ આઠ વિકેટ સાથે આ વખતની ટૂર્નામેન્ટમાં મોખરે છે.
નિગાર સુલતાના બંગલાદેશની કેપ્ટન છે અને ભારતીય બોલર્સે ખાસ કરીને ઓપનર મુરશીદા ખાતુનને અંકુશમાં રાખવી પડશે.
ઉલ્લેખનીય છે કે અગાઉના સાતેય એશિયા કપમાં ભારત ચેમ્પિયન બન્યું હતું.
આ વર્ષે ભારત 13માંથી 10 ટી-20 જીત્યું છે. ભારતે બંગલાદેશ સામેના પાંચ વિજય 5-0ની ક્લીન સ્વીપમાં મેળવ્યા હતા. બીજી બાજુ, બંગલાદેશ આ વર્ષે અગિયારમાંથી ફક્ત બે ટી-20 મુકાબલામાં વિજયી થયું છે.
આજે બીજી સેમિ ફાઇનલ સાંજે 7.00 વાગ્યાથી પાકિસ્તાન અને યજમાન શ્રીલંકા વચ્ચે રમાશે.
જો ભારત અને પાકિસ્તાન પોતપોતાની સેમિ ફાઇનલ જીતશે તો રવિવારે ફરી બંને કટ્ટર દેશની ટીમ વચ્ચે જંગ થશે.
Also Read –