મેટિની

ધાર્યું મેળવવું હોય તો અણધાર્યું કરવું પડે…

હું મનમાં સુજાતાનું પાત્ર નાટકમાં સેટ કરતો રહ્યો. નલીન દવે શરીરમાં મારાં જેવા ‘લોઠકા’. એની સામે આ સુજાતા દેખાશે કે નહિ એવા કીડા મનમાં સળવળવા લાગ્યા. હવે કોઈ પણ હિસાબે નાટકની રજૂઆતને મારે જીતી લેવી હતી. ખોટાં વિચારોનો કોઈ ફાયદો પણ નહોતો.

અરવિંદ વેકરિયા

ખરું કહું છું, સુજાતા રૂપે અમને કોલગર્લ પાત્રની કલાકાર ભલે મળી ગઈ, પણ એનાં દેખાવથી હું ખુશ ન હોતો. પાત્ર ભલે એક સીન પૂરતું જ હતું પણ એની સ્ટેજ પ્રેસન્સ જેવી અપીલિંગ હોવી જોઈએ એવી નહોતી. વાર્તા જ નાટકની એવી હતી કે એક ભાગીદારની ઉશ્કેરણીથી ઘરનો માલિક પત્નીની ગેરહાજરીમાં કોલગર્લને ઘરે બોલાવવાની હામી ભણે છે અને એ ભાગીદારના મોઢે અવની’ (કોલગર્લ-પાત્રનું નામ) માટે જે વિશેષણો આપી ‘સુમતીલાલ’ને (ઘર માલિક-પાત્રનું નામ) જે રીતે ઉશ્કેરે છે, એમાંની આ પાવલી’ પણ નહોતી, પણ શું કરીએ? ધાર્યું મેળવવું હોય તો અણધાર્યું કરવું પડે એમ નહોતા મળતાં પાત્ર માટે જે આવે એને વધાવી લીધું. હજુ પાત્રની શોધ માટે થોડો સમય ‘ખેંચી’ લેત પણ પછી નાટક ‘લાંબું ખેંચાય’ જાય એમ હતું. એ સાંજે હું ભટ્ટ સાહેબે આપેલ ટ્રાવેલ ઓફિસનાં સરનામે પહોંચી ગયો. પૈસા આપી બુક થયેલ બે ટિકિટ લઈ લીધી. સાંજે ૭ વાગ્યાની બસ હતી. સુજાતા ૬.૩૦ વાગે આવી ગઈ. બહુ મોટી ડીંગ મારી હોય એમ મને કહે, ‘હું બિયર પીને આવી છું તો વાંધો નથી ને?’ એના તમાકુના માવાથી ભરેલા મુખમાંથી પહેલું વાક્ય આ નીકળ્યું.

મેં કહ્યું. ‘મને કોઈ વાંધો નથી’. મનમાં થયું કે રિયલ કોલગર્લને હોય એવી આદત સુજાતાને ભલે હોય, પણ ભગવાને મને આ પાત્ર થોડું રૂપાળું આપ્યું હોત તો? પણ ઉપરવાળાની બનાવટ માટે કઈ બોલી ન શકાય. મારે ખુલાસો કરવો હતો, પણ પછી થયું કે માંડમાંડ મળેલું પાત્ર પાછું છટકી જશે તો? ખુલાસો એ વ્યક્તિને જ અપાય જેની શ્રવણશક્તિ અને સમજશક્તિ બંને મજબૂત હોય. સુજાતામાં આ બંને હશે તોપણ હું ‘ચાન્સ’ લેવા નહોતો માગતો. થોડીવારમાં બસ આવી ગઈ. અમે બંને ગોઠવાયા. એક માત્ર છોકરી સાથે મારા એકલાની આવી મારી પહેલી સફર હતી.

હું મનમાં સુજાતાનું પાત્ર નાટકમાં સેટ કરતો રહ્યો. નલીન
દવે શરીરમાં મારાં જેવા ‘લોઠકા’. એની સામે આ સુજાતા
દેખાશે કે નહિ એવા કીડા મનમાં સળવળવા લાગ્યા. હવે કોઈ પણ હિસાબે નાટકની રજૂઆતને મારે જીતી લેવી હતી. ખોટાં વિચારોનો કોઈ ફાયદો પણ નહોતો. અમુક શંકાના નિવારણ ક્યારેય ન શોધવા, શક્ય હતું કે વહેમ કરતાં વાસ્તવિકતા વધુ પીડાદાયક નીકળવાની હતી. બધું હરિના હવાલે ધરી દીધું.

થોડીવારમાં બોરીવલી આવ્યું. સુજાતા મને કહે, ‘સોરી દાદુ, મારે જરા વોશરૂમ જવું પડશે, તમે જરા સાથે આવશો?’ હું હલબલી ગયો. ‘હા સિવાય શું કહું? બોરીવલી આવતા મેં ક્લિનરને રિક્વેસ્ટ કરી વાત જણાવી. એ મને કહે જલ્દી આવી જજો નહીતો પછી બાકીના પેસેન્જરો અકળાય ઉઠશે’ આગળ એક ભેંસનો તબેલો હતો. ત્યાં થોડો ઢોળાવ હતો. આવો પ્રસંગ પહેલીવાર હતો. હું ઢોળાવ પર ઊભો રહ્યો. મેં કહ્યું, હું અહીં ઊભો છું’. મને એ કહે, ‘ઠીક છે દાદુ..આ બિયરને લીધે..’ વાક્ય અધૂરું છોડી એ ઢોળાવ ઊતરી ગઈ. હું ઊંધો ફરીને ઊભો રહ્યો. થોડીવારમાં એ આવી પણ દોડતી આવી. પાછળ કોઈ પુરુષનો અવાજ સંભાળતો હતો.. ઇધર ઐસા? અરે તુમ પઢે લિખે લોગ, સમજ ક્યા રખ્ખા હૈ? ’ અમેં ભાગ્યા કદાચ એ તબેલાનો રખેવાળ હશે. બસ પાસે પહોંચ્યા.

આ ગયે..બહોત ટાઈમ લગા દિયા. ચલો બૈઠો જલ્દી. આ તો ક્લિનર બોલ્યો પણ સાથે
પેસેન્જરોમાં પણ નાનો ગણગણાટ ચાલ્યો. અમે બેઠાં. એ તો તરત નસકોરાં બોલાવવા માંડી, કદાચ બિયરનો નશો ચડ્યો હશે. હું આખી રાત જાગતો રહ્યો.જાતને કોસતો રહ્યો.

સવારે આઠ-સાડાઆઠ વચ્ચે પાલડી પહોંચ્યા. હવે હોટલનો ખર્ચ પણ બે રૂમ માટે કરવાનો હતો. બે રૂમ લઇ, હું મારા રૂમમાં સુતો. મેં ૧૨ વાગે એને લંચ માટે તૈયાર રહેવાનું કહ્યું. રીડિંગ અને રોલ અંગે મેં સૂચનો પણ આપી દીધા. હું સૂતો તો ખરો પણ વિચારોને કારણે નીંદર વેરણ બની ગયેલી. મેં પથારી છોડી અને નિત્યક્રમ પતાવી ફ્રેશ થઈ ગયો. ચા-નાસ્તો કરી અભયભાઈને ફોન કર્યો. ‘મને કહે, તું સુજાતાને તૈયાર કરી લે’ અને રિહર્સલ સાંજે ચાર વાગ્યાના રાખું છું. રાત્રે ૧૦ વાગે ગુજરાત મેલમાં તું નીકળી જજે. ૧૨ થી ૩.૩૦ સુધીમાં એને બધા ડાયલોગ્સ મોઢે કરાવી લીધા. રૂમ મોટો હતો એટલે મુવમેન્ટ પણ થોડી બતાવી દીધી. અમુક સંવાદોના વાક્યનો અર્થ આવી જતો હતો એટલે ,મેં એ બાબત કોઈ વિવાદ ન કર્યો. હું જાણું છું કે વિવાદથી માત્ર નક્કી થતું હોય છે કે સાચું કોણ છે, પણ શાંતિથી વાતચીત કરો ત્યારે નક્કી થતું હોય છે કે સાચું શું છે?. મેં બીજો રસ્તો અપનાવ્યો. સંવાદ મોઢે કરવામાં સુજાતાને વધુ વખત ન લાગ્યો. લગભગ ત્રણેક વાગે અભય શાહ આવ્યા. સુજાતા સાથે એમની ઓળખ કરાવી. મને ખૂણામાં લઇ જઈ અભયભાઈ મને કહે, ‘બીજું કોઈ ન મળ્યું?’ મેં કહ્યું, આપણી રઝળપાટનાં તમે સાક્ષી છો. ભટ્ટ સાહેબે સાચું જ કહ્યું હતું કે નાના પાત્રને ગૌણ ન સમજો. બધા પાત્રો નક્કી થાય પછી જ રિહર્સલનાં શ્રી-ગણેશ કરો. કઈ પ્રાપ્ત કરવું હોય તો સમયસર મેળવો, જીંદગી આપણને મોકા ઓછા આપે છે પણ અફસોસ વધુ આપે છે. હવે અફસોસ કરવા જેવું નથી જે મળ્યું છે એ સ્વીકારી લો, સાચું કહું તો હું આમ પણ થાકી ગયો છું. કંઈ વાંધો નહિ. ‘હવે ૪ વાગ્યાથી મંડી પડીએ પછી તું નીકળ.. આવતા અઠવાડિયે તો આ નાટક રાજકોટમા રિલીઝ કરી જ દેશું.’

‘મેં કહ્યું, હા, પણ થોડું લંબાવીએ તો?’ નહિ દાદુ, બે દિવસ લેડીઝ ક્લબમા ઓરકેસ્ટ્રાનાં પ્રોગ્રામ છે એટલે મંડપ અને સ્ટેજ બાંધેલા હશે. ફરી વિલંબ કરીશું તો મંડપ-સ્ટેજ બાંધવાનો ખર્ચ એક શો માટે મોંઘું પડશે’ અમદાવાદી અભય શાહે મને સૂચન કર્યું.

અમે ચાર વાગે રિહર્સલમાં પહોંચી ગયા. સુજાતાને જોઈ
માત્ર પાત્ર મળી ગયું એની ખુશી હતી બાકી વાહ-વાહ’ જેવું
કશું રી- એક્શન બાકીના કલાકારો તરફથી ન આવ્યું.

માત્ર નલીન દવે અને સુજાતાનો સીન બે-ત્રણ વખત સેટ કરી મેં મહેશ વૈદ્યને બધું સંભાળવાનું કહી દીધું . જી.આર. પણ
સાંભળી લેજો. હું સીધો રાજકોટના શો માં મળીશ. સુજાતા
અને બધા કલાકારો મને પગે લાગ્યા (એક શિરસ્તો). મેં
બધાને હેતથી કહ્યું. ‘ઓલ ધી બેસ્ટ’ કહ્યું તો ખરું બાકી મારું મન જાણતું હતું…


મને ન શોધજો હું ક્યાંય નથી, અને જુઓ તો તમારી જ આસપાસ છું.


સ્ત્રી અને ઈસ્ત્રી ગરમ થાય એટલે ગમે તેવી કરચલીને સીધી કરી નાખે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button