હિંદી ફિલ્મ-ગીતોનું નોબેલ પ્રાઇઝ કોને મળી શકે?
ડ્રેસ-સર્કલ -સંજય છેલ
થોડાં વર્ષ અગાઉ પોપ સોંગ્ઝ માટે બોબ ડિલનને સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે જગભરમાં ઊહાપોહ થયો કે બોબને સાહિત્ય માટે ઇનામ મળવું જોઇએ કે ગીત-સંગીત માટે?
હવે ધારી લો કે જો હિંદી ફિલ્મોનાં ગીતો માટે નોબેલ પ્રાઇઝ આપવાનું હોય તો કોને મળે?
આમ તો શૈલેંદ્ર, સાહિર, મજરૂહ, શકીલ, પ્રદીપજી, ઇંદીવર, નીરજ, આનંદ બક્ષી, ગુલઝાર, જાવેદ.. બધાંએ હિંદી ફિલ્મોની ટિપિકલ કથા-પટકથા પર અમૃત છાંટ્યું હોય એવાં ગીતો આપ્યાં છે. સાહિરનાં પ્રેમગીતો કે આક્રોશવાળા ગીતો, મજરૂહની સંવેદનશીલ ગઝલો કે તળપદાં ગીતો, નીરજ- ઇંદિવરનાં શુદ્ધ હિંદી ગીતો, રાજેન્દ્ર ક્રિષ્ણ કે આનંદ બક્ષીની મદમસ્ત રચનાઓ કોના કોના નામ લઇએ? ફિલ્મ સંગીતના વિશાળ સમુદ્રના એ સૌ અલગ અલગ કિનારાઓ છે, પણ એક ગીતકાર છે, જેણે ફિલ્મી ગીતોમાં શૃંગાર, દર્દ, આક્રોશ, મસ્તી, લોકસાહિત્ય અને સામાજિક ચેતના વગેરે બધું જ લખ્યું છે.
કોણ છે એ?
૧૯૬૬માં બાંદ્રાના એક બંગલા પાસે દેવ આનંદ-વિજય આનંદ-સચિનદેવ બર્મન પહોંચે છે ત્યાં રહેતાં ગીતકારને આગામી ફિલ્મ ‘જ્વેલથીફ’ માટે ગીતો લખવા સમજાવે છે, પણ ગીતકાર દારૂના નશામાં વત્તા ડિપ્રેશનમાં ગળાડૂબ છે. ત્રણેય એને બહુ સમજાવે છે, પણ ગીતકાર ના જ પાડે છે. આવું બે-ત્રણ દિવસ ચાલે છે. પછી ફિલ્મવાળાઓને મળવાથી જ એ મના કરી દે છે, ઊલ્ટાનું પોતાનાં સૌથી મોટા હરીફ એવાં ગીતકાર મજરૂહ સુલ્તાનપુરીને ફોન કરીને કહે છે:
‘યાર મજરૂહ, તું દેવ-વિજય આનંદની ફિલ્મમાં ગીતો લખી આપ જેથી મારો પીછે છોડે!’ ત્યારે મજરૂહ એને કહે છે: તું પહેલું ગીત લખી લે.. પછી જો તારું મન ના માને તો બીજાં ગીતો હું લખીશ.’ ગીતકાર માની જાય છે, નિર્દેશક વિજય આનંદ એને સમજાવે કે અડધી રાતે એક નિર્જન તળાવમાં હિરોઇન નાવ ચલાવી રહી છે. એને જીવવામાં રસ નથી.. મૃત્યુનાં વિચારો આવે છે. ત્યારે ગીતકારે હસીને કહે છે : અરે, આ તો મારાં જીવનની, મારી પોતાની, હાલની સ્થિતિ છે’અને તરત ગીતની પહેલી પંક્તિ લખી: ‘રૂલા કે ગયા સપના મેરા.. બૈઠી હું કબ હો સવેરા’ ને ગીતકારનું એ છેલ્લું ગીત બની ગયું. એ ગીત રેકોર્ડ થયાં પછી ગીતકારનું અવસાન થઈ ગયું. જાણે પોતાનાં જ મૃત્યુને કવિએ આમંત્રણપત્રિકા લખેલી. એ ગીતકાર એટલે હિંદી સિનેમાનો સર્વશ્રેષ્ઠ ગીતકાર ‘શૈલેન્દ્ર’.
ફિલ્મ- ગીતોને સાહિત્યનો દરજજો આપનાર શૈલેન્દ્ર એક આમ આદમીનો ગીતકાર હતા. રાજકપૂર, બિમલ રોય, વિજય આનંદ, જેવા અનેક ચુનંદા ફિલ્મકારોની ફિલ્મો શૈલેન્દ્રનાં ગીતો વિના કલ્પવી એટલે રંગ વિના રંગોળી જેથી અસંભવ વાત છે. અતિશય સમાજવાદી પ્રગતિશીલ વિચારોવાળા શૈલેંદ્ર, સત્તાવાળાઓની ખિલાફ પણ લખી શકે. જનતાની તાકાત દેખાડવા ‘મેરા જૂતા હૈ જાપાની. ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની ’ ગીતમાં કહે છે: ‘હોંગે રાજે રાકુંવર હમ બિગડે દિલ શહઝાદે, હમ સિંઘાસન પે જા બૈઠે જબ જબ કિયે ઇરાદે’
સ્વ. જયલલિતા જેવી તામિલ રાજકારણીનું ય ફેવરિટ સોંગ શેલેંન્દ્રનું જ હતું: ‘આજા સનમ મધુર ચાંદની મે હમ’ શૈલેંદ્રએ તો સરળ બાનીમાં કેવાં કેવાં ગીતો લખ્યા: ‘દિલ કા હાલ સુને દિલવાલા’, જિસ દેસમેં ગંગા બહેતી હૈ, ’ કાંટો સે ખીંચકે યે આંચલ-તેરે મેરે સપને અબ એક રંગ હૈ..’ જેવાં અસંખ્ય ગીતો અને ભાવુક શૈલેન્દ્રનું મૌત પણ એક કલાકારનું, એક ગીતકારનું, એક કવિનું મૌત હતું. એ ક્યું સપનું હતું જે શૈલેન્દ્રને રડાવી ગયેલું? એ ક્યું દર્દ હતું જેને કારણે શૈલેન્દ્રએ ધીમે ધીમે આત્મહત્યા કરવા તરફ દારૂનો સહારો લેવો પડયો? થયું એમ કે ગીતકાર શૈલેન્દ્રે ફિલ્મ પ્રોડયુસ કરવાનું સપનું જોયેલું. હિંદીનાં વાર્તાકાર ફણીશ્ર્વરનાથ રેણુની એક વાર્તા પરથી ‘તીસરી કસમ’ ફિલ્મ બનાવવાનું સપનું જોયેલું. જે રાજકપૂર માટે શૈલેંદ્રે અનેક સુપરહીટ ગીતો લખેલાં એને હીરો લઈને ગંભીર વિષયની ‘તીસરી કસમ’ બનાવવાનું સપનું શૈલેન્દ્ર માટે સ્યુસાઈડનો સામાન બની ગયો. એક બળદગાડીવાળા ગામડિયા અને નૌટંકીની નાચનારી વચ્ચેની આ અસાધારણ ઈમોશન પ્રેમકહાણી હતી. ‘સજન રે ઝૂઠ મત બોલો ખુદા કે પાસ જાના હૈ’ , દુનિયા બનાનેવાલે કાહે કો દુનિયા બનાઈ’ ‘સજનવા બૈરી હો ગયે હમાર..’ પાન ખાયે સૈંયા હમારો જેવા શંકર જયકિશનનાં સંગીત રચાયેલાં બેનમૂન ગીતો હતાં. શંકર-જયકિશન માટે ૨૦૦થી બધુ ગીતો શૈલેન્દ્રએ લખેલાં અને એ કોમ્બિનેશનથી ‘તીસરી કસમ ’ ને શ્રેષ્ઠ સંગીત મળેલું. રાજકપૂર જેવો હીરો, વહિદા રહેમાન જેવી હિરોઈન, સુપરહીટ સંગીત.. તો પછી શૈલેન્દ્રે ડિપ્રેશનમાં શરાબની શરણે જઈને લગભગ આત્મહત્યા કરવાની શી જરૂર પડી?
ગીતકાર શૈલેન્દ્રની મૌતનું કારણ સીધું ને સરળ છે: કવિ-કલાકાર, જયારે નિર્માતા બને છે ત્યારે પણ અંદરનો કલાકાર એને એક ખંધા નિર્માતા બનવાની રજા નથી આપતો. શૈલેન્દ્ર સાથે પણ એમ જ થયું. ગીતકારને ફિલ્મ નિર્માણનું ગણિતના આવડયું. છંદમાં લખનાર સ્વચ્છંદ બનીને શ્રેષ્ઠ ફિલ્મ બનાવવા મથવા માંડયા. નવા નિર્દેશક બાસુ ભટ્ટાચાર્ય ને ચાન્સ આપ્યો, જે બિમલરોયના આસિસ્ટંટ હતા અને બિમલ રોય માટે શૈલેન્દ્રએ અનેક ગીતો લખેલાં. નવા દિગ્દર્શને કામ આવડે નહીં, રાજકપૂર એમાં માથું મારે! શૂટિંગ લંબાયા કરે. વળી કલાત્મક ફિલ્મ બનાવવા માટે ગામડાં ગામ જઈને રિયલ લોકેશન પર ફિલ્માંકન કરવાનો શૈલેન્દ્રનો દુરગ્રહ. આખી ટીમને લઈને બિહાર સુધી શૂટીંગ કરવા જાય. સત્યજિત રે નો કેમરામેન લીધેલો! ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટ બનાવેલી અને રિલીઝ થઇ ત્યાં સુધી કલરનો જમાનો આવી ગયેલો..ઉપરાંત શૈલેન્દ્રનાં ઘરનાં જ સગાવ્હાલાંઓ પ્રોડકશનની ટીમમાં. શૈલેન્દ્રને હૈયાથી વિચારતાં આવડે પણ હિસાબ નહીં.. પૈસાની ઉચાપત થવા માંડી. રાજકપૂર ત્યારે ‘સંગમ’ ફિલ્મ બનાવતા હતા , જે એમની પહેલી કલર ફિલ્મ હતી.. ‘સંગમ’ પહેલાં પૂરી કરવા રાજકપૂરે ‘તીસરી કસમ’ ને પાછળ ઠેલવા માંડી શૈલેન્દ્ર પર કરજો વધવા માંડયો. કદાચ એ જ અવસ્થામાં શૈલેન્દ્રએ લખ્યું હશે:
દોસ્ત દોસ્ત ના રહા!!’
એક અંગત વાત-આ જ ‘તીસરી કસમ’ના રિમેકનાં રાઈટ્રસ લેવા હું શૈલેન્દ્રનાં દીકરા દિનેશ ઉર્ફ બબલુ શૈલેન્દ્રને મળ્યો ત્યારે જાણવા મળેલી. ગીતકાર શૈલેન્દ્રનાં જીવન-કવનના ખજાના વિશે , ફલોપ જવા વિશે અનેક વાતો છે.. શૈલેન્દ્ર એક ગરીબ ઘરમાંથી નીકળીને બોલીવૂડ પર કઈ રીતે છવાઈ ગયાં એનાં અનેક કિસ્સાઓ છે પણ એક વાત યાદ આવે છે. શૈલેન્દ્ર ને ‘અનાડી’ ફિલ્મ માટે
ફિલ્મફેર એવાર્ડ મળેલો, એ ગીત હતું: ‘સબ કુછ સીખા હમને ના સીખી હોંશિયારી, સચ હૈ દુનિયાવાલોં કી હમ હૈ અનાડી’ એમાં એક સુંદર લાઈન છે ‘દિલ પે મરનેવાલે મરેંગે ભિખારી ’ અસંખ્ય અમર ગીતો લખનાર શૈલેન્દ્ર, કરજો મૂકીને ભિખારી હાલમાં જતા રહ્યા એ શૈલેન્દ્ર પાછળ મૂકતા ગયા કમાલનાં ગીતો , જેને કારણે જ એમને હિંદી સિનેમાનો ‘મહાકવિ’ કહી શકાય છે. આમ હિંદી ફિલ્મ- ગીતો માટેનું કાલ્પનિક નોબેલ પ્રાઇઝના ખરા હક્કદાર તો શૈલેન્દ્ર જ છે.
જસ્ટ, યાદ અપાવું એ કે ૩૦ ઓગસ્ટના શૈલેન્દ્રની પુણ્યતિથિ છે.