માત્ર રાજકુમાર જ નહીં, બૉલીવૂડમાં તમને અનેક ધૂની કલાકારો જોવા મળશે
વિશેષ -ડી. જે. નંદન
બૉલીવૂડના ધૂની કે અમુક હદે પાગલપંતી ધરાવતા કલાકારોની ચર્ચા થાય તો એક નામ તો દરેક દર્શકોના હોઠ પર અચૂક આવે. રાજકુમાર ઉર્ફે જાની. ન જાણે કેટલાય કિસ્સા એમના નામે પ્રખ્યાત હશે. કહેવાય છે કે પ્રકાશ મહેરા એમને લઇને જ ઝંઝીર ફિલ્મ બનાવવા માગતા હતા. એક દિવસ તેઓ રાજકુમાર પાસે ગયા અને ઝંઝીર ફિલ્મની વાર્તા સંભળાવી. ઘણો લાંબો સમય તેઓ ચુપચાપ બેસી રહ્યા અને વાર્તા સાંભળતા રહ્યા. પ્રકાશ મહેરાને તો ખાતરી થઇ ગઇ કે આ સ્ક્રિપ્ટથી રાજકુમાર રોમાંચિત થઇ ઊઠ્યા છે અને કોઇ પણ હિસાબે આ ફિલ્મમાં કામ કરશે. પરંતુ થોડી ક્ષણો ચૂપ રહ્યા બાદ પોતાની આગવી અદામાં અંગડાઇ લેતા રાજકુમારે કહ્યું કે હમ (એ મૈં તો ક્યારે બોલતા જ નહીં) યહ ફિલ્મ નહીં કરેંગે ક્યૂંકી તુમ્હારે સિર સે બિજનૌરી ચમેલી કે તેલ કી મહક આ રહી હૈ.
આ એક જ નહીં, આવા તો અનેક કિસ્સાઓ છે. કોઇ કહેતા કે આ એમની હિપ્પોક્રેસી છે. દંભ છે. કોઇ વળી એમ કહેતા કે તેમના આ તેમના મગજનો કોઇ સ્ક્રૂ ઢીલો હોવાની સાબિતી છે. કેટલાક વળી એવુ માનતા કે તેમના સમૂળગા વ્યક્તિત્વમાં ગુસ્સો દાબી દાબીને ભર્યો છે. તેઓ તેમની નાપસંદગી વ્યક્ત કરવામાં કોઇ પણ હદ વટાવી જાય છે. તેમના એક થી ચઢિયાતા એક ચકિત કરી દેનાર સંવાદો ભલે અલગ અલગ ફિલ્મોના અલગ અલગ લેખકોની કલમો દ્વારા લખાયા હોય પણ એક કહાણી એવી પણ છે કે મોટા ભાગના ડાયલૉગ્સના લેખક રાજકુમાર પોતે હતા. આ વાત સાચી પણ લાગે છે કારણ કે તેમના ડાયલૉગ્સ લગભગ લગભગ એક જેવા જ છે. ભલે વિષય અલગ અલગ હોય પણ તેની પ્રસ્તુતિ અને બોલવાનો અંદાજ એક જેવો જ છે.
રાજકુમાર માત્ર બોલવામાં જ નહીં, પરંતુ પોતાના હાવભાવ,ચાલઢાલ કે દેખાવ બાબતે પણ ઘણી વાર ધમાકા કરી દેતા હતા. કદાચ આ જ તેમના વ્યક્તિત્વની એક બાજુ હતી જે દર્શકોને તેમના તરફ ખેંચતી રહેતી હતી. એ કારણે જ તેમની ફ્લોપ ફિલ્મોના સંવાદો પણ દર્શકોની જીભ પર રહેતા હતા. રાજકુમારની ખાસિયત એ હતી કે એમને એમની મર્યાદા ખબર હતી. એ ચાહીને પણ તેમના સમકાલીન અભિનેતાઓ ધર્મેન્દ્ર કે રાજેશ ખન્ના જેવો લુક કે વ્યક્તિત્વથી લોકોને પ્રભાવિત કરી શકે એમ ન હોતા. અમિતાભ બચ્ચનની પર્સનાલિટી માટે પણ લોકોને દિવાનગી હતી. રાજકુમારને આ બાબતોનો ખ્યાલ હતો જ એટલે ે તેમની ફિલ્મોમાં એવા સનકી અભિનેતાના રૂપમાં પોતાને રજૂ કરતા કે દર્શકો તેમને સાંભળીને કે તેમની અદાઓ જોઇને પ્રભાવિત થયા વિના રહે નહીં. વાસ્તવમાં આ પણ એક કળા હતી દર્શકોને પોતાની તરફ ખેંચવાની અને તેમાં તેઓ નિપૂણ હતાં.
પ્રકાશ મહેરા જેવો રાજકુમારનો અનુભવ પ્રખ્યાત નિર્માતા દિગ્દર્શક રામાનંદ સાગરને પણ થયો હતો. તેમની જે ફિલ્મ ‘આંખે’ દ્વારા ધર્મેન્દ્ર સુપર હીરો બનીને સામે આવ્યા એ ફિલ્મ માટે રામાનંદ સાગર પહેલાં રાજકુમાર પાસે ગયા હતા. રાજકમારે તેમની સ્ક્રિપ્ટ સાંભળ્યા બાદ પોતાના કૂતરા તરફ જોતાં પૂછ્યું કે શું તું આ ફિલ્મમાં કામ કરી શકે? કૂતરાએ નકારમાં માથું ધૂણાવ્યું. રાજકમારે પોતાની સનકી અદાઓમાં કહ્યું કે જાની (જે એમનો તકિયા કલામ હતો.) હમ તો ક્યા હમારા કુત્તા ભી કામ કરને કો રાજી નહીં.
જોકે, માત્ર રાજકુમાર જ એકલા આવા ધૂની કે સનકી નહીં, બીજા ઘણા કલાકારો ને વાર તહેવારે આવી સનક ઉપડી છે. ધર્મેન્દ્રની જ વાત કરીએ તો પંજાબથી એક પ્રોડ્યૂસર આવ્યો હતો જે ધર્મેન્દ્રને કોઇ પણ કિંમતે પોતાની ફિલ્મમાં લેવા તૈયાર હતો. કેટલાક દિવસથી એ ધર્મેન્દ્રના ઘરે જ રહેતો હતો. બેઉ પંજાબી હોવાને કારણે તેમની વચ્ચે સારો તાલમેલ સધાઇ ગયો હતો. સાથે બેસીને ખૂબ શરાબ પીતા અને કેરમ -શતરંજ જેવી રમતો પણ રમતાં. એક વાર મોડી સાંજે તેઓ બન્નેે કેરમ રમતા હતા. અચાનક પ્રોડ્યુસર મહોદય તેમની નાકમાં આંગળી નાખી સાફ કરવા લાગ્યા. ધર્મેન્દ્રને આ ચેષ્ટા ખટકી. એ જ વખતે તેમણે ગુસ્સામાં આવી જઇ પ્રોડ્યુસરને ઘરની બહાર ચાલ્યા જવાનું કહ્યું. પ્રોડ્યુસર તો ડઘાઇ ગયા. આખરે તેમણે ધર્મેન્દ્રને ગુસ્સે થવાનું કારણ પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે આંગળીથી નાક સાફ કરનારને અમે એ જ આંગળીથી કેરમની કૂકડીઓ મારવા નથી દેતા.
સલમાનખાન પણ પોતાની રીતે સનકી તો ખરા જ. અર્જિતસિંહે કોઇ ઇન્ટરવ્યૂમાં કહી દીધું કે તેમના ગીતો પર અભિનય કરીને સલમાન ખૂબ લોકપ્રિય થઇ ગયા છે. સલમાન તો આ સાંભળી ગુસ્સે થયા માનો કે તેમની કામિયાબી પાછળ અર્જિતસિંહના ગાયનોનો કોઇ રોલ છે. ત્યાર બાદ સલમાને પોતાની એક ફિલ્મમાંથી અર્જિતસિંહને કાઢી નંખાવ્યો અને એવું માનવામાં આવે છે કે કેટલાય વર્ષો સુધી અર્જિતસિંહને ઇન્ડસ્ટ્રીમાં કોઇ ફિલ્મ ન મળી. આમીરખાન પર પણ વળી અજબ જાતની ધૂન સવાર હતી જેને લઇને એ એક લાંબા અરસા સુધી કોઇ પણ ફિલ્મી સમારોહમાં ન ગયા. અક્ષયકુમાર વિશે તો એવું કહેવાય છે કે તેઓ રાતના સમયે કોઇ પણ કાર્યક્રમમાં જતા નથી. સાંજે ૬ થી ૭ની વચ્ચે પોતાનું ડિનર લઇ લે છે. વહેલા સૂઇ જાય છે. કોઇ કાંઇ કહે તો મોંફાટ અંદાજમાં જવાબ આપી દે છે. જોકે, એક વાત તો નક્કી જ છે કે બૉલીવૂડમાં હવે એવા ધૂની કલાકારોની સંખ્યા ઘણી જ ઓછી વર્તાય છે જેવી ક્યારેક રાજકુમાર ઉર્ફે જાનીની વર્તાતી હતી. છેલ્લે એક દિગ્દર્શકની ધૂનની વાત કરીએ તો અનુરાગ કશ્યપનું નામ યાદ આવે. તેમની જે રચનાત્મકતા છે તેમાં તેમનો એક ધૂની સ્વભાવ દેખાઇ આવે છે. તેમને નોર્મલ સ્ટોરી કે અભિનેતાપસંદ નથી આવતા. તેમને ઉબડખાબડ અભિનેતા અને ધકધકતી પોતાની જ ભાષાની વાર્તાઓ પસંદ આવે છે.
કહેવાનું તાત્પર્ય એ જ કે આ માયાનગરીમાં કેટલાક બંદા સફળતા મેળવીને ધૂની બની જાય છે. કોઇની પણ પરવા કર્યા વિના પોતાના અનોખા અંદાજમાં બીજા સાથે વર્તન કરે છે.