Budget Session: ‘ખુરશી બચાવો’ આરોપો મુદ્દે નાણા પ્રધાને આપ્યો વિપક્ષોને જવાબ
![FIR registered against Union Finance Minister Nirmala Sitharaman, Congress demands resignation](/wp-content/uploads/2024/07/Yogesh-2024-07-10T104159.035.jpg)
નવી દિલ્હી: હાલ મોદી 3.0 સરકારના બજેટને લઈને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. તેના માટેનું એક કારણ છે વિપક્ષ દ્વારા આ બજેટનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો છે અને બીજું કારણ છે કે નાણાં મંત્રી નિર્મલા સિતારમણ દ્વારા સાતમી વખત આ બજેટ રજૂ કરવાનો યશ પણ હાંસિલ કર્યો છે. આવું પહેલી વાર બન્યું છે કે જ્યારે કોઇ નાણાં પ્રધાને સતત સાતમી વખત બજેટ રજૂ કર્યું હોય. જો કે આ બજેટને લઈને વિરોધ પક્ષ પણ સરકારની સામે પડ્યો છે. જો કે આ દરમિયાન નાણાં મંત્રીએ ખાનગી મીડિયા ચેનલ સાથે વાત કરીને બજેટને લઈને મહત્વપૂર્ણ વાતો કહી હતી.
નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલા ખુરશી બચાવો અને કટ પેસ્ટ બજેટના આરોપોને કોંગ્રેસનું નાટક કહીને વખોડી કાઢ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમારા વચગાળાને બજેટનાં પણ ઘણા કામો ચાર મહિનામાં થઈ ચૂક્યા છે, આ બજેટમાં પણ તેનો ઉલ્લેખ છે કારણ કે તે આ નાણાકીય વર્ષમાં થનારા કામોના છે. તે બજેટ ચાર મહીનાનું હતું જ્યારે આ બજેટ આઠ મહિનાનું છે. સૌથી મહત્વપૂર્ણ એ છે કે આ બજેટ અમૃત કાળના આગામી પાંચ વર્ષની દિશા નિર્ધારણ કરનાર છે. કે જેમાં ખેડૂતો માટે શું કરશું ? યુવાનો માટે શું કરશું? મહિલાઓ માટે શું કરશું ?ગરીબો માટે શું કરશું? તેનો સમાવેશ આ બજેટમાં છે.
આ પણ વાંચો : બજેટ સત્રમાં ભાજપ-‘આપ’ના સાંસદ આવ્યા સામસામે, સંજય સિંહે કહ્યું જેલનું બજેટ વધારો…
કોંગ્રેસ જનતાને ભ્રમિત કરે છે:
તેમણે કહ્યું હતું કે વચગાળાના બજેટમાં જ અમે અમારા પૂર્ણ બજેટની વાત કરી ચૂક્યા હતા. હવે તેની અમે વિસ્તારથી વાત કરી છે. બજેટને કટ પેસ્ટ કહેનારને કોઇ અધિકાર જ નથી. ભારતને 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે અને અમે તેના માટેનો માર્ગ કંડારી રહ્યા છીએ. અમે ચૂંટણી પહેલા જ બજેટમાં પાંચ વર્ષ અમે શું કરવાના છીએ તેનો ઉલ્લેખ પ્રધાનમંત્રીએ આપી દીધો છે. તો પછી આ બજેટને કટ પેસ્ટ કહેનારા કોણ ? કોંગ્રેસ દેશની જનતાને ભ્રમમાં નાખવા માટે આ નાટકો કરી રહી છે.
બે રાજ્યોને વધુ મહત્વ પર કહ્યું કે :
પોતાની સાથી પાર્ટીના રાજ્યોના વધુ લાભ આપવાના આરોપ પર જવાબ આપતા નાણાંમંત્રીએ કહ્યું હતું કે હું બીજા રાજ્યોને પૂછવા માંગીશ કે આજે ભારતનું એક રાજ્ય એવું છે કે જેને પોતાની રાજધાની નથી અને આવા રાજ્યને સહાય કરવી શું કોઇ ગુનો છે? જો યુપીએની સરકાર હોત તો શું આ બાબતે મનાઈ કરત? આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમમાં સ્પષ્ટ જોગવાઈ છે કે રાજ્યને પોતાની એક રાજધાની હોવી જોઈએ અને તે માટે કેન્દ્ર સરકાર મદદ કરશે. શું કાયદાને પણ યુપીએ નકારશે ? બિહારને વિશેષ રાજ્ય બનાવવાની માંગ નથી માનવામાં આવી પરંતુ રાજ્ય પૂર પ્રભાવીત હોવાથી તેને વિશેષ બજેટ ફાળવવામાં આવ્યું છે.