વિકી કૌશલ ૯ વર્ષ, ૧૦ ફિલ્મ ૬ ફ્લોપ, ૩ હિટ અને માત્ર એક બ્લોકબસ્ટર
નેહા ગાંધી
વિકી કૌશલનું નામ લેવાની સાથે સૌથી પહેલા ’ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ફિલ્મ નજરની સામે તરી આવે છે. આ ફિલ્મે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. વિકી કૌશલે છેલ્લા ૯ વર્ષની ફિલ્મી કારિર્દીમાં ૧૦ ફિલ્મો આપી છે જેમાંથી ૬ ફ્લોપ રહી હતી, ૩ હિટ અને માત્ર એક જ બ્લોકબસ્ટર હતી.
વિકી કૌશલ હાલમાં તેની આગામી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ ને લઈને ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ વિકી કૌશલની હિટ લિસ્ટની યાદીમાં ઉમેરાશે. આ ફિલ્મ તેની આ વર્ષની પ્રથમ ફિલ્મ છે. આ અગાઉ અભિનેતા ગયા વર્ષે ’સામ બહાદુર’ ફિલ્મમાં જોવા મળ્યો હતો.
વિકી કૌશલે ૨૦૧૫માં ફિલ્મ ‘મસાન’ દ્વારા મુખ્ય અભિનેતા તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે ફ્લોપ સાબિત થઈ હતી. ૭ કરોડ રૂપિયાના બજેટની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર ૩.૬૩ કરોડ રૂપિયાની જ કમાણી કરી હતી.
તેની બીજી ફિલ્મ ‘ઝુબાન’ ૨૦૧૬માં આવી હતી. ૮ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ માત્ર ૪૬ લાખ રૂપિયાની કમાણી કરીને સ્ક્રીન પરથી ગાયબ થઈ ગઈ હતી. ૨૦૧૬માં વિકી કૌશલ ફિલ્મ ‘રમન રાઘવ ૨.૦’માં પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મનું બજેટ ૧૦ કરોડ રૂપિયા હતું અને માત્ર ૭ કરોડ રૂપિયા કલેક્શન કર્યા બાદ તે વિકીની ફ્લોપ લિસ્ટમાં સામેલ થઈ ગઈ.
બે વર્ષ પછી, ૨૦૧૮માં, વિકી કૌશલ ફિલ્મ ’રાઝી’ સાથે સ્ક્રીન પર પાછો ફર્યો. આ તેની કારકિર્દીની પ્રથમ હિટ ફિલ્મ બની હતી. ૩૭ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૨૩.૮૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો અને સુપરહિટ સાબિત થઈ. ૨૦૧૮માં વિકી કૌશલે ‘મનમર્ઝિયાં’માં પણ અભિનય કર્યો હતો, પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી હતી. પછી ૨૦૧૯માં, અભિનેતાની ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ રિલીઝ થઈ જે ૨૪૫.૩૬ કરોડ રૂપિયાના કલેક્શન સાથે બ્લોકબસ્ટર સાબિત થઈ.
૨૦૨૦ માં રીલિઝ થયેલી હોરર ફિલ્મ ‘ભૂત: ધ હોન્ટેડ શિપ’ ફ્લોપ રહી. આ પછી, વિકી ત્રણ વર્ષ સુધી સ્ક્રીન પરથી ગાયબ રહ્યો અને પછી તેણે ૨૦૨૩માં ‘જરા હટકે જરા બચકે’ સાથે કમબેક કર્યું. રૂ. ૮૮ કરોડના કલેક્શન સાથે આ ફિલ્મ હિટ રહી હતી અને સારા અલી ખાન સાથે તેની જોડીના પણ વખાણ થયા હતા.
૨૦૨૩ માં વિકી કૌશલની હજુ બે ફિલ્મ રિલીઝ થઈ હતી. ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’ જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી. બીજી ફિલ્મ ’સામ બહાદુર’ હતી, જેને લોકોએ ઘણી પસંદ કરી
હતી. ૯૨.૯૮ કરોડના કલેક્શન સાથે વિકી કૌશલની આ ચોથી હિટ ફિલ્મ હતી. હવે વિકી કૌશલ ‘બેડ ન્યૂઝ’માં જોવા મળશે, જેમાં તેની સાથે અભિનેત્રી તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક મુખ્ય ભૂમિકામાં છે.