એકસ્ટ્રા અફેર

કેન્દ્રના બજેટમાં બધાં રાજ્યોને મળવું જોઈએ, બે રાજ્યોને જ નહીં

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રિય બજેટમાં બિહાર અને આંધ્ર પ્રદેશને લહાણી કરાઈ અને બીજાં રાજ્યોની સાવ અવગણના કરાઈ એ મુદ્દો ચગ્યો છે. આ મામલે વિપક્ષે આક્રમક વલણ અપનાવતાં સંસદની બહાર અને ગૃહમાં અંદર એમ બંને ઠેકાણે ભારે દેકારો મચાવી દીધો છે. વિપક્ષોનો આક્ષેપ છે કે, નરેન્દ્ર મોદીની સરકારે પોતાને ટેકો આપીને સત્તામાં લાવનારાં બે પક્ષની સરકાર છે એવાં રાજ્યોને જ બજેટમાં પ્રાધાન્ય આપ્યું છે અને બીજાં રાજ્યોને સાવ રઝળાવી દીધાં છે. નિર્મલાના બજેટમાં આંધ્ર પ્રદેશ અને બિહાર એ બે રાજ્યો માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે જ્યારે બીજી બાજુ અન્ય રાજ્યો માટે કોઈ જ જાહેરાતો કરવામાં આવી નથી.

આ મુદ્દે વિપક્ષના સાંસદોએ રાજ્યસભામાં સરકારના માથે બરાબરમાં માછલાં ધોયાં. કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાઅર્જુન ખડગેએ તો કટાક્ષ કર્યો કે, બજેટમાં ફક્ત બે રાજ્યોની થાળીમાં પકોડા દેખાય છે અને બીજાં રાજ્યોને કશું મળ્યું નથી. આ બજેટ માત્ર ભાજપના સહયોગીઓને સંતોષવા માટે છે અને સરકારે બીજા કોઈને કંઈ આપ્યું નથી. વિપક્ષોએ આ
મામલે રાજ્યસભામાંથી વોકઆઉટ પણ કરી દીધો અને સંસદની બહાર પણ ધરણાં કર્યાં. અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ સંસદની બહાર ભાજપ સરકારે બીજાં રાજ્યોને અન્યાય કર્યો હોવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો.

મોદી સરકાર વતી પીયૂષ ગોયલ બચાવ કરવા ઉતર્યા ને તેમનું કહેવું છે કે, કૉંગ્રેસે ભરમાવેલા ઈન્ડિયા મોરચાના પક્ષો રાજકીય અને લોકશાહીની પરંપરાઓ સંપૂર્ણપણે નાશ કરવા માટે મચી પડ્યાં છે. ગોયલના કહેવા પ્રમાણે, બજેટમાં અન્યાયની વાત ખોટી છે. આ બજેટ રોજગારલક્ષી છે અને દેશના અર્થતંત્રને આગળ લઈ જવા માટે સંખ્યાબંધ જાહેરાતો કરાઈ છે.

ગોયલે જે વાત કરી એ સાવ ખોટી છે કેમ કે બજેટમાં બિહાર અને આંધ્ર પ્રદેશ એ બે રાજ્યો સિવાય બીજાં રાજ્યોને કશું અપાયું જ નથી. આ બિલકુલ અન્યાય છે ને તેનો બચાવ થઈ શકે તેમ જ નથી પણ ભાજપના નેતા ને સરકારના મંત્રી તરીકે એ બીજું કશું બોલી શકે તેમ નથી. મોદીભક્તિ કરીને ટકેલા પીયૂષ ગોયલ પાસે એ સિવાય આરો નથી તેથી તેમને માફ કરી દેવાય પણ નિર્મલા સીતારમણે જે વાત કરી એ આઘાતજનક છે. નિર્મલાના કહેવા પ્રમાણે, દરેક બજેટમાં દરેક રાજ્યનો ઉલ્લેખ કરાય એ જરૂરી નથી ને એ શક્ય પણ નથી. કોઈ રાજ્યનો ઉલ્લેખ ના કરાય તેનો મતલબ એ નથી કે, આ રાજ્યો કેન્દ્ર સરકારની યોજનાઓનો ફાયદો નથી મેળવી રહ્યાં.

નિર્મલા સીતારમણનો બચાવ વાહિયાત છે અને એ વાતનો પુરાવો છે કે, લોકસભાની ચૂંટણીમાં આ દેશની પ્રજાએ ભાજપને સ્પષ્ટ બહુમતી નહીં આપીને તેની ઔકાત બતાવી દીધી એ છતાં કેટલાંક નેતાઓના પગ હજુ જમીન પર નથી આવ્યા. એ લોકો હજુય પોતાને બધાંથી ઉપર જ માને છે અને બીજાં લોકોની કોઈ હૈસિયત જ નથી એ ભ્રમમાં રાચે છે. આ ભ્રમમાંથી એ લોકો જેટલાં જલદી બહાર આવી જાય એ તેમના ફાયદામાં છે ને ભાજપના પણ ફાયદામાં છે.

બાકી આ રીતે વર્તનારાં લોકોના શા હાલ થાય છે એ સ્મૃતિ ઈરાનીના કિસ્સામાં જોયું જ છે. ભાજપને બે વાર સ્પષ્ટ બહુમતી મળી ત્યારે સ્મૃતિ એટલા તોરમાં હતાં કે, બેફામ બોલતાં હતાં ને પોતે બધાંથી ઉપર હોય એ રીતે જ વર્તતાં હતાં. હવે સ્મૃતિ મેડમ શોધ્યાં જડતાં નથી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધી સામે અમેઠીમાંથી હારી ગયાં એ છતાં તેમને મોદી સરકારમાં મંત્રી બનાવાયેલાં. આ વખતે તેમને કોઈ પૂછનારું નથી ને સરકારી બંગલો ખાલી કરાવીને એવાં રવાના કરી દેવાયાં કે શોધ્યાં જડતાં નથી. નિર્મલા મેડમ સ્મૃતિ ઈરાનીની જેમ હવામાં નથી આવી ગયાં પણ એ જે ભાષા બોલે છે એ સ્મૃતિ ઈરાનીની જ છે એ જોતાં એ અહીંથી પાછાં વળી જાય એ તેમના ફાયદામાં છે ને ભાજપના ફાયદામાં પણ છે.

હવે નિર્મલા મેડમે જે કહ્યું છે તેની વાત પણ કરી લઈએ. નિર્મલા મેડમના કહેવા પ્રમાણે, દરેક બજેટમાં દરેક રાજ્યનો ઉલ્લેખ આવે એ શક્ય નથી. નિર્મલા મેડમ, દરેક બજેટમાં દરેક રાજ્યનો ઉલ્લેખ આવવો જ જોઈએ કેમ કે આ દેશ રાજ્યોનો બનેલો છે.

આ બજેટ કેન્દ્ર સરકારનું છે ને કેન્દ્ર સરકારના બજેટમાં દરેક રાજ્યને કંઈક ને કંઈક મળવું જ જોઈએ. એ રાજ્યોનો અધિકાર છે અને તમે આ અધિકાર છિનવી લીધો છે. તમે દરેક રાજ્યનો ઉલ્લેખ ના કર્યો કેમ કે, તમે રાજ્યોને કશું આપ્યું નથી. બીજી તરફ બે રાજ્યોનો ઉલ્લેખ કર્યા કર્યો કેમ કે તમે તેમને જ લહાણી કરી છે. બીજાં રાજ્યોનો ઉલ્લેખ સુધ્ધાં ના થાય ને માત્ર બે રાજ્યોનો જ ઉલ્લેખ આવ્યા કરે એ કેવું ? તેનો પણ જવાબ આપો ને ? તમે દેશનાં બે રાજ્યોને જ બધું આપીને બેસી ગયો તો બીજાં રાજ્યોએ શું બેસીને ઘૂઘરો વગાડવાનો છે ? બે રાજ્યો સિવાયનાં રાજ્યોનાં લોકો ટેક્સ નથી ભરતાં ?

નિર્મલા સીતારમણને આવી વાહિયાત વાત કરતાં શરમ આવવી જોઈએ. આ દેશનાં નાણાં પ્રધાન તરીકે નિર્મલા સીતારમણની ફરજ હતી કે, તમામ રાજ્યોને સરખા હિસ્સે બધું વહેંચે. કેન્દ્ર સરકાર પાસે જે પૈસો આવે છે એ આખા દેશમાંથી આવે છે અને તેમાંથી કેન્દ્રનું બજેટ બને છે. આ બજેટમાં બધાં રાજ્યોને હિસ્સો મળવો જોઈએ, બે રાજ્યો જ બધું લઈ જાય એ ના ચાલે. દેશનાં નાણાં પ્રધાન તરીકે વર્તવાના બદલે મોદીની સત્તાલાલસા સંતોષવા માટેનો હાથો બનનારાં નિર્મલા દેશના નાણાં પ્રધાન તરીકેનો પોતાનો ધર્મ ચૂક્યાં છે. તેના માટે લાજવાના બદલે એ ગાજી રહ્યાં છે એ જોઈને આઘાત લાગે છે.

નિર્મલા મેડમે, કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ બીજાં રાજ્યો પણ લે છે એવો વાહિયાત બચાવ કર્યો છે. તેમાં કોઈ કંઈ અહેસાન કરતું નથી. દેશના રીસોર્સિસ, દેશનાં નાણાં, દેશની યોજનાઓ પર બધાંનો અધિકાર છે ને આ અધિકાર આ દેશના બંધારણે આપેલો છે. તેની વાત જ ના કરવાની હોય. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button