પુણેમાં વરસાદી આફતઃ 48 કલાક માટે રેડ એલર્ટ, ચારનાં મોત
400 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા, એજન્સી એલર્ટ

મુંબઈ: મુશળધાર વરસાદને કારણે મહારાષ્ટ્રના પુણેમાં પરિસ્થિતિ ગંભીર બની હતી, જ્યારે વરસાદ સંબંધિત ઘટનામાં ચાર જણનાં મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. પુણેમાં નીચાણવાળા વિસ્તારોના ઘરો અને રેસિડેન્શિયલ સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા. પુણે સિવાય કોલ્હાપુર, સાંગલી, સતારા, ગઢચિરોલીમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી.

હવામાન વિભાગ દ્વારા બુધવારે જ પુણે માટે ‘એડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું હતું અને આ એલર્ટ આગામી ૪૮ કલાક માટે રહેશે. સિંહગઢ રોડ, બાવધાન, બાનેર અને ડેક્કન જીમખાના સહિત નદી કિનારાના વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પ્રશાસન તરફથી લોકોને સાવચેત રહેવાની તથા કામ વગર ઘરેથી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી હતી.
Great pictures now look at this
— Chaitanya… (@gaaw_waale) July 25, 2024
Pune setting new records of worst town planning every #Monsoon !!!!
Let’s go swim !!!!!! #Pune #Punerains https://t.co/VVY8s9E7wV pic.twitter.com/YugDj5bih4
પુણે શહેર અને વેલ્હા, મુળશી, ભોર તાલુકા સહિત જિલ્લાના અન્ય ભાગમાં તથા ખડકવાલસા સહિતના અનેક બંધ વિસ્તારમાં બુધવાર રાતથી જોરદાર વરસાદ પડ્યો હતો. અગ્નિશમન દળ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

ખડકવાસલા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો હોવાને કારણે ડેમમાંથી ૩૫,૦૦૦ ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી હતી અને વધુ ૪૫,૦૦૦ ક્યુસેક પાણી પણ છોડવામાં આવશે, એમ અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું.
આ સિવાય મુળશી ડેમમાં પણ પાણી જોખમી સ્તર પર પહોંચી ગયું હોવાથી સાંજે ડેમમાંથી પાંચ-સાત હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તે અગાઉ જ પ્રશાસન તરફથી પુણે જિલ્લાધિકારી કાર્યાલય તરફથી નાગરિકોને સતર્ક રહેવાની આગાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ભારે વરસાદની પરિસ્થિતિમાં NDRF અને SDRFની ટીમો બની રહી છે “દેવદૂત”
પુણેમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનામાં ઓછામાં ઓછા ચાર જણનાં મોત થયા હોવાની ઘટના બની હતી. ડેક્કન જીમખાના વિસ્તારમાં પાણીમાં ફસાયેલી પોતાની હાથગાડી કાઢવા જતા ત્રણ જણને વીજળીનો આંચકો લાગ્યો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા સારવાર દરમિયાન તેમના મોત થયા હતા. અન્ય ઘટનામાં મુળશી તહેસિલમાં તાહમિની ઘાટ ખાતે એક ખાદ્ય પદાર્થનું વેચાણ કરતી દુકાન પર ભેખડ ધસી પડતા એક જણનું મોત થયું હતું.
૪૦૦થી વધુ લોકોને બચાવાયા.

પાણી ભરાવાની ઘટનાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયાં હતાં ત્યાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ તહેનાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Maharashtra Rains: ભારે વરસાદને લઈ એકનાથ શિંદે એક્શનમાં
પુણેના સિંહ ગઢ સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હોવાને કારણે અનેક લોકો તેમાં ફસાયા હતા. સિંહગઢ રોડ પર લશ્કરી દળની બે ટીમ ગોઠવવામાં આવી હતી, જ્યારે એનડીઆરએફ, અગ્નિશમન દળ તથા જિલ્લા અને સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને પણ બચાવ કાર્યમાં ગોઠવવામાં આવ્યા હતા. સિંહગઢ રોડ પરથી અંદાજે ૪૦૦થી વધુ લોકોને બચાવવામાં આવ્યા હતા.
તળિયા ઝાટક ડેમમાં નવા પાણીની આવક
મરાઠવાડાના ત્રણમાનો એક બીડ જિલ્લામાં આવેલો માંજરા ડેમ જે સૂકો પડ્યો હતો તેમાં પણ પાણીની આવક થઇ છે. ગુરુવારે સવારે ડેમમાં ૦.૬૧ મિલ્યન ક્યુબિક મીટર (એમસીએમ) પાણીની આવક થયા બાદ ડેમનું સ્તર ૦.૦૯ ટકા પર પહોંચ્યું હતું. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન ડેમમાં ૨૨.૯૯ ટકા પાણી હતું.
લાતુર શહેરને માંજરા ડેમ, ધારાશીવ જિલ્લાને સિના કોલેગાંવ અને બીડને મજલગાંવ ડેમ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે અને આ ત્રણેય ડેમ સૂકાઇ ગયા હતા. લાતુરમાં હાલમાં ચાર દિવસે એક વખત પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે માંજરા ડેમમાં પાણીની થોડી આવક ભલે થઇ હોય, પરંતુ હજી પણ પાણીકાપ ચાલુ જ રહેશે. આ દરમિયાન નાંદેડ જિલ્લાના વિષ્ણુપુરી ડેમનું પાણીનું સ્તર ૮૩ ટકા પર પહોંચી ગયું છે અને કોઇ પણ સમયે ડેમ છલકાઇ શકે છે. આ ડેમ ગોદાવરી નદી પર આવેલો છે. રાયગઢ જિલ્લાના માથેરાનમાં ગુરુવારે સવારે ૮.૩૦ કલાકથી સાંજે ૫.૩૦ કલાક સુધી ૧૩૭ એમએમ જ્યારે સાતારા જિલ્લાના મહાબળેશ્ર્વરમાં ૧૪૩.૨ એમએમ વરસાદ પડ્યો હતો.